રાજકોટ
News of Saturday, 19th June 2021

કાગદડીના મહંતના આપઘાત કેસમાં ડોકટર બાદ વકીલની પણ આગોતરા અરજીઃ ડોકટર વિરૂદ્ધ પોલીસનું સોગંદનામુ

વકીલની આગોતરા અરજીમાં મુદત રિપોર્ટ આવતા તેમની અરજીની સુનાવણી મુલત્વી રહી

રાજકોટ, તા. ૧૯ :. કાગદડીના ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસ ગુરૂપ્રેમદાસના ચકચારી આપઘાત કેસમાં સંડોવાયેલ ડોકટર અને વકીલ બન્ને દ્વારા રાજકોટની સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી છે.

આજે સેસન્સ કોર્ટમાં ડોકટરની આગોતરા અરજીની બપોર બાદ સુનાવણી રાખવામાં આવેલ છે. જ્યારે વકીલની આગોતરા અરજીના સંદર્ભમાં તેઓ વિરૂદ્ધ સોગંદનામુ કરવાનું બાકી હોય સરકારી વકીલશ્રી એસ.કે. વોરા મારફત પોલીસે મુદત રિપોર્ટ મુકતા વકીલની આગોતરા અરજીની સુનાવણીની તારીખ હવે પછી મુકરર થશે.

ડોકટર વિરૂદ્ધ પી.આઈ. એન.એન. ચુડાસમાએ રજુ કરેલ એફીડેવીટમાં જણાવેલ છે. ડોકટર વિરૂદ્ધ પ્રથમ દર્શનીય સ્ટ્રોંગ કેસ છે. તેઓ દ્વારા મહંતનું મૃત્યુ હાર્ટએટેકથી થયાનો રિપોર્ટ આપવામાં આવેલ છે. મહંતની લાશને પીએમ માટે લઈ જવાનું કહીને મહંતની લાશને એમ્બ્યુલન્સમાં પોતાની હોસ્પીટલે લઈ ગયેલ પરંતુ એમ્બ્યુલન્સમાંથી મહંતની લાશને તેની હોસ્પીટલમાં લઈ જવાના બદલે એમ્બ્યુલન્સ તેની હોસ્પીટલની બહાર ૧૦થી ૧૫ મીનીટ ઉભી રાખી બાદમાં મહંતની લાશનું પીએમ કરાવ્યા વગર ફરી આશ્રમ ખાતે મહંતની લાશને લઈ ગયેલ. જ્યાં બાદ તેને અગ્નિદાહ આપવામાં આવેલ હતો.

આ કામે સરકારી વકીલ શ્રી એસ.કે. વોરાએ જણાવ્યુ હતું કે, મહંતનું હાર્ટએટેકના કારણે મૃત્યુ થયાનો રિપોર્ટ હાલના અરજદાર ડોકટરે જ કાઢી આપેલ છે. સીસીટીવી ફુટેજના પુરાવામાં પણ ડોકટરની હોસ્પીટલ બહાર એમ્બ્યુલન્સ ઉભી રાખવામાં આવી છે પરંતુ તેમાથી લાશને બહાર કાઢીને પીએમ માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવી હોય તેવુ જણાયુ નથી.

ડોકટર વિરૂદ્ધ પોલીસે એફીડેવીટ રજૂ કરીને આગોતરા જામીન રદ કરવા માટે પ્રથમદર્શનીય કેસ હોય અરજી રદ કરવા જણાવાયુ છે.

દરમ્યાન વકીલ દ્વારા પણ આગોતરા જામીન અરજી કરવામાં આવી હોય તે અરજીમાં પોલીસે એફીડેવીટ રજૂ કરવા મુદ્દત માંગતા વકીલની આગોતરા અરજીની સુનાવણી હવે પછી થશે તેમ જાણવા મળે છે. જ્યારે ડોકટરની અરજીની સુનાવણી બપોર બાદ થનાર છે. આ કામમાં વકીલ વતી એડવોકેટ અનિલભાઈ દેસાઈ વિગેરે રોકાયા છે. જ્યારે ડોકટર વતી એડવોકેટ હરેશભાઈ પરસોંડા, રૂષિરાજ ચૌહાણ, વિવેક સાતા, પિયુષ ઝાલા વિગેરે રોકાયા છે. જ્યારે સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા રોકાયા છે.

(3:41 pm IST)