રાજકોટ
News of Thursday, 19th July 2018

શનિવારથી લોકમેળાના ફોર્મ વિતરણનો પ્રારંભ યાંત્રિક મોટી રાઇડની ''ફી''માં ૧૦નો વધારો ઝીંકાયો

કલેકટર તંત્ર પહેલા ના પાડતું' તુઃ હવે મોંઘવારી ઉપર ગરીબોને ડામ

રાજકોટ તા.૧૯: આગામી ૧લી સપ્ટેમ્બરથી કલેકટર તંત્ર દ્વારા રેસકોર્ષ મેદાન ખાતે યોજાનાર જગવિખ્યાત લોકમેળા અંગે તૈયારીઓ શરૂ થઇ છે.

લોકમેળામાં કુલ ૩૨૧ સ્ટોલ ભાડામાં રહેશે, ભાડુ નથી વધારાયું, બાકીના ૪૦ સ્ટોલ જુદી-જુદી સંસ્થાને ટોકન ભાવે અપાશે.

આગામી શનિવારને ૨૧ તારીખથી લોકમેળાના સ્ટોલ માટેના ફોર્મ વિતરણનો પ્રારંભ થશે, જુની કલેકટર કચેરી સીટી પ્રાંત-૧, અને શાસ્ત્રી મેદાન સામે તોરલ બિલ્ડીંગ ઇન્ડિયન બેન્ક ખાતે ફોર્મ મળશે, તા. ૩૧સુધીમાં ફોર્મ ભરવાના રહેશે.

પરંતુ આ વખતનો લોકમેળો ગરીબો માટે મોંઘવારી સમાન બની ગયો છે, મોટે ઉપાડે અને પ્રથમ મિટીંગમાં સ્ટોલના ભાડા કે યાંત્રિક સ્ટોલમાં લેવાતી ફીમાં કોઇ વધારો નહી થાય તેવી જાહેરાત કરનાર કલેકટર તંત્રે ગુપચુપ ભાડા વધારો ઝીંકી દિધો છે, યાંત્રિક ઇ-એફ-જી-એચ-જે ૪૪ જેટલી મોટી રાઇડ છે, જેમાં મોતના કુવા- મોટા ફજેત ફાળકા, હુડકો  મોટા ઝૂલા-મોટી ટ્રેન વિગેરે મોટી યાંત્રિક સ્ટોલનાં લોકો માટે પ્રવેશદાર રૂ. ૨૦ હતો તે રૂ. ૧૦ વધારી સીધો રૂ. ૩૦ કરી નાખતાં દેકારો મચી ગયો છે, સરકાર મેળાનું આયોજન કરે છે, આ ગરીબોનો મેળો છે, તેમાં ગરીબો આ રાઇડનો પાંચ દિ' આનંદ માણતાં હોય ત્યાં આ ૧૦ જેવો ભાવ વધારો મોંઘવારી ઉપર ડામ સમાન હોવાની ભારે ટીકા થઇ રહી છે, લોકોના મનોરંજનના મેળામાં સ્ટોલધારકોને ખૂલ્લેઆમ કમાવી દેવાની તંત્રની આ નીતિ સામે ભારે રોષ ફાટી નિકળ્યો છે, જેમને પોસાતુ હોય તેઓ યાંત્રિક સ્ટોલ મેળવે, બાકીનાનો આવે તેવી પણ ટીકા થઇ રહી છે, બાકી રૂ. ૧૦ વધારી રાજકોટ અને ગામડાની પ્રજાને ડામ આપવો તે કલેકટર તંત્રની વ્યાજબી નીતિ રીતિ નથી તેમ ચર્ચાય રહયું છે. (૧.૨૯)

(3:53 pm IST)