રાજકોટ
News of Saturday, 19th June 2021

ચેક રિટર્નના કેસમાં પિતૃકૃપા બોરવેલના માલીકનો નિર્દોષ છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ૧૯: રાજકોટ શહેરમાં વી. કે. એન્ટરપ્રાઇઝના નામથી બોરવેલના સ્પેરપાર્ટસનો ધંધો કરતા ફરીયાદી જીતેન્દ્ર જેઠાભાઇ વોરા પાસે આરોપીએ લીધેલ રકમ રૂ. ર,પપ,૦૦૦/- ના માલ અન્વયે આપેલ રૂ. ૧,૬૦,૦૦૦/-નો ચેક રીટર્ન થતા પિતૃકૃપા બોરવેલના માલીક પરેશ જમનભાઇ વેકરીયા વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં કરેલ કેસ ચાલી જતા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ રાજકોટના એડી. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટે ફરમાવેલ છે.

આ કેસની હકિકત જોઇએ તો રાજકોટ શહેરમાં ગોંડલ રોડ ચોકડી સર્કલ પાસે વી. કે. એન્ટરપ્રાઇઝના બોરવેલ ગાડીના સાધનો થતા સ્પેરપાર્ટસ વેચવાનો ધંધો કરતા ફરીયાદી જીતેન્દ્ર જેઠાભાઇ વોરાએ તેના મિત્ર અને કંડોણા તાલુકા દડવી ગામના નિવાસી પિતૃકૃપા બોરવેલના માલીક પરેશ જમનભાઇ વેકરીયા વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં એ મતલબ ફરીયાદ દાખલ કરેલ કે આરોપીએ ફરીયાદી પાસેથી રૂ. ર,પપ,૦૦૦/-નો માલ ખરીદી તે પેટે રૂ. ૯પ,૦૦૦/- ચુકવી બાકીની રકમ રૂ. ૧,૬૦,૦૦૦/- ચુકવવા ફરીયાદ વાળો ચેક આપતા તે રીટર્ન થતા વેપારી વ્યવહાર સંબંધે ફરીયાદએ આરોપી વિરૂધ્ધ ચેક રીટર્નનો કેસ કરેલ હતો.

કોર્ટે બંને પક્ષની દલીલો રેકર્ડ પર હકિકતો તથા પુરાવો ધ્યાને લેતા ફરિયાદ વ્યવહાર થયાના ત્રણ વર્ષ બાદનું ટાઇમ બાર્ડ ડેબ્ટ હોવાનો જણાઇ આવે છે ફરીયાદીના કથન મુજબ આરોપીએ માલ ખરીદી રૂ. ૯પ,૦૦૦/- જમા કરાવેલનો પુરાવો રેકર્ડ ઉપર આવેલ નથી એસટીમેટ ચિઠીઓમાં પિતૃકૃપા બોરવેલ પરેશભાઇ (ઇન્દોર) હાલના આરોપી પરેશભાઇ હોવાનું પુરવાર થતું નથી મોકસ બ્રાન્ડ ફરીયાદીની હોવાનું રેકર્ડ પર આવતું નથી ફરીયાદી પોતાનું કાયદેસરનું લેણું હોવાનું આધારભુત પુરાવાથી પુરવાર કરી શકેલ નથી ફરીયાદીના પુરાવાના આરોપી તરફથી ખંડન કરવામાં સફળ રહેલ છે. વિવાદીત ચેક કાયદેસરના લેણા પેટે આપવામાં આવેલનું શંકાથી પર ફરીયાદી પુરવાર કરી શકેલ નથી તેમ માની પિતૃકૃપા બોરવેલના માલીક દડવી ગામ નિવાસી પરેશભાઇ વેકરીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં આરોપી પરેશભાઇ વેકરીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.

(4:44 pm IST)