રાજકોટ
News of Thursday, 19th July 2018

ગણેશ સ્થાપના-વિસર્જન અંગે રાજકોટ માટે પોલીસ કમિશ્નર ગહલૌતનું આખરી જાહેરનામુ

રાજકોટ તા. ૧૯: રાજકોટથી વડોદરા બદલી પામેલા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતનું છેલ્લુ જાહેરનામુ પ્રસિધ્ધ થયું છે. આગામી ૧૩/૯ના રોજ ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થનાર છે અને બાદમાં આ મુર્તિઓના વિસર્જન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં અમુક ભાવિકો દ્વારા સ્થાપનાના ત્રીજા દિવસે એટલે કે ૧૫/૯ના, પાંચમા દિવસે એટલે કે ૧૭/૯ના, સાતમા દિવસે એટલે કે ૧૯/૯ના અને નવમા દિવસે એટલે કે ૨૧/૯ના રોજ અને કેટલાક ભાવિકો દ્વારા અગિયારમા દિવસે એટલે કે ૨૩/૯ના રોજ મુર્તિઓનું વિસર્જન નદી કે તળાવમાં કરવામાં આવે છે. આ મહોત્વસને અનુલક્ષીને અનુપમસિંહ ગહલૌતે જાહેરનામુ બહાર પાડ્યું છે.

આ મહોત્સવ અંતર્ગત મુર્તિકારો દ્વારા અગાઉથી મુર્તિ તૈયાર કરાય છે. મુર્તિ બનાવવાના સ્થળે ગંદકી ન ફેલાય અને રોગચાળો ન થાય તેમજ કોઇ ધર્મની લાગણી દુભાય તેવા ચિહ્નો કે નિશાનીઓ રાખવામાં ન આવે અને મુર્તિની ઉંચાઇનું ધોરણ યોગ્ય રીતે જળવાઇ રહે તેમજ વિસર્જન વખતે કોઇ અવરોધ ઉભો ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અને પર્યાવરણ એકટ મુજબ પર્યાવરણને નુકસાન ન થાય એ હેતુથી સાવચેતીના પગલા રૂપે અમુક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવ્યો છે જે નીચે મુજબ છે.

ગણેશ ભગવાનની મુર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવવા કે વેંચવા કે સ્થાપન કરવા પર પ્રતિબંધ, મુર્તિ ૯ ફુટ કરતાં ઉંચી ન બનાવવી, નક્કી કરેલા સ્થળોએ જ વિસર્જન કરવું, મુર્તિકારો જ્યાં મુર્તિ બનાવે છે તે જગ્યાએ કે આસપાસ ગંદકી કરવી નહિ, મુર્તિકારોએ અથવા ખંડિત થયેલી મુર્તિઓને સ્થાપના બાદ બિનવારસ મુકવી નહિ, કોઇપણ ધર્મની લાગણી દુભાય તેવા ચિહ્નો કે નિશાની મુકવા નહિ, વિસર્જન પુર્ણ થયાના એક દિવસ કરતાં વધુ સમય માટે મંડપો રાખવા નહિ, વિસર્જન બાદ મુર્તિઓ પાણીમાંથી પરત કાઢી લઇ જઇ શકાશે નહિ, સ્થાપના-વિસર્જન સરઘસયોજવા અંગેની પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાયના અન્ય રૂટ પર સ્થાપના કે વિસર્જન કરવું નહિ. આ હુકમોનો ભંગ કરનારા સામે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૧ મુજબ કાર્યવાહી થશે.

(4:18 pm IST)