રાજકોટ
News of Saturday, 19th June 2021

રાજકોટમાં અનિલકુમાર રાણાવાસિયાનો ૩૮ માસનો કાર્યકાળ યાદગારઃ નવા ડી.ડી.ઓ. દેવ ચૌધરી

રાજકીય 'પરિવર્તન' અને કોરોનાકાળમાં ડી.ડી.ઓ.ની કામગીરી નોંધપાત્ર

રાજકોટ, તા. ૧૯ :. સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે છેલ્લા ૩ વર્ષ અને ૨ાા માસથી ફરજ બજાવી રહેલા આઈ.એ.એસ. કેડરના યુવા અધિકારી શ્રી અનિલકુમાર રાણાવાસિયાની અમદાવાદ ખાતે નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. રાજકોટમાં ડી.ડી.ઓ. તરીકે ૩ વર્ષથી વધુ સમય પૂર્ણ કરનારા તેઓ ચોથા અધિકારી છે. શ્રી અનિલકુમાર રાણાવાસિયાએ રાજકોટમાં કાર્યકાળમાં કોંગ્રેસ-ભાજપ બન્ને શાસક પક્ષ સાથે કામ કર્યુ છે. જિલ્લા પંચાયતની વહીવટી ગતિ જાળવી રાખવામાં તેઓ સફળ રહ્યા છે. ૩ પ્રમુખ અને ૪ કારોબારી અધ્યક્ષ સાથે કામ કરવાનો તેમને અનુભવ થયો છે. કોરોના કાળમાં આરોગ્ય ક્ષેત્રે તેમની કામગીરી નોંધપાત્ર રહી છે.

રાજકોટના નવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી ૨૦૧૬ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી અને મૂળ રાજસ્થાનના વતની છે. તેઓ હાલ ગાંધીનગર ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય)ના ખાસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. સોમ અથવા મંગળવારે ચાર્જ સંભાળે તેવી શકયતા છે.

(4:48 pm IST)