રાજકોટ
News of Thursday, 19th July 2018

રાજકીય આગેવાનો સહિતનાને ધોલધપાટ ? સીન વિખાઈ ગયા

લોકોની સેવા સાથે - સાથે પોતે પણ મલાઈ તારવી લેતા હોવાની પણ ભારે ચર્ચા : તાજેતરમાં એક પૂર્વ કોર્પોરેટરના જન્મદિને મહેફીલ યોજાયેલી? ઉપસ્થિત મોટાભાગના ડમ્મર બની રસ્તા ઉપરથી નિકળતા લોકોને ઢીબી નાખતા'તા? : એક નામાંકિત વ્યકિતના સગાને મારતા વળતી ધોલાઈ ? ટોક ઓફ ધ ટાઉન

રાજકોટ, તા. ૧૯ : રાજકોટ કોંગ્રેસ વર્ષોથી જ ભાંગેલી તૂટેલી હાલતમાં છે. પક્ષમાં દરેક પોતાને આગેવાન જ ગણે છે. કોઈ કાર્યકર તો છે જ નહિં. બધા જ નેતા હોય તેવુ છે.

જયારે ખરા ટાણે ભાજપ સામે બાથ ભીડવાની હોય ત્યારે જ પાણીમાં બેસી જતા હોય છે. એ હવે રૂટીન થઈ ગયુ છે ત્યારે તાજેતરમાં બનેલ કહેવાતા એક બનાવે શહેરભરમાં ભારે ચર્ચા જગાવી છે.

ચર્ચાતી વિગતો મુજબ તાજેતરમાં એટલે કે બે એક દિવસ પહેલા કોઈ પૂર્વ કોંગી કોર્પોરેટર કે અગ્રણીનો જન્મદિવસ હતો. ટોક ઓફ ધ ટાઉન બનેલ વિગતો મુજબ તેમના જન્મદિવસની રાત્રીના તેઓની ગોંડલ રોડ વિસ્તારમાં આવેલી મનાતી ઓફીસે રાત્રીના  મહેફીલનું આયોજન થયુ હતું. જેમાં કોંગી આગેવાનો તેમજ ત્રણથી વધુ કોર્પોરેટરો મનાતા મહાનુભાવોએ (ઉપલાકાંઠાના સહિતનાએ) હાજરી આપી બર્થ-ડે સેલીબ્રેશન કરી મોજથી 'મહેફીલ' મનાવી હતી. મોડીરાત સુધી આ 'મહેફીલ' ચાલુ રહ્યાનું ચર્ચાય છે.

ત્યારબાદ જે વાતો ચર્ચાય છે તે મુજબ કેટલાક મહાનુભાવોએ 'ખેલ'  આદર્યા હતા. માર્ગ ઉપરથી જે નિકળે તેઓને લમધારવાનું શરૂ કરી દીધુ હતું. જેમાં અનેક બિચારા નંદવાઈ ગયા હોવાનું ચર્ચાય છે. દરમિયાન એક શખ્સ ત્યાંથી પસાર થતાં તું કયાંથી આવ્યો છો?, શું કરશ તેવા પ્રશ્નો કરતા અને આ શખ્સ જવાબ આપે એ પહેલા જ આ કહેવાતા આગેવાનો આ શખ્સ ઉપર તૂટી પડ્યા હતા. થોડીવારમાં જ આ શખ્સે તેના સંબંધીઓને જાણ કરતા આ શખ્સના સંબંધીઓ તેની આખેઆખી 'ફૌજ'ને લઈને ત્યાં પહોંચી ગયા હતા અને આ કહેવાતા આગેવાનોની સારી પેટે 'સર્વિસ' પણ કરી હોવાનું લોકોમાં ચર્ચા છે.

એક કોર્પોરેટર કક્ષાના મનાતા આગેવાન તો ભાગીને કારમાં બેસી ગયા હતા. તો આ લોકોએ કારમાંથી બહાર કાઢીને આ ફરી 'ધોલાઈ' કરી હોવાનું ચર્ચાય છે.

આ બનાવ સમગ્ર શહેરમાં 'ટોક ઓફ ધ ટાઉન' ટોપીક બની ગયો છે. વધુમાં લોકોમાં એવી પણ ચર્ચા છે કે આ ૭ થી ૮ કોંગી મહાનુભાવોની ટોળકી કોર્પોરેશનમાં પણ સેવા કરવાની સાથે - સાથે પોતાની પણ મલાઈ અલગ તારવી લેતા હોવાની પણ લોકોમાં ચર્ચા છે. ભાજપના લોકો આ તમાશો મૂછોમાં હંસતા હંસતા માણી રહ્યા છે...(૩૭.૧૪)

(3:36 pm IST)