રાજકોટ
News of Thursday, 19th May 2022

જંકશન સ્‍ટેશન પાસે કોડીનારના કોમ્‍પ્‍યુટર નિષ્‍ણાંત મનિષ વાઢેર પર હુમલો કરી રોકડ-થેલા-ફોનની લૂંટ

મેટોડા રહી કામ કરતો આહિર યુવાન વતન જવા રાતે રાજકોટ આવી હોસ્‍પિટલ ચોકથી રૂા.૨૦ના ભાડાથી બેઠો'તોઃ ખિસ્‍સામાં ૨૦૦ની નોટનું બંડલ જોઇ રિક્ષાચાલક અને પાછળ બેઠેલા શખ્‍સની દાનત બગડતાં પાઇપ-છરીથી ઘાયલ કરી લૂંટ ચલાવીઃ શકમંદોની પુછતાછ

રાજકોટ તા. ૧૯: શહેરના જંકશન રેલ્‍વે સ્‍ટેશન નજીક રાત્રીના મુળ કોડીનારના હાલ મેટોડા રહી કોમ્‍પ્‍યુટરનું કામ કરતાં આહિર યુવાન મનિષ નાથાભાઇ વાઢેર (ઉ.વ.૨૫) ઉપર રિક્ષાચાલક અને તેની સાથેના શખ્‍સે હુમલો કરી માથામાં પાઇપ ફટકારી તેમજ મોઢા પર છરીથી ઇજા કરી રોકડ, કપડા-ડોક્‍યુમેન્‍ટ્‍સનો થેલો અને સાદો મોબાઇલ ફોન લૂંટી લેતાં ઘાયલ મનિષ સારવાર માટે દાખલ થતાં પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઘટનામાં ભોગ બનેલા મનિષ વાઢેરે જણાવ્‍યું હતું કે હું મુળ કોડીનારનો વતની છું અને ત્‍યાં વિરાટનગર સોસાયટી શેરી નં. ૧માં રહુ છું. મેં ડિપ્‍લોમા કોમ્‍પ્‍યુટર સાયન્‍સનો અભ્‍યાસ કર્યો છે. હાલમાં હું મેટોડા જીઆઇડીસીમાં ભાડાની ઓરડીમાં રહી કોમ્‍પ્‍યુટર રિપેરીંગ, વાઇફાઇ રિપેરીંગ સહિતનું કામ કરુ છું. હાલમાં બહુ કામ ન હોઇ જેથી વતન જવાનું નક્કી કરી હું બુધવારે સાંજે મેટોડાથી રાજકોટ આવ્‍યો હતો. અહિના હોસ્‍પિટલ ચોક નજીકથી જંકશન સ્‍ટેશન જવા માટે રિક્ષા ભાડે કરી હતી. રિક્ષા ચાલકે રૂા. ૨૦ ભાડુ કહેતાં હું તેમાં બેસી ગયો હતો. જેમાં અગાઉથી બીજો એક શખ્‍સ પણ પાછળ બેઠો હતો.

જંકશન સ્‍ટેશનમાં જ્‍યાં રેલ્‍વે એન્‍જિન રાખ્‍યું છે ત્‍યાં પહોંચ્‍યા બાદ હું રિક્ષામાંથી ઉતર્યો હતો અને ખિસ્‍સામાંથી પૈસા કાઢી રૂા. ૨૦ ભાડુ ચુકવવા નોટ કાઢતાં બીજી ૨૦૦-૨૦૦ના દરની નોટો પણ સાથે હોઇ ચાલકની દાનત બગડી હતી અને ભાડુ રૂા. ૨૦ નહિ પણ ૨૦૦ દેવું પડશે તેમ કહી ઝઘડો ચાલુ કર્યો હતો. મેં તેને ૨૦ રૂપિયા જ નક્કી થયા છે, આટલા અંતરમાં ૨૦૦ ન હોય તેમ કહેતાં રિક્ષામાં પાછળ બેઠેલા શખ્‍સે ઓચીંતો મારા માથામાં પાઇપનો ઘા કરી લીધો હતો અને છરી કાઢી મોઢા પર ઉંધા ઘા મારતાં નાક, દાઢી પર ઇજા થઇ હતી.

મેં દેકારો મચાવતાં રિક્ષાચાલક અને તેની સાથેનો શખ્‍સ મારા ખિસ્‍સામાંથી રૂા. ૮૩૦૦ની રોકડ સાથેનું પાકીટ અને મારો થેલો તથા નોકીયાનો સાદો ફોન લૂંટી લઇ ભાગી ગયા હતાં. થેલામાં ચાર જોડી કપડા, બે ટ્રેક શુટ અને મારા અભ્‍યાસના ડોક્‍યુમેન્‍ટસ, ચાર્જર સહિતની ચીજવસ્‍તુઓ હતી. કોઇએ મને સિવિલ હોસ્‍પિટલે ખસેડયો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકી મારફત થતાં પ્ર.નગર પીએસઆઇ કે. સી. રાણા સહિતે ત્‍યાં પહોંચી મનિષની ફરિયાદ પરથી રિક્ષા ચાલક અને સાથેના શખ્‍સ વિરૂધ્‍ધ આઇપીસી ૩૯૪, ૩૨૪, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ હુમલો કરી લૂંટ ચલાવવાનો ગુનો નોંધ્‍યો હતો. મનિષના કહેવા મુજબ પોલીસ રાતે જ કેટલાક શકમંદોને ઉઠાવી લાવી હતી અને મને બતાવ્‍યા હતાં. પરંતુ મને લૂંટી લેનારા આમાંથી કોઇ નહોતાં. પોલીસે તપાસ યથાવત રાખી છે.

(11:24 am IST)