રાજકોટ
News of Thursday, 19th July 2018

માંડવી ચોક જિનાલય ખાતે રવિવારે ભવ્ય ચાતુર્માસ પ્રવેશ

રાજકોટના કોઠારી-ટોલીયા તથા દોશી પરિવારની પુણ્યવંતી ૭ સંસારી પુત્રીઓનો પ્રાચીન તીર્થ : પૂ.વિપુલયશાશ્રીજી તથા પૂ.વ્રતધરાશ્રીજી મ.સ.આ.ઠા.૭ની ૭-૩૦ કલાકે પ્રવેશ યાત્રા : સંઘપૂજન-નવકારશી યોજાશે

રાજકોટ તા.૧૯ : ૧૯૨ વર્ષ પ્રાચીન તીર્થ શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ શ્રી સુપાર્શ્વનાથ જિનાલયના આંગણે સંઘના પ્રબળ પુણ્યોદયે એક સાથે સર્વપ્રથમવાર પુણ્યવંતી રાજકોટની ૭ પુત્રીઓ જેઓએ શ્રી સાગરાનંદ સમુદાયમાં દિક્ષા ગ્રહણ કરી સંયમપંથે બિરાજે છે તેવા તપસ્વીરત્નો જૈન શાસ્ત્રોના જાણકાર, પ્રખર વ્યાખ્યાનકાર, પ.પુ.વિપુલયશાશ્રીજી સાધ્વીજી મ.સા., પ.પુ.વ્રતધરાશ્રીજી સાધ્વીજી મ.સા. આદિ ઠાણા ૭નું ઐતિહાસીક ભવ્ય ચાર્તુમાસ નકકી થયેલ છે. રાજકોટના શ્રેષ્ઠીવર્ય પરિવારો શ્રી કોઠારી, શ્રી ટોલીયા, દોશી પરિવારની સંસારીપણે પુત્રી રત્નો આ ચાર્તુમાસને દિપાવશે.

શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘના આંગણે રવિવાર તા.રરના રોજ પ.પુ.સાધ્વીજી ભગવંતોનો ચાર્તુમાસ પ્રવેશ થશે. શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘના પ્રમુખ શ્રેષ્ઠીવર્ય જીતુભાઇ દેસાઇ (ચાવાળા)ના નિવાસસ્થાન ૬-૧૬ પ્રહલાદપ્લોટથી સવારના ૭-૩૦ કલાકે ચાર્તુમાસ પ્રવેશ યાત્રાનો વાજતે ગાજતે હર્ષોલ્લાસ સાથે શુભઆરંભ થશે. શોભાયાત્રામાં પ્રમુખના નિવાસસ્થાને પધારનાર શ્રાવક શ્રાવિકાઓનું પરંપરાગત રીતે સંઘપૂજન કરવામાં આવશે.

ચાર્તુમાસ પ્રવેશયાત્રા વાજતે ગાજતે શ્રેષ્ઠીવર્યોની ઉપસ્થિતિમાં પ્રહલાદ પ્લોટથી પેલેસરોડ સોનીબજાર થઇ શ્રી સુપાર્શ્વનાથ જિનાલયે તા.રર ના સવારના ૮-૧૫ કલાકે આવશે. શ્રી સુપાર્શ્વનાથ દાદાના મંગલ આર્શિવાદ મેળવી જાગતાદેવ શ્રી મણિભદ્રદાદાને ધર્મલાભ આપી પૂજય સાધ્વીજી ભગવંતો શુભમુહુર્તે ઉપાશ્રય પ્રવેશ કરશે. ત્યારબાદ માંગલિક પ્રવચન આગામી ચાર્તુમાસના ધાર્મિક અનુષ્ઠાનોની ઝલક સાથે ઉપસ્થિતિ શ્રાવક શ્રાવિકાઓ માટે નવકાશીની વ્યવસ્થા શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ તરફથી કરવામાં આવેલ છે.

ચાર્તુમાસ પ્રસંગે શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ (દાદાવાડી) દ્વારા શ્રી સંઘ ઉપાશ્રય, શ્રી આયંબીલ ભુવન તથા ધર્મશાળા ભોજનશાળાને આધુનીક ઓપ આપેલ છે. ચાર્તુમાસે પધારતા પ.પુ.શ્રી વિપુલયાશ્રીજી સાધ્વીજી ભગવંતનો દિક્ષાપર્યાય ૬૮ વર્ષનો છે. સંયમ માર્ગ તપસ્યા સાથે જૈનશાસન જેણે ૬૮ - ૬૮ વર્ષથી શોભાયમાન કરેલ છે તેવા રાજકોટના જ પનોતા પુત્રી છે.

શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ, શ્રી સુપાર્શ્વનાથ જિનાલય ૧૯૨ વર્ષ પ્રાચીન તીર્થમાં બિરાજમાન વિશાળકાય શ્રી આદેશ્વર ભગવાન, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાનની નવનિર્મીત સોના, ચાંદી, ડાયમંડથી મઢેલ લખોણી આંગી જેની કિંમત અકલ્પનીય છે. તે આંગીના સકલ સંઘને દર્શન ચાતુર્માસ પ્રવેશ દિને કરાવવામાં આવશે અને આ અલૌકિક આંગી જેના દર્શન માત્રથી આપણું જીવન ધન્ય બની જશે.તેનું આ દિવસે શ્રી સંઘના શ્રાવક - શ્રાવિકાઓની હાજરીમાં અર્પણવિધિ થશે.

ચાર્તુમાસ પ્રવેશે ધર્મ આરાધના કરવા રવિવાર તા.રર સવારના ૭-૩૦ કલાકે મિત્ર મંડળ સગા સ્નેહીઓ સાથે ઉપસ્થિત રહેવા સંઘ પ્રમુખ જીતુભાઇ ચાવાળા તેમજ સમગ્ર કારોબારી સભ્યોએ આમંત્રણ પાઠવ્યુ છે.

(4:02 pm IST)