રાજકોટ
News of Thursday, 19th July 2018

ગેરકાયદે ઇ-ટીકીટ એજન્ટને ઝડપી લેતી રાજકોટ આરપીએફ

રાજકોટઃ રેલ્વે પ્રોટેકશન ફોર્સની અપરાધ શાખા દ્વારા રાજકોટ ખાતે ગેરકાયદે ઇ-ટીકીટ એજન્ટ તરીકે ધંધો કરતા શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. ઇન્સ્પેકટર સંજય માલસરીયાને મળેલી ગુપ્ત માહીતીના આધારે ૧પ૦ ફુટ રીંગ રોડ, મવડી ચોકડી નજીક રીમા ઇન્ટરનેશનલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની દુકાનમાં રેલ્વેની રિઝર્વ  ઇ-ટીકીટના કાળાબજાર  ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પરથી રોહીત મગનલાલ (ઉ.વ.૩૮) નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

પુછપરછ દરમિયાન આરોપી પાસેથી પર્સનલ યુઝર્સ આઇડીથી બુક કરવામાં આવેલી ર૩ રિઝર્વ ટીકીટ જેની કિંમત  ૧,રપ,૮૦૦ રૂ. થાય છે તે જપ્ત કરવામાં આવી હતી. ૭ર૦૦ રૂ. રોકડા અને ડીકોઇ (છટકા) ગોઠવી ગ્રાહક તરીકે ટીકીટ ખરીદવા મોકલાયેલ ૧પ૦૦ રૂ. ઉપરાંત ઇન્ટેકસ સીપીયુ-૧ અને સેમસંગ મોબાઇલ ૧ કબ્જે કરવામાં આવ્યો હતો. જપ્ત કરવામાં આવેલી ડાયરીમાં મુસાફરોના પર્સનલ આઇડીની વિગતો લખવામાં આવી હતી.

રેલ્વે એકટની કલમ ૧૪૩ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ દરોડામાં આસી. સબ ઇન્સ્પેકટર રાજવીરસિંહ અને કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ઝાલા અને રાજેશ દુધરેજીયાએ કાર્યવાહી કરી હતી. ઉપરની તસ્વીરમાં ઝડપી લેવાયેલા એજન્ટ ઇ-ટીકીટ દર્શાવતો નજરે પડે છે. (૪.૧૪)

(3:43 pm IST)