રાજકોટ
News of Thursday, 19th July 2018

૨૨ જુલાઈએ રાજકોટ ખાતે જીલ્લા કક્ષાની મેગા લોક અદાલતનું આયોજન

પ્રથમ વખતની વિજચોરીના કેસમાં ગુજરાત સરકારની એમનેસ્ટી સ્કીમનો લાભ લઈ શકાશે

રાજકોટ, તા. ૧૯ :. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા તા. ૨૨-૭-૨૦૧૮ના રોજ રાજકોટ જિલ્લાની રાજકોટ જિલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. સદર લોક-અદાલતમાં દાખલ થયેલ તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલા (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં આવનાર છે. સદર લોક-અદાલતમાં (૧) ફોજદારી સમાધાન લાયક કેસો, (૨) નેગોશીએબલ એકટની કલમ-૧૩૮ (ચેક રીટર્નસ અંગેના કેસો) હેઠળના કેસો (૩) જમીન સંપાદન એ લગતા કેસો (૮) ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો (૯) રેવન્યુ કેસીસ (૧૦) દિવાની પ્રકારના કેસો (ભાડા, સુખાધિકારના કેસો, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા) (૧૦) અન્ય સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવનાર છે.

લોક-અદાલતમાં ઈલેકટ્રીસીટી એકટ હેઠળ દાખલ થયેલ પ્રથમ વખતની વિજચોરીના કેસોમાં ગુજરાત સરકારની એમનેસ્ટી સ્કીમ મુજબ ૫૦ ટકા રકમ ભર્યેથી કેસોમાં સમાધાન થઈ શકશે તેમ યાદીમાં જણાવાયુ છે.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન શ્રી તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ કુ. ગીતા ગોપી દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ છે કે લોક-અદાલતમાં તેઓનો કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભકર્તા છે. બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઈનો વિજય નહી તેમજ કોઈનો પરાજય નહીં તેવી પરિસ્થિતિ ઉદભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા વૈમનસ્યથી મુકત થવાય છે તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. જેથી આગામી તા. ૨૨-૭-૨૦૧૮ના રોજ યોજાનાર લોક-અદાલતમાં તમામ પક્ષકારોને સક્રીય ભાગ લેવા તથા લોક-અદાલતને ખરા અર્થમાં સફળ બનાવવા અનુરોધ કરેલ છે.

(3:55 pm IST)