રાજકોટ
News of Thursday, 19th July 2018

મોરબી રોડના રામ પાર્ક-૨ના રહેવાસીઓને પ્લોટ ખાલી કરવા જનક ભરવાડની સતત ધાકધમકીઃ પોલીસ કમિશ્નરને રજૂઆત

રાજકોટઃ મોરબી રોડ પર રામપાર્કમાં રહેતાં બેનાબેન દોલુભાઇ શિયાળીયા સહિતના રહેવાસીઓએ પોલીસ કમિશ્નરશ્રીને લેખિત રજૂઆત કરી ગેરકાયદેસર રીતે પ્લોટનો કબ્જો ખાલી કરાવવા મથતા ભરવાડ શખ્સ સહિતના પગલા લેવા માંગણી કરી છે. રજૂઆતમાં બેનાબેને જણાવ્યું છે કે પોતે તથ અન્ય રહેવાસીઓ રામ પાર્ક-૨માં છેલ્લા પચ્ચીસ વર્ષથી પરિવાર સાથે રહે છે. હાલમાં જનક ભરવાડ પોલીસનો સાથ લઇને યેનકેન પ્રકારે હેરાન કરી પ્લોટ ખાલી કરાવવા ધાકધમકીઓ આપે છે. લત્તાવાસીઓ ધાકધમકીને તાબે ન થતાં જનક ભરવાડ પોલીસના અમુક કર્મચારીઓને સાથે લઇને આવે છે અને તંત્રનો દુરૂપયોગ કરીને પ્લોટનો કબ્જો લેવા હેરાન કરે છે. જો તાકીદે પગલા લેવામાં નહિ આવે તો આ લોકોની આવી પ્રવૃતિને પ્રોત્સાહન મળી જશે. પ્લોટ ખાલી નહિ કરો તો ખોટા કેસમાં ફીટ કરાવી દઇશું...તેવી ધમકીઓ પણ ઉચ્ચારાય છે. આ પ્લોટ ખાનગી માલિકીનો છે અને તેમાં અઢી દાયકાથી બધા વસવાટ કરે છે. હવે અચાનક ભરવાડ શખ્સે આ પ્લોટ હડપ કરવા ખાલી કરાવવા માટે પેતરા શરૂ કર્યા છે. વર્ષોથી અહિ રહેતાં લોકો આશરા વગરના થઇ જાય તેમ છે. આ મામલે યોગ્ય તપાસ કરાવી પગલા લેવા માંગણી છે. તેમ રજૂઆતમાં જણાવાયું છે. તસ્વીરમાં રજૂઆત કરનારા રામ પાર્કના રહેવાસીઓ જોઇ શકાય છે.

(4:19 pm IST)