રાજકોટ
News of Thursday, 19th July 2018

જૂગારના ત્રણ દરોડામાં ૧૬ ઝડપાયા-૯૯ હજારની રોકડ કબ્જેઃ દારૂના ચાર દરોડામાં પાંચ પકડાયા

નવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જેસીપી એસ. એન. ખત્રીએ ચાર્જ સંભાળ્યા પછી અગાઉની જેમ દરોડાનો દોર : ભકિતનગર પોલીસે જૂગારના બે અને આજીડેમ પોલીસે એક દરોડો પાડ્યોઃ કુવાડવા તથા બી-ડિવીઝન પોલીસના દારૂના દરોડા

આજીડેમ પોલીસે પકડેલા પત્તાપ્રેમીઓ અને કુવાડવા પોલીસે દારૂ સાથે પકડેલો શખ્સ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૯: શહેરમાં નવા પોલીસ કમિશ્નર તરીકે મનોજ અગ્રવાલે અને નવા જેસીપી તરીકે એસ. એન. ખત્રીએ ચાર્જ સંભાળી લીધો છે. તેમની સુચના અનુસાર શહેર પોલીસે દારૂ-જુગારની બદ્દીને ડામી અગાઉની જેમ જ ડામી દેવા દોડધામ શરૂ કરી દીધી છે. જૂગારના ત્રણ દરોડામાં ૧૬ શખ્સોને ઝડપી લઇ ૯૯૨૪૫ની રોકડ કબ્જે લીધી હતી. જેમાં આજીડેમ પોલીસે ખોખડદળની વાડીમાં દરોડો પાડી ૭ને, ભકિતનગર પોલીસે ઘનશ્યામનગરના કારખાનામાં અને જંગલેશ્વરમાં ઘરમાં દરોડો પાડી ૧૦ને પકડી લીધા હતાં. જ્યારે દારૂના ચાર દરોડામાં પાંચ શખ્સોને પકડી લેવાયા છે.

ખોખડદળમાં રમેશ ખુંટની વાડીમાં જૂગારનો દરોડો

આજીડેમ પોલીસે ખોખડદળ ગામની સીમમાં રમેશ ખુંટની વાડીની રૂમમાં દરોડો પાડી જીતેન્દ્ર ખોડાભાઇ ડોબરીયા (ઉ.૫૨-રહે. ખોખડદળ), હરસુખ હરદાસભાઇ વાછાણી (ઉ.૫૦-રહે. પ્રજાપતિ સોસાયટી-૧ મવડી), શૈલેષ બાવનજીભાઇ ઝાલાવડીયા (ઉ.૪૨-રહે. પ્રજાપતિ સોસાયટી-૧), રાજુ રૂપાભાઇ બારૈયા (ઉ.૩૧-રહે. લોઠડા), શૈલેષ જેરામભાઇ ગણોદીયા (ઉ.૩૪-રહે. લોઠડા), ઉમેશ બાવનજીભાઇ ઝાલાવડીયા (ઉ.૩૮-રહે. પ્રજાપતિ સોસાયટી-૧)ને પકડી લઇ ગંજીપાના તથા રૂ. ૭૩૦૦૦ રોકડા  કબ્જે કર્યા હતાં. વાડી માલિક રમેશ ખુંટ હાજર ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

પી.આઇ. પીે.એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ સિસોદીયા, હેડકોન્સ. કનકસિંહ સોલંકી, મહિપાલસિંહ ઝાલા, જયદિપસિંહ બોરાણા, શૈલેષભાઇ, પરેશભાઇ સહિતના સ્ટાફે આ દરોડો પાડ્યો હતો. 

કારખાનામાં ચકલા પોપટના ચિત્રો પર જૂગાર રમાતો'તો

 પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ પર ઘનશ્યામનગર-૮માં આવેલા ખોડિયાર બફ સેન્ટર નામના કારખાનામાં કોન્સ. દેવાભાઇ ધરજીયાની બાતમી પરથી પાડવામાં આવ્યો હતો. પોલીસે કારખાનેદાર સંજય બટુકભાઇ મકવાણા (ઉ.૩૪-રહે. રૂષિકેશ પાર્ક-૧, હુડકો ચોકી વાળી શેરી) તથા રમેશ બાબુભાઇ મકવાણા (ઉ.૩૦-રહે. નંદનવન આરએમસી કવાર્ટર બી-૭/૬૧૬, નાણાવટી ચોક), પ્રકાશ લાલજીભાઇ ઉતેડીયા (ઉ.૨૯-રહે. ઘનશ્યામનગર), રાજુ લાલજીભાઇ ઉતેડીયા (ઉ.૨૦-રહે. ઘનશ્યામનગર), વિનોદ ઉર્ફ અશોક જયંતિભાઇ મકવાણા (ઉ.૨૮-રહે. ઘનશ્યામનગર) તથા ભરત બટુકભાઇ દાણીધારીયા (ઉ.૩૫)ને ચકલા પોપટના ચિત્રો પર જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૧૫૯૨૦ તથા પક્ષીઓના ચિત્રોવાળુ ચોપાનીયુ કબ્જે લીધું હતું. સંજયએ પોતાના કારખાનામાં માણસો ભેગા કરી જૂગાર રમાડવાનું શરૂ કર્યુ હતું.

જંગલેશ્વરમાં કોળી વૃધ્ધે પોતાના ઘરમાં જૂગારધામ શરૂ કર્યુ'તું

જંગલેશ્વરમાં રહેતાં બાબુ રામજીભાઇ જંજવાડીયા (ઉ.૭૦)ના ઘરમાં જૂગાર રમાતો હોવાની બાતમી કોન્સ. ભાવેશભાઇ મકવાણાને મળતાં પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ પી.એમ. ધાખડા, ઇન્દુભા, પ્રકાશભાઇ, નિલેષભાઇ, દેવાભાઇ, સલિમભાઇ સહિતના સ્ટાફે દરોડો પાડી ઘરધણી તથા શૈલેષ વનમાળીભાઇ પલાણ (ઉ.૩૭-રહે. મેહુલનગર), શબ્બીર ગનીભાઇ સોરઠીયા (ઉ.૫૮-રહે. જંગલેશ્વર ૫૦ ફુટ રોડ) તથા સિદ્દીક ઉમરભાઇ પઠાણ (ઉ.૪૮-બહે. જંગલેશ્વર-૩)ને પકડી લઇ ગંજીપાના તથા રૂ. ૧૦૩૨૫ની રોકડ કબ્જે લીધી હતી.

કુવાડવા પોલીસે નેનોમાં દારૂની બોટલો સાથે એકને પકડયો

કુવાડવા રોડ પોલીસે નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતાં રસિક બચુભાઇ ચાવડા (ઉ.૨૩)ને તેના ઘર નજીક નેનો કાર જીજે૩ઇએલ-૩૧૩૮માં રૂ. ૧૦૫૦૦નો ૩૫ બોટલ દારૂ રાખીને નીકળતાં ઝડપી લઇ દારૂ અને કાર મળી રૂ. ૬૦૫૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે.

પી.આઇ. એ.આર. મોડીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. કે. ઝાલા, એએસઆઇ રાયધનભાઇ કે. ડાંગર, કોન્સ. દિલીપભાઇ બોરીચા, સિરાજભાઇ ચાનીયા, મનિષભાઇ ચાવડા, હિતેષભાઇ માલકીયા, હરેશભાઇ સારદીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સિરાજભાઇ, મનિષભાઇ અને દિલીપભાઇની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો. દારૂ કયાંથી લાવ્યો તે અંગે પીએસઆઇ ઝાલા વધુ તપાસ કરે છે.

બી-ડિવીઝન પોલીસે બે બોટલ સાથે સંજયને પકડ્યો

સંત કબીર રોડ પર ત્રિવેણી ગેઇટ પાસેથી રાજારામ સોસાયટી-૭ના સંજય છગનભાઇ ધરજીયા (કોળી) (ઉ.૩૦)ને એકટીવામાં બે બોટલ દારૂ સાથે નીકળતાં બી-ડિવીઝન ડી. સ્ટાફના મહેશગીરી, વિરમભાઇ, એભલભાઇ, જગેન્દ્રસ્િંહ, કેતનકુમાર સહિતે પકડી લઇ ૪૧ હજારનું વાહન અને રૂ. ૧૦૦૦ની બે બોટલ કબ્જે લીધી હતી.

થોરાળા પોલીસે એક બોટલ સાથે બેની ધરપકડ કરી

થોરાળા પોલીસ મથકના એએસઆઇ ડી. કે. ડાંગર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, નિશાંતભાઇ, મહેશભાઇ સહિતે રાજમોતી મીલ પાછળ મયુરનગર-૬ના ખુણેથી શ્રવણ અરજણભાઇ પરમાર (ઉ.૨૭-રહે. શિવાજીનગર-૨) તથા સુરેશ મગનભાઇ કોબીયા (ઉ.૨૭-રહે. મયુરનગર-૬)ને ટુવ્હીલર નં. જીજે૩ડીઆર-૬૪૯૬માં રૂ. ૩૦૦ના એક બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

યુનિવર્સિટી પોલીસે મયુરને ૪ બોટલ સાથે પકડ્યો

યુનિવર્સિટી પોલીસના પી.આઇ. ડી. વી. દવેની રાહબરીમાં પીએસઆઇ ડાંગર, હરેશભાઇ પરમાર, ધર્મરાજસિંહ સહિતના સ્ટાફે ૧૫૦ રીંગ રોડ એસઆરપી કેમ્પ પાસેથી વૈશાલીનગર-૧૦ના મયુર રવજીભાઇ ચનુરા (કોળી) (ઉ.૨૮)ને રૂ. ૧૨૦૦ના ચાર બોટલ દારૂ સાથે પકડી લીધો છે.

ધમલપરનો પ્રિતેશ રાજકોટમાં તલવાર સાથે પકડાયો

કુવાડવાના ધમલપર ગામનો પ્રિતેશ હસમુખભાઇ વેકરીયા (ઉ.૪૦) નામનો પટેલ યુવાન સામા કાંઠે સંત કબીર રોડ પર પોતાના એકટીવા જીજે૩જેએસ-૩૧૫૮માં ખુલ્લી તલવાર રાખીને નીકળતાં બી-ડિવીઝનના એએસઆઇ મહેશગીરી ગોસ્વામી, હેડકોન્સ. વિરમભાઇ ધગલ અને કોન્સ. એભલભાઇ બરાલીયાને પકડી લીધો હતો. આ શખ્સ રાજકોટમાં પણ રહેણાંક ધરાવે છે. અગાઉ દારૂના ગુનામાં પાસામાં પણ જઇ આવ્યાનું પોલીસે કહ્યું હતું. 

(11:57 am IST)