રાજકોટ
News of Thursday, 19th July 2018

રાજકોટમાં ચોરી કરતી નેપાળી ગેંગનો સાગ્રીત ઝડપાયો

૭ મહિના પહેલા ટ્રાવેલ્સ સંચાલકના ઘરમાં થયેલી ૧પાા લાખની ચોરી સહિત પ ચોરીઓનો ભેદ ઉકેલાયો : ક્રાઇમ બ્રાન્ચને સફળતા : ભીમ ઉર્ફે રોશન નેપાળીએ રામ પાર્ક ઉપરાંત અર્ચના પાર્ક, શિવરામ પાર્ક, સરદાર નગર, અમીન માર્ગ અને બાલ મુકુન્દ પ્લોટમાં પાંચ સાગ્રીતો સાથે ચોરીઓ કરી'તીઃ અગાઉ સુરત-મોરબી-વાપીમાં આ ગેંગ પકડાઇ ચુકી છે : પાંચની શોધખોળ

રાજકોટ, તા., ૧૯: કાલાવડ રોડ ઉપર શ્રીરામ પાર્કમાં રહેતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક વણીક વેપારીના બંધ મકાનમાં ૭ માસ પહેલા થયેલી ૧પ.૭૦ લાખની ચોરીમાં સામેલ નેપાળી ગેંગનો સાગ્રીત ભીમ ઉર્ફે રોશન દિલબહાદુર ખડકબહાદુર ભારતી (ઉ.વ.ર૮, નેપાળી) ને કે.કે.વી. હોલ પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી લઇ પુછપરછ કરતા વધુ ૪ ચોરીઓનો ભેદ ઉકેલાયો છે.

મળતી વિગત મુજબ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી તથા ડીસીપી બલરામ મીના, કરણરાજ વાઘેલાની સુચનાથી વણઉકેલ લુંટ તથા ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા માટે પ્રયાસો કરવા સુચના આપતા એ.સી.પી.જયદીપસિંહ સરવૈયાાના માર્ગદર્શન ેઠસ પીઆઇ એચ.એમ.ગઢવી તથા પીએસઆઇ આર.સી. કાનમીયા, હેડ કોન્સ્ટેબલ જગમાલભાઇ, જયસુખભાઇ હુંબલ, મયુરભાઇ પટેલ, સંતોષભાઇ મોરી, કુલદીપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા, તથા સ્નેહભાઇ ભાદરકા  સહિત પેટ્રલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ જયસુખભાઇ હુંબલ તથા જગમાલભાઇ ખટાણાને મળેલી બાતમીના આધરે નેપાળના કુંતી ગામનો હાલ કાલાવડ રોડની સમતલ હોસ્પીટલ પાછળ મિનાક્ષી એપાર્ટમેન્ટમાં રહી ચોકીદારી કરતો ભીમ ઉર્ફે રોશન નીલ બહાદુર ભારતી (ઉ.વ.ર૮) ને ચોરાઉ સોનાની ૧૫ હજારની ગીની અને એક મોબાઇલ મળી રૂ. ૧૬ હજારની મતા સાથે પકડી લીધો હતો.

પોલીસે ભીમ ઉર્ફે રોશન નેેપાળીની પુછપરછ કરતા તેણે પ્રકાશ ઉર્ફે પ્રેમ, સાગર બોહરા, નેત્ર શાહી, કેશી, કુબેર સોડારી (રહે. નેપાળ)સાથે મળી ૭ મહિના પહેલા કાલાવડ રોડ ઉપર શ્રી રામ પાર્કમાં રહેતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક વણીક વેપારી ધીમંતભાઇ

જયંતીભાઇ કોઠારી (ઉ.વ.પ૯) ના મકાનમાંથી રૂ. ૧૫.૭૦ લાખની મતાની ચોરી કર્યાની કબુલાત આપી હતી. તે ઉપરાંત ૯ મહિના પહેલા યુર્નિવર્સિટી રોડ ધોળકીયા સ્કુલ પાસે અર્ચના પાર્ક શેરી નં. ૬ માં આવેલ 'ગોધીલી' નામના બંધ મકાનમાં તથા સાડા પાંચ માસ પહેલા કાલાવડ રોડ શીવરામ પાર્ક શેરી નં. ૩ માં આવેલા ક્રિસ્ટલ નામના બંધ મકાનમાં તથા પાંચેક માસ પહેલા સરદાર નગર સોસાયટી શેરી નં. ૬ માં સાકમ્બરી નામના મકાનમાં તેમજ ૬ મહિના પહેલા અમીન માર્ગ પર આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં અને પાંચ મહિના પહેલા નિર્મલા કોન્વેન્ટ રોડ પર આવેલા બાલ મુકુન્દ પ્લોટ શેરી નં. પ માં બંધ મકાનમાં  પ્રકાશ ઉર્ફે પ્રેમ, સાગર બોહરા-નેત્ર શાહી, કેશી કુબેર સોડારીએ  સોના-ચાંદીના ઘરેણા તથા રોકડ સહીતની મતાની  ચોરી કર્યાની કબુલાત આપી હતી. ક્રાઇમ બ્રાન્ચે ભીલ ઉર્ફે રોશન નેપાળીની ધરપકડ કરી અન્ય પાંચ સાગ્રીતોની શોધખોળ હાથ ધરી છે. નેપાળી ગેંગના આ ૬ સભ્યોની ટોળકી અગાઉ  સુરત-મોરબી-વાપીમાં પકડાઇ ચુકી છે. આ ટોળકી શહેરના અલગ-અલગ પોશ વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે રહી અને જુદા જુદા વિસ્તારમાં રેકી કર્યા બાદ ચોરી કરતા હતા.(૪.૧૬)

(3:37 pm IST)