રાજકોટ
News of Thursday, 19th July 2018

બિગ બાઝાર પાસે કુબેર મોબાઇલમાંથી ૩.૪૩ લાખની ચોરીઃ પાંચેક તસ્કર સીસીટીવીમાં કેદ

પ્રણવભાઇ ખાલપાડાની દૂકાન નિશાન બનીઃ તસકરો ૨૭ મોબાઇલ ફોન, બે પાવર બેંક, રોકડ અને ડીવીઆર પણ ચોરી ગયાઃ ગેસ કટરથી તાળા-નકુચા તોડવાનો પ્રયાસ, શટર ઉંચકીને અંદર ઘુસ્યાઃ ભેદ ઝડપથી ઉકેલાઇ જવાની આશા

જ્યાં ચોરી થઇ તે દૂકાન અને તાળા નકૂચા તોડવાનો પ્રયાસ થયો તે જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯: શહેરમાં ૧૫૦ રીંગ રોડ પર બિગ બાઝારની બાજુમાં જ આવેલા લોહાણા યુવાનની શ્રી કુબેર મોબાઇલ નામની દૂકાનના તાળા-નકુચા ગેસ કટરથી કાપવાનો પ્રયાસ થયા બાદ શટર ઉંચકાવી અંદર પ્રવેશી  તસ્કરો રૂ. ૫૦૦ રોકડા તથા ૨૭ મોબાઇલ ફોન, પાવર બેંક મળી કુલ રૂ. ૩,૪૩,૪૬૦ની મત્તા ચોરી ગયા છે. ઉપરાંત સીસીટીવીનું ડીવીઆર પણ લેતાં ગયા છે. પાંચ-છ શખ્સો અન્ય સીસીટીવી ફૂટેજમાં દેખાયા હોઇ પોલીસે તેના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળ્યા મુજબ વોકહાર્ટ હોસ્પિટલ પાછળ ઇશા બંગ્લોઝ-૫માં રહેતાં પ્રણવભાઇ અતુલભાઇ ખાલપાડા (ઉ.૨૬) નામના લોહાણા યુવાને બિગ બાઝાર પાસે આવેલી પોતાની શ્રી કુબેર મોબાઇલ નામની દૂકાનમાં ચોરી થયાની જાણ કરતાં તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં તસ્કરો ગેસ કટર જેવા સાધનથી તાળા-નકુચા કાપી અંદર પ્રવેશ્યાનું જાણવા મળ્યું હતું.

તસ્કરો દૂકાનમાંથી સેમસંગ કંપનીના પાંચ નવા ડેમો મોબાઇલ રૂ. ૯૭૫૨૮ના, સેમસંગના બોકસ પેક પાંચ મોબાઇલ રૂ. ૬૩૪૯૨ના, વીવી કંપનીના પાંચ મોબાઇલ રૂ. ૮૬૪૪૦ના, તેમજ ૭૦ હજારના ૧૦ જુના મોબાઇલ ફોન અને વીવોના બે ડેમો ફોન રૂ. ૨૪ હજારના તેમજ કાઉન્ટરમાંથી રૂ. ૫૦૦ રોકડા, બે પાવર બેંક રૂ. ૧૫૦૦ની તેમજ ડીવીઆર મળી રૂ. ૩,૪૩,૪૬૦ની મત્તા ચોરી ગયાનું દૂકાન માલિકે જણાવતાં તેની ફરિયાદ નોંધવામાં આવી છે.

પ્રણવભાઇના કહેવા મુજબ પોતે માતા રીટાબેન ચીમનલાલ સવાણીના નામની શ્રી કુબેર મોબાઇલ નામની દૂકાનમાં બેસી વેપાર કરે છે. ૧૭મીએ રાત્રે નવ વાગ્યે દૂકાન બંધ કરી ઘરે ગયેલ અને ૧૮મીએ સવારે દસેક વાગ્યે દૂકાને આવતાં શટર સ્હેજ ઉંચુ થયેલુ દેખાયું હતું. ચાવીથી ખોલીને અંદર જતાં અંદરથી વેંચાણ માટેના તેમજ કંપનીએ ડેમો માટે આપેલા મોબાઇલ ફોન કુલ ૨૭ નંગ તેમજ ડીવીઆર, પાવર બેંક, રૂ. ૫૦૦ની રોકડ ગાયબ હતાં. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં પાંચ-છ શખ્સો જોવા મળ્યા છે. આ ફૂટેજને આધારે તપાસ શરૂ થઇ છે. રીઢા તસ્કરોની ટોળકી ઉતરી પડ્યાની શંકા છે. તાલુકા પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ જી. એસ. ગઢવી, ડી. સ્ટાફના પીએસઆઇ ડામોર, હર્ષદસિંહ, નગીનભાઇ, અશોકભાઇ સહિતની ટીમ વિશેષ તપાસ કરે છે.

(3:37 pm IST)