રાજકોટ
News of Monday, 19th August 2019

તહેવારોનો માહોલઃ કાલે નાગપાંચમઃ ગુરૂવારથી 'ટનાટન' લોકમેળો...

રાજકોટના રેસકોર્સ મેદાનમાં મુખ્યમંત્રી વિજયભાઇ રરમીએ સાંજે ૪ વાગ્યે લોકમેળો ખૂલ્લો મૂકશેઃ અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશેઃ આજે બોળચોથઃ બે-રાંધણ છઠ્ઠઃ મેળામાં પાંચ દિ'માં ૧પ લાખ લોકો ઉમટશેઃ દરેક એસટી ડીપોમાં ૧૦-૧૦ એકસ્ટ્રા બસો મૂકાઇ

લોકમેળો ટનાટન તૈયાર થઇ રહ્યો છે, તસ્વીરમાં ગગનોને ચૂંબતા ઉંચા ફજત-ફાળકા-ચકડોળ તથા જીવ સટોસટનો ખેલ દેખાડી લોકોને મંત્રમુગ્ધ કરી રહેલા મોતના કુવા અને જબરદસ્ત ઝૂલામાં લોકોને આકાશી સફર કરાવતા ઝૂલા તૈયાર થઇ રહયા છે. તે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સાતમ - આઠમના તહેવારોનું જબરૂ મહત્વ છે.

સૌરાષ્ટ્રને વળોટો એટલે અમદાવાદ-વડોદરા-સુરતમાં સાતમ-આઠમના તહેવારોનો માત્ર સામાન્ય ઉત્સાહ હોય છે, પરંતુ રાજકોટ-સૌરાષ્ટ્ર-કચ્છની ઉત્સવઘેલી પ્રજા પોતાના પ્રાણપ્યારા કાનુડાનો જન્મ દિવસની જબરી ઉજવણી કરે છે.

આજથી તહેવારોનો માહોલ શરૂ થઇ ગયો છે, આજે બોળચોથ છે, ગૃહિણીઓ ગાય-વાછરડાની પૂજા કરી પોતાના પરિવારની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરશે, કાલે નાગપાંચમ છે, ઘરે-ઘરે અને નાગ મંદિરોમાં નાગ દેવતાની ભાવભરી પૂજા થશે. બુધ અને ગુરૂવારે રાંધણછઠ્ઠ છે, બે દિવસ રાંધણ છઠ્ઠ હોય શુક્રવારે સાતમ અને શનિવારે આઠમની ઉજવણી થશે, રાજકોટમાં જબરી રથયાત્રા નીકળે છે, લાખો લોકો ભાવવિભોર બની જાય છે.

રાજકોટમાં સાતમ-આઠમના  તહેવારો સંદર્ભે દર વર્ષે કલેકટર તંત્ર રેસકોર્સ મેદાન ખાતે લોકમેળાનું આયોજન કરે છે, આ વર્ષે પણ મલ્હાર લોકમેળો યોજી રહ્યું છે, તમામ સ્ટોલ વેચાઇ ગયા છે, તંત્રને રાા કરોડ ઉપરની આવક થઇ છે, મેળાના મેદાનમાં અવનવી રાઇડો સહિતની ગોઠવણો થઇ રહી છે.

ગુરૂવારે બપોરે ૪ વાગ્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી લોકમેળાનું દબદબાભર્યુ ઉદઘાટન કરશે, અને તે સાથે પાંચ દિ'નો રંગીન મેળો જમાવટ કરશે. પાંચ દિ'ના આ મેળામાં અંદાજે ૧પ લાખ લોકો ઉમટી પડે તેવી ધારણા છે.

દરમિયાન રજાનો માહોલ શરૂ થઇ જતા અને વરસાદે ખમૈયા કરતા એસ. ટી. રાજકોટ ડીવીઝનની આવકમાં વધારો થયો છે, ડીવીઝન નિયામક દ્વારા મુસાફરોના ઘસારાને પહોંચી વળવા રાજકોટ સેન્ટ્રલ બસ સ્ટેશન સહિત દરેક  ડેપોમાં ૮ થી ૧૦ એકસ્ટ્રા બસો મૂકાઇ છે, હાલ ગોધરા-દાહોદ તરફની બસો ચિક્કાર જાય છે.

ગુરૂવારે બપોરે ૪ વાગ્યે લોકમેળો ખુલ્લો મુકાયા બાદ એક કલાકનો અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો છે. મુખ્યમંત્રીશ્રી બન્યા બાદ વિજયભાઇ આ પ્રથમ વખત મેળાનું ઉદઘાટન કરી રહ્યા છે.

(11:49 am IST)