રાજકોટ
News of Thursday, 19th July 2018

રૂ.૧૪ લાખ ૭૦ હજારનો ચેક પાછો ફરતા ટ્રાન્સપોર્ટ માલીક સામે ફરિયાદ

રાજકોટ તા.૧૯: હરીધવા રોડ પર, શ્રીરામ પાર્કમાં રહેતા અને પિતૃકૃપા ટ્રાન્સપોર્ટના નામે બિલ્ડીંગ મટીરીયલ્સનો ધંધો કરતા આરોપી નરેન્દ્ર અરજણભાઇ મોણપરાએ પોતાના ધંધા માટે જશ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધીરજભાઇ ગણેશભાઇ મુંગરા પાસેથી લીધેલ લોનની રકમ રૂ.૧૪,૭૦,૦૫૫/- પરત કરવા આપેલ ચેક પરત ફરતા પિતૃ કૃપા ટ્રાન્સપોર્ટના પ્રોપરાઇટર નરેન્દ્ર મોણપરા વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ચેક રીટર્નનો કેસ દાખલ કરતા આરોપીને અદાલતમાં હાજર રહેવા અદાલત દ્વારા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, બાલાજી હોલ પાસે જશ એન્ટરપ્રાઇઝના નામે ધીરધારનો ધંધો કરતા ધીરજભાઇ ગણેશભાઇ મુંગરાએ નવનીત હોલ પાસે, શ્રીરામ પાર્ક શેરી નં.૩, પિતૃકૃપા મકાનમાં રહેતા અને પિતૃકૃપા ટ્રાન્સપોર્ટના નામે બાંધકામ બિલ્ડીંગ રો-મટીરીયલ્સનો ધંધો કરતા નરેન્દ્ર અરજણભાઇ મોણપરા વિરૂધ્ધ બે મતલબની ફરીયાદ કરેલ કે આરોપીને ધંધામાં નાણાની જરૂરીયાત ઉભી થતા ફરીયાદી ફાયનાન્સ પેઢીમાંથી રકમ રૂ.૧૦,૦૦,૦૦૦/-ની સને ૨૦૧૬ના અરસામાં લોન લઇ પ્રોમીસરી નોટ લખી આપી બાદમાં નિયમિત હપ્તા ન ભરી ફરીયાદી ફાયનાન્સ પેઢીનુ રકમ રૂ.૧૪,૭૦,૦૫૫/-નુ લેણુ થઇ જતા તે લેણુ અદા કરવા આરોપીએ ફરીયાદી ફાયનાન્સ પેઢી જોગનો ચેક ઇસ્યુ કરી આપી ચેક આપતી વખતે પરત ફરશે નહી, તેવા વચન,વિશ્વાસ અને ખાત્રી આપી ઇસ્યુ કરી આપેલ ચેક રીટર્ન થતા તે સંબંધે ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા ફરીયાદી પેઢીનુ કાયદેસરનું લેણુ અદા ન કરતા ફરીયાદીએ રાજકોટની અદાલતમાં આરોપી પિતૃકૃપા ટ્રાન્સપોર્ટના પ્રોપરાઇટર નરેન્દ્રભાઇ મોણપરા વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી રજુઆત કરેલ કે, આરોપીએ ધંધાના દાવે નાણા મેળવી તે પરત ન કરી, રકમ પરત ચુકવવા આપેલ ચેક આપી, તે પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે જે રજુઆતો ધ્યાને લઇ આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી જશ એન્ટરપ્રાઇઝના માલીક ધીરજ મુંગરા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સજંય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલ હતા.

(4:01 pm IST)