રાજકોટ
News of Thursday, 19th July 2018

સંત સમાજ RSSનું શાશ્વત નેતૃત્વ છેઃ મોહન ભાગવતજી

સંઘના વડા મોહન ભાગવતજીએ રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના દર્શન કર્યા

રાજકોટઃ સોમનાથમાં ચિંતન બેઠક પ્રસંગે ગુજરાત પધારેલ મોહન ભાગવતજી રાજકોટમાં આવતા આજે સવારે ૧૦ કલાકે ખાસ રોયલ પાર્ક બિરાજીત રાષ્ટ્રસંત પૂ. ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આશિર્વાદ માર્ગદર્શન લેવા પધારતા જૈન સમાજના અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યુ હતું. રોયલ પાર્ક સંઘ પ્રમુખ ચંદ્રકાન્તભાઈ શેઠ, સંઘપતિ નટુભાઈ શેઠ, ગોંડલ સંપ્રદાયના પ્રવિણભાઈ કોઠારી, મયુરભાઈ શાહ આદિ એ શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. મોહન ભાગવતજી એ રાષ્ટ્રસંત પૂજ્યશ્રીના આશિર્વાદ લેતા કહ્યુ હતુ કે ભારત ભૌતિકતાથી લઈને આધ્યાત્મિકતાની પરંપરાને અનુસરે છે. સત્યનો અનુરોધ કરીને સત્ય સાથે અનુસંધાન કરનાર જે સત્ય માર્ગે આગળ વધે છે તે સંત છે અને અધ્યાત્મના ક્ષેત્રમાં રહેનાર આ સંત સમાજ આરએસએસનું શાશ્વત નેતૃત્વ છે અને આરએસએસના કાર્યકર્તા સંતોની કૃપા અને ઉપદેશના આધાર પર ચાલી રહ્યા છે. રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે જણાવેલ કે સંતો અને સત્વશીલ લોકો હંમેશા સમાજ ઉત્થાનમાં અગ્રેસર હોય છે. ભાગવતજી સત્વશીલ વ્યકિત છે. સત્ય હંમેશા સત્વને ખીલવે છે. સત્યથી સર્જાયેલુ સત્વ સ્વયંમાં એક શકિત હોય છે. ત્યારબાદ ભાગવતજી અને રાષ્ટ્રસંત પૂ.શ્રીએ ૨૦ મિનીટ સુધી દેશ વિકાસની ચર્ચા કરેલ. રોયલ પાર્ક સંઘના આંગણે શ્રી ભાગવતજી પધારતા સમસ્ત ૭૫ સાધુ-સાધ્વીજીના દર્શન કરી તેમણે પ્રભાવિત થઈ કહ્યું કે આજ મૈં ધન્ય હુઆ, જૈનત્વ પ્રત્યે અહોભાવના પ્રગટ કરેલ.(૩૭.૧૬)

(3:40 pm IST)