રાજકોટ
News of Thursday, 19th May 2022

પેડક રોડ પર અઢી માસથી સ્‍પાના ઓઠા હેઠળ થતો હતો લોહીનો વેપલો

એલસીબી ઝોન-૧ ટીમના સામતભાઇ ગઢવીની બાતમી પરથી પીએસઆઇ વી. કે. ઝાલા અને ટીમનો દરોડોઃ ક્રિષ્‍ના નેપાલી પકડાયોઃ સન્‍ની ભોજાણીની શોધખોળ

રાજકોટ તા. ૧૯: શહેરના સામા કાંઠે પેડક રોડ પર ગાયત્રી કોમ્‍પલેક્ષમાં બીજા માળે આવેલા હોલી ડ્રોપ સ્‍પામાં વેશ્‍યાવૃતિ ચાલતી હોવાની બાતમી પરથી એલસીબી ઝોન-૧ ટીમે દરોડો પાડી રૈયા રોડ વૈશાલીનગર-૫માં રહેતાં ક્રિષ્‍ના દિલીપભાઇ દરજી (નેપાળી) (ઉ.૨૪) નામના સ્‍પામાં નોકરી કરતાં શખ્‍સને પકડી લીધો હતો. સંચાલક તરીકે સન્‍ની ભોજાણીનું નામ ખુલ્‍યું હોઇ તે હાજર ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે. છેલ્લા અઢી મહિનાથી સ્‍પાની આડમાં દેહવિક્રયના ધંધા થતાં હોવાનું બહાર આવ્‍યું હતું.

સન્‍નીનો ભાઇ પણ અગાઉ કિસાનપરા નજીક આ રીતે સ્‍પામાં દેહવિક્રય કરાવતાં પકડાયો હતો. પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્‍સ. સામતભાઇ ગઢવી, ધર્મરાજસિંહ જાડેજા, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ જાડેજા, જીતેન્‍દ્રસિંહ ઝાલા, જાનકીબેન જોલીયા, બી-ડિવીઝનનના કોન્‍સ. મયુરીબેન પરમાર સહિતની ટીમે આ દરોડો પાડયો હતો. પકડાયેલા ક્રિષ્‍નાના કહેવા મુજબ બે અઢી મહિનાથી આ સ્‍પામાં આવી પ્રવૃતિ ચાલતી હતી. સંચાલક પકડાયા બાદ સાચી વિગતો બહાર આવશે.

(2:57 pm IST)