રાજકોટ
News of Thursday, 19th July 2018

બિન અનામત વર્ગ માટે આવકના દાખલા કાઢવા કલેકટરોને આદેશઃ પરંતુ ''ખાટલે મોટી ખોટ'': તંત્ર મૂંઝવણમાં!!

કલેકટર-ડીડીઓ-સમાજકલ્યાણ અધિકારી-મામલતદારોને દાખલા માટે નિયુકત કર્યાઃ પણ એકપણ અધિકારી નિયમ જાણતા નથી!! : અરજીનો નમુનો આવ્યો પણ એકપણ અરજી આવી નથીઃ કલેકટરે પ્રશ્ન સમજવા-સમજાવવા આજે ખાસ મિટીંગ યોજી કોઇ અધિકારીને આના લાભાલાભ-તથા કેમ દાખલા આપવા તેની ખબર નથી આમા અપીલ કરવાની પણ જોગવાઇ પ્રમાણપત્ર આપ્યા બાદ કોઇ મુશ્કેલી ઉભી થાય તો કલેકટરના અધ્યક્ષપદે કમીટી

રાજકોટ તા.૧૯: અંદાજે ૧૦ મહિના પહેલા રાજય સરકારે એક ઠરાવથી બિન અનામત વર્ગોના શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિમગની રચના કરી હતી, અને તાજેતરમાં ૩૦-૫-૨૦૧૮ એટલે કે બે મહિના પહેલા દરેક કલેકટર-ડીડીઓને આવા દાખલા કાઢી આપવા અંગે જે નિયમો અરજીપત્રક વિગેરેની જાણ કરી આપી હતી, અને ઠરાવ પણ મોકલ્યો હતો.

આ ઠરાવમાં બિન અનામત વર્ગો એટલે કે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને કેન્દ્ર સરકાર કે રાજય સરકાર હેઠળના અન્ય પછાત વર્ગો/ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો સિવાયના વર્ગો/ વ્યકિતઓને બિન અનામત વર્ગો ગણવાના રહેશે તથા બિન અનામત વર્ગો માટેના પ્રમાણપત્રનો નમૂનો પરિશિષ્ટ-અ મુજબનો પણ મોકલ્યો હતો.

કલેકટરોને મોકલાયેલ સુચનામાં બિન અનામત વર્ગોના પ્રમાણપત્રો આપવા માટેના સક્ષમ સત્તાધિકારીઓ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના પ્રમાણપત્રો આપવા માટેના વખતો વખતના ઠરાવથી નિર્ધારિત કર્યા અનુસારના અધિકારીઓ રહેશે. જેમાં કલેકટર-મદદનીશ કલેકટર-નાયબ કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી- નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા નાયબ નિયામક (વિ.જા.) / જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા)  નો સમાવેશ થાય છે.

સામાન્ય રીતે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારીઓ, તાલુકાના વડા મથક માટે મામલતદારે તેમજ જિલ્લાના વડા મથક માટે નાયબ નિયામક (વિ.જા) / જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા) એ આવા પ્રમાણપત્રો આપવાના રહેશે પરંતુ જિલ્લામાં કોઇપણ કારણોસર  મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી પાસેથી આવા પ્રમાણપત્રો ન મળ્યા હોય તો સમગ્ર જિલ્લા માટે સંબંધિત નાયબ નિયામક (વિ.જા) / જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા) એ આવા પ્રમાણપત્રો આપવાના રહેશે.

આ જોગવાઇન લાભ મુળ ગુજરાતના વતની હોય તેવા બિન અનામત વર્ગના ઇસમોને મળવાપાત્ર રહેશે.

બિન અનામત વર્ગના પ્રમાણપત્ર આપવા માટે સક્ષમ સત્તાધિકારી ઇન્કાર કરે ત્યારે અથવા આવું પ્રમાણપત્ર ખોટું હોવાનું જણાય ત્યારે અપીલની જોગવાઇ પણ રખાઇ છે.

જેમાં મામલતદાર/ તાલુકા વિકાસ અધિકારીશ્રીએ નિર્ણય કરેલ હોય તો પ્રાંત અધિકારીશ્રી/ નાયબ કલેકટરશ્રી / મદદનીશ કલેકટરશ્રી એ નિર્ણય કર્યો હોય તો જિલ્લા કલેકટરશ્રીને અપીલ કરી શકાશે. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) એ નિર્ણય કર્યો હોય તો નાયબ નિયામકશ્રી (વિ.જા) ને અને નાયબ નિયામકશ્રી (વિ.જા) એ નિર્ણય કર્યો હોય તો અધિક કલેકટરશ્રીને અપીલ કરી શકાશે. જિલ્લા કલેકટરશ્રીએ નિર્ણય કરેલ હોય ત્યારે નિયામકશ્રી (વિ.જા) સમક્ષ અપીલ કરી શકાશે.

અને આવા પ્રમાણપત્રો અંગે સ્થાનિક કક્ષાએ કોઇ મુશ્કેલીઓ ઉભી થાય તો તેના નિવારણ માટે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને કમિટી બનાવાઇ છે.

પરંતુ વાત હવે આવે છે કે, આ બિન અનામતના દાખલા આપવા કઇ રીતે, તે અંગે સરકારે કોઇ નિયમો આપ્યા નથી, દાખલો કેમ આપવો, કોને લાભ મળી શકે, કોને નહી, પછાત કેમ ગણવા, શૈક્ષણિક અને આર્થિક પછાત કેમ ગણવા, તેનો ક્રાઇટ એરીયા, વાર્ષિક આવક કેટલી ગણીને દાખલા આપવા, દાખલા કઇ રીતે આપવા તે અંગે હાલ કોઇ જાણકારી જ નથી, દેશી ભાષામાં કહીએ તો મામલતદાર-સમાજ કલ્યાણ અધિકારી કે હાઇલેવલ કોઇ અધિકારીને આ બાબતે ''ટપ્પો'' પડતો નથી કે પડયો નથી, ''ખાટલે મોટી ખોટ'' સમાન કલેકટરતંત્ર -ડીડીઓનું તંત્ર મુંઝવણમાં છે.

આથી આ દાખલા શરૂ કરી શકાય અને કઇ રીતે આપી શકાય, તે સમજવા-સમજાવવા સંદર્ભે કલેકટરે આજે બપોરે રાજકોટના ચારેય મામલતદાર-સમાજ કલ્યાણ અધિકારીની ખાસ મિટીંગ યોજી છે, જેમાં કશુંક ફાઇનલ થશે તેમ મનાઇ છે.

અને છેલ્લેે સરકારે ૯ મહિના પહેલાં આ આખુ એકમ બનાવ્યું, બે મહિના પહેલા પરિપત્ર જાહેર કર્યો, પરંતુ હજુ એક પણ મામલતદાર કે અન્ય કોઇ અધિકારી પાસે આવો દાખલો માંગતો અરજી આવી નથી, છે ને બલીહારી!! (૧.૨૫)

 

(3:55 pm IST)