રાજકોટ
News of Thursday, 19th July 2018

રાજકોટથી ઉના-કોડીનાર-વેરાવળ તરફ આજ સવારથી એસટી બસો રવાનાઃ હવે સાફ-સફાઈ અભિયાન

ઉના, કોડીનાર, વેરાવળના હજુ ૧૫૦થી વધુ ગામડાઓમાં બસ વ્યવહાર ઠપ્પઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ડેપો, બસ સ્ટેશન, વર્કશોપ, બસોની સાફસફાઈ કરવા, દવા છંટકાવના આદેશો

રાજકોટ, તા. ૧૯ :. રાજકોટથી ઉના-કોડીનાર-વેરાવળ તરફ આજે વહેલી સવારથી એસ.ટી. બસો રવાના કરાયાનું અને રાબેતા મુજબ ઉપડયાનું ડિવીઝનલ નિયામક શ્રી દિનેશ જેઠવાએ 'અકિલા'ને જણાવ્યુ હતુ, તેમણે ઉમેર્યુ હતુ કે, ઉના-ભાવનગર, ઉના-વેરાવળ, ઉના-અમરેલી રસ્તો પાણી ભરાવાને કારણે બંધ હતો તે પાણી ઓસરતા ચાલુ કરી દેવાયો છે. ગઈકાલે રાજકોટની આ તરફ જતી ૪૦ થી ૫૦ ટ્રીપો બંધ કરાઈ હતી તે પુનઃ ચાલુ કરાઈ છે.

દરમિયાન ઉપરોકત ત્રણેય વિસ્તારના ૧૫૦થી વધુ ગામડાઓમાં પાણી, રસ્તા, પૂલના ધોવાણને કારણે બસ વ્યવહાર ઠપ્પ હોવાનું સૂત્રોએ ઉમેર્યુ હતું. રાજકોટથી બસો જાય છે, પણ અંદર ગ્રામ્ય વિસ્તારમાં નથી મોકલાતી, હાઈવે ઉપર બસો ઉભી રાખી મુસાફરોને પહોંચાડી દેવાય છે.

દરમિયાન એસ.ટી. નિગમે વરસાદ થંભી ગયો હોય રાજકોટનું મુખ્ય બસ સ્ટેશન કે જેના મેદાનમાં ગારો-કાદવ-કીચડ જામ્યા છે તે બસ સ્ટેશન સહિત તમામ ડેપો, વર્કશોપ, એસટી બસ સ્ટેશનો અને બસની આજથી રાઉન્ડ ધ કલોક સાફ સફાઈ કરવા આદેશો કર્યા છે. દવા છંટકાવ કરવા પણ સૂચના આપી છે.(૨-૫)

(11:08 am IST)