રાજકોટ
News of Thursday, 19th July 2018

રાજાશાહીના સમયથી આજ સુધી આઠ કાયદા બની ચુકયા છે, આમ છતાં વ્યાજને કારણે લોકોને જીવ ગુમાવવા પડી રહ્યા છે!

વ્યાજખોરી માનવ અધિકાર સાથે જોડાયેલો ગંભીર મુદ્દો...આયોગે કહ્યું આને અટકાવો

રાજકોટ તા. ૧૯: વ્યાજખોરીને કારણે અનેક પરિવારો બરબાદ થઇ ગયા છે તો અનેક લોકોએ વ્યાજના અજગર ભરડામાં ફસાઇ જઇને આપઘાત કરી લીધા છે. વ્યાજખોરીને ડામવા શહેરમાં તત્કાલીન પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતે ખાસ ઝુંબેશ શરૂ કરી હતી. ત્યારે હવે રાજસ્થાન રાજ્યના માનવઅધિકાર આયોગે પણ વ્યાજખોરીને માનવ અધિકાર સાથે જોડાયેલો ગંભીર મુદ્દો ગણાવી તેને અટકાવવાની ટકોર કરી છે.

રાજસ્થાનમાં વ્યાજખોરીની કારણે થઇ રહેલી આત્મહત્યાઓથી ચિંતીત રાજ્ય માનવ અધિકારી આયોગે રાજ્ય સરકારનું ધ્યાન દોરી આ સમસ્યાને રોકવા માટેનો ૧૯૬૩નો કાયદો બેઅસર હોવાનું અને આ માટે નવો કાયદો લાવવાની જરૂરિયાત હોવાની ટકોર કરી છે. તેમજ વ્યાજખોરીને ગેરકાયદેસરનો ધંધો ગણી ગંભીર અપરાધ ઘોષીત કરી સજા આપવી જરૂરી છે. 'રાજસ્થાન પત્રિકા'એ ૧૬મી જુલાઇએ 'સહારા છીન ગયા, બચે તો સિર્ફ આંસુ' એ શિર્ષક હેઠળ વ્યાજખોરીના જુદા-જુદા કિસ્સાઓને ઉજાગર કર્યા હતાં. આ સમાચારને ધ્યાને લઇ આયોગના અધ્યક્ષ પ્રકાશ ટાટીયાએ  જણાવ્યું છે કે વ્યાજખોરી એ સમાજની એક ખુબ જુની જીવલેણ સમસ્યા રહી છે, તેને રોકવા માટે રાજાશાહીના સમયથી આજ સુધી આઠ કાયદા બની ચુકયા છે. આમ છતાં વ્યાજને કારણે લોકોને જીવ ગુમાવવા પડી રહ્યા છે.

કેટલીક વખત માણસ અંગત જરૂરિયાત માટે વ્યાજે નાણા લેતો હોય છે, તો કેટલીક વિખત જાહોજલાલી ભોગવવા માટે વ્યાજના ચક્કમાં આવતો હોય છે. કેટલાક હજારના વ્યાજની સામે લાખો રૂપિયા ચુકવવા પડે છે. આયોગે આ મામલે નવા કાયદાને લાવવાની તાતી જરૂરિયાત હોવાનું જણાવી આયોગમાં પણ આવા મામલા વિચારાધીન હોવાનું જણાવાયું છે.

કાયદો હોવા છતાં ઘટનાઓ અટકતી કેમ નથી? જે કલમો હેઠળ ગુના થાય છે તે પ્રથમ દ્રષ્ટીએ જ પ્રભાવી નથી...આયોગે ઉઠાવ્યા સવાલો

. રાજસ્થાન રાજ્યના માનવઅધિકારી આયોગે સવાલો ઉઠાવ્યા છે કે વ્યાજખોરી બાબતે કાયદો હોવા છતાં શા માટે આ કારણે આત્મહત્યાઓની ઘટના રોકી શકાઇ .વ્યાજખોરીને લગતો કાયદો હોવા છતાં આ કારણે મોટા પ્રમાણમાં બનતા આત્મહત્યાના બનાવો કેમ અટકતાનથી? . આવા મામલામાં જે કલમો હેઠળ ગુના દાખલ થઇ રહ્યા છે તે પ્રાથમિક દ્રષ્ટીએ જ પ્રભાવી નથી. . શું આ મામલે કેન્દ્ર સરકારને નવો કાયદો બનાવવાની રજુઆત થઇ શકે? . વધુ વ્યાજ લેનારાઓ પર કઇ રીતે નિયંત્રણ લાવી શકાય? . ૧૯૫૭ અને ૧૯૬૩ના કાયદાઓની ઉપયોગીતા હવે સમાપ્ત થઇ ચુકી છે, તો શું હવે નવા પ્રભાવી કાયદા બનાવવાની  જરૂરિયાત છે? . શું વ્યાજખોરી સાથે જોડાયેલા ગુનાઓમાં અલગ શ્રેણી રચી મોટામાં મોટો દંડ ફટકારી શકાય? . શું સરકાર માનવ સંરક્ષણ અધિનિયમ હેઠળ આવા કિસ્સાને વિશિષ્ટ સત્રની અદાલતોને સોંપી શકે? . શું ચિટફંડ કંપની અને અન્ય નામોથી પણ આ સમસ્યાઓમાં વધારો થઇ રહ્યો છે?

રાજસ્થાન સરકારને માનવ અધિકાર આયોગે ૧૧મી સપ્ટેમ્બર સુધીમાં મત રજૂ કરવા કહ્યું

આયોગે વ્યાજખોરીને કારણે થતી આત્મહત્યાઓને સીધી જ માનવ અધિકાર સાથે જોડીને કહ્યું છે કે સરકાર આ બાબતે પોતાનો પક્ષ ૧૧ સપ્ટેમ્બર સુધીમાં આયોગ સમક્ષ રજૂ કરે તે જરૂરી છે. આ માટે આયોગે ગૃહ વિભાગના મુખ્ય સચિવને આદેશની કોપી મોકલી દીધી છે અને તેના કોઇપણ વિભાગને બદલે સરકારને તેનો મત રજૂ કરવા કહ્યું છે.

વ્યાજખોરીના તમામ ગુનાઓને ખાસ અદાલતના દાયરામાં લાવવા અનુરોધ

.આયોગે વ્યાજખોરી સાથે જોડાયેલા ગુનાઓને માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ હેઠળ સ્થાપિત ખાસ અદલાતોના દાયરામાં લાવવા અનુરોધ કર્યો છે. જેથી કરીને ખાસ કિસ્સામાં પ્રભાવી કાર્યવાહી થઇ શકે. આ કારણે વિશીષ્ટ લોક અભિયોજકની ૨૫ વર્ષથી ચાલી રહેલી કાગળ પરની ઘોષણા પણ વ્યવહારિક રૂપ લઇ શકે.

(4:02 pm IST)