રાજકોટ
News of Monday, 19th July 2021

આજી - ન્યારીમાં નર્મદા નીર ઠાલવવાનું શરૂ

ચિંતા ટળી : રાજકોટને ખરા ટાણે પાણી પહોંચાડનાર સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પર શુભેચ્છા વર્ષા : આજી - ન્યારીમાં દરરોજ ૧૫૦ MCFT પાણી ઠાલવાશે : હવે સપ્ટેમ્બર સુધી જળકટોકટી ટળી

ત્રંબાથી ડેમ તરફ ધસમસ્તો પ્રવાહ, પાણીની ઘટ્ટ પુરી કરવા આ પાણી ઠલવાઇ રહ્યું છે.

રાજકોટ તા. ૧૯ : શહેરના પાણી વિતરણના આધારે સ્તંભ સમા આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં નવા પાણીની આવક નહી થતા શહેરને દરરોજ ૨૦ મીનીટ પાણી વિતરણમાં જળકટોકટીના એંધાણ હતા આથી યુવા મેયર પ્રદિપ ડવે આગમચેતી રૂપે રાજકોટને નર્મદા નીર ફાળવી આજી - ન્યારી ડેમને ભરી દેવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવ્યો હતો.

આ પત્રના અનુસંધાને શ્રી રૂપાણીએ યુધ્ધના ધોરણે રાજકોટના આજી-ન્યારી ડેમને નર્મદા નીરથી ભરી દેવા નિર્ણય લેતા ગઇકાલથી જ રાજકોટ તરફ સૌની યોજના હેઠળ નર્મદા નીર રવાના કરાયા. આજે સવારે ત્રંબા અને સાંજે આજી ડેમમાં નર્મદા નીર ઠાલવવાનું શરૂ થયું છે. જેના કારણે હવે રાજકોટને સપ્ટેમ્બર સુધી પાણીની નિરાંત હાલના તબક્કે થઇ ગઇ છે. આમ ખરા વખતે જ રાજકોટને નર્મદા નીર ફાળવવા અંગે મુખ્યમંત્રીશ્રી ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા વોટર વર્કસ કમિટીના ચેરમેન દેવાંગભાઈ માંકડ એક સંયુકત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકાનો દિન-પ્રતિદિન વિસ્તાર તથા વસ્તીનો વધારો થઇ રહ્યો છે. શહેરીજનોને દૈનિક ૨૦ મિનિટ પીવાનું પાણી મળી રહે તે માટે રાજયના સંવેદનશીલ માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ખુબ જ ટૂંકા ગાળામાં સૌની યોજના હેઠળ આજી, ન્યારીને જોડી પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવી દીધેલ છે.

શહેરને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયો આજી, ન્યારી, જયારે જયારે પાણીની ઘટ ઉભી થાય ત્યારે સૌની યોજના હેઠળ અવારનવાર નર્મદાનું પાણી સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ છે.

ચાલુ વર્ષની ચોમાસાની સીઝન દરમ્યાન સંતોષકારક વરસાદ થયેલ નથી અને સ્થાનિક જળાશયોમાં નવાનીરની આવક થયેલ નથી. જેના અનુસંધાને મેયર ડો.પ્રદિપ ડવએ તા.૧૩/૦૭/૨૦૨૧થી મુખ્યમંત્રીશ્રીને જળાશયોની સ્થિતિ જણાવેલ.

આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇ મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરૂ પાડતા જળાશયો આજી, ન્યારીમાં નર્મદાનું પાણી આપવાનું મંજુર કરેલ અને નર્મદાનું પાણી આજરોજ ત્રંબા સમ્પમાં નર્મદાનું પાણી પહોંચી ગયેલ છે. ત્રંબા સમ્પ મારફત આજી-૧ અને ન્યારી-૧ નર્મદાનું પાણી સાંજ સુધીમાં પહોંચી જશે. જે બદલ પદાધિકારીશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીનો રાજકોટના નગરજનોવતી હ્રદયપૂર્વક આભાર વ્યકત કરેલ છે.

વિશેષમાં પદાધિકારીશ્રીએ જણાવેલ કે, નર્મદાનું પાણી રાજકોટને આપવા માટે રાજકોટથી ૧૨૦ કિ.મી. દુર ધોળી ધજા ડેમમાંથી આશરે ૫૦૦ ફૂટ ઉંચાઈએથી પમ્પીંગ કરી અને રાજકોટ આજી, ન્યારીમાં પહોંચાડવામાં આવે છે. ગતસાલ પણ આજી, ન્યારીમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવેલ.

રાજકોટ શહેરના વિકાસ માટે રાજયના મુખ્યમંત્રીશ્રી હંમેશા ચિંતા કરી રહ્યા છે જે આપણા સૌ માટે ગૌરવની બાબત છે તેમ અંતમાં પદાધિકારીશ્રીઓએ જણાવેલ.

નોંધનિય છે કે ઉકત બંને ડેમમાં હાલ તુરંત દરરોજ ૧૫૦ - ૧૫૦ એમ.સી.એફ.ટી. જળ જથ્થો જરૂરીયાત મુજબ ઠાલવવામાં આવી રહ્યો છે અને જો પાણીની આવક બંને ડેમમાં થઇ જશે તો નર્મદા નીર બંધ કરી દેવાશે તેમ જાણવા મળ્યું છે.

(4:20 pm IST)