રાજકોટ
News of Thursday, 19th May 2022

યાર્ડમાં ચણાની ખરીદી કરતી પેઢી એક કરોડનું ફુલેકુ ફેરવી છૂ

સાંઇ ટ્રેડર્સના નામે પેઢી ધરાવતા દિલીપ કચ્‍છી ચણાની ખરીદી કર્યા બાદ ૭૦ થી ૭પ કમિશન એજન્‍ટોને નાણા આપ્‍યા વગર ગાયબ થઇ ગયોઃ સવારથી ફોન બંધ આવતા કમિશન એજન્‍ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણી સહીતના વેપારીઓએ પોલીસ કમિશ્નરને રજુઆત કરી : વેપારીઓએ યાર્ડની આરડીસી બેંકમાં આ પેઢીના ખાતામાં ૩૩ લાખની રકમ હોય ખાતુ સીઝ કરવા રજુઆત કરતા પોલીસ દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા., ૧૯: સૌરાષ્‍ટ્ર અગ્રીમ હરોળના રાજકોટ (બેડી) યાર્ડમાં ચણાની ખરીદી કરતી એક પેઢી  કાચી પડયાની  અને એક કરોડનું ફુલેકુ ફેરવાતા યાર્ડના વેપારીઓમાં દોડધામ મચી ગઇ છે. આ અંગે યાર્ડના વેપારીઓઓ પલીસ કમિશ્નર સમક્ષ  લેખીત રજુઆત કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ બેડી યાર્ડમાં સાંઇ ટ્રેડર્સના નામથી પેઢી ધરાવતા દિલીપ સમસુદીન કચ્‍છી નામના વેપારી દ્વારા જંગી જથ્‍થામાં ચણાની ખરીદી કરાયા બાદ કમિશન એજન્‍ટોને નિયત સમય મર્યાદામાં નાણાનું ચુકવણું ન થતા વેપારીઓમાં ભાગદોડ મચી ગઇ છે. આ અંગે કમિશન એજન્‍ટ એસો.ના પ્રમુખ અતુલ કમાણીને વેપારીઓએ જાણ કરતા વેપારીઓ એકત્રીત થયા હતા અને આ અંગે કમિશન એજન્‍ટ એસોસીએશનના પ્રમુખ  અતુલ કમાણીની આગેવાની હેઠળ વેપારીઓએ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદને મળી લેખીત રજુઆત કરી હતી.     

રજુઆતમાં જણાવ્‍યા મુજબ સાંઇ ટ્રેડર્સ પેઢીના દિલીપ કચ્‍છી દ્વારા રાજકોટ યાર્ડમાંથી ચણાની ખરીદી કરી કમિશન એજન્‍ટોને નાણા આપ્‍યા વગર પલાયન થઇ ગયેલ છે. આ પેઢી દ્વારા છેલ્લા ૭ દિવસથી ચણાની ખરીદી કરવામાં આવતી હતી. હાલમાં તેનો મોબાઇલ નંબર બંધ આવે છે. આ પેઢીનું ખાતુ બેડી યાર્ડમાં આરડીસીબેંકની શાખામાં હોય અને ત્‍યાં તપાસ કરતા ખાતામાં ૩૩ લાખની રકમ હોય આ ખાતુ સીઝ કરવા રજુઆત કરી હતી.

પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદે આ રજુઆત અન્‍વયે કુવાડવા પોલીસને કાર્યવાહી કરવાની સુચના આપતા તમામ વેપારીઓ કુવાડવા પોલીસ સ્‍ટેશને દોડી ગયા હતા અને ેંકનું ખાતુ સીઝ કરવા કાર્યવાહી કરી હતી.

કમિશન એજન્‍ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્‍યું હતું કે, જે તે પેઢી દ્વારા કમિશન એજન્‍ટને વચ્‍ચે રાખી ખેડુતો પાસેથી વિવિધ જણસીઓની ખરીદી કરાઇ છે અને જે તે પેઢી દ્વારા ૪ દિવસ બાદ ખરીદી કરાયેલ જણસીનું કમિશન એજન્‍ટને પેમેન્‍ટ અપાય છે અને આ પેમેન્‍ટ કમિશન એજન્‍ટ ખેડુતોને ચુકવે છે. સાંઇ ટ્રેડર્સ પેઢીના સંચાલક દિલીપ કચ્‍છી દ્વારા છેલ્લા ૭ દિવસથી ચણાની ખરીદીનું પેમેન્‍ટ કરાયું નથી. યાર્ડના ૭૦ તી ૭પ કમિશન એજન્‍ટને રપ,૦૦૦ થી ૩.પ૦ લાખ સુધીની રકમનું પેમેન્‍ટ મળ્‍યું નથી.અંદાજે એકાદ કરોડનું પેમેન્‍ટ આ પેઢી દ્વારા ચુકવાયું નથી. ભોગ બનેલા વેપારીઓ દ્વારા આઅંગે  પોલીસને લેખીત રજુઆત કરાઇ છે. 

(3:44 pm IST)