રાજકોટ
News of Thursday, 19th May 2022

મૈત્રી કરારથી સાથે રહેતી સાઇમા છોડીને જતી રહેતાં શાપરના મહેશે એસિડ પીધું

ઇન્‍સ્‍ટાગ્રામથી ઓળખ થયા પછી ૧ાા વર્ષથી બંને ભેગા હતાં: ઘરમાંથી રોકડ રકમ અને મોબાઇલ ફોન પણ ઘરમાંથી લેતી ગયાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૯: શાપર વેરાવળમાં આદર્શ સોસાયટીમાં રહેતાં કોળી યુવાન મહેશ ભીમાભાઇ પરમાર (ઉ.૨૯)એ રાતે ત્રણેક વાગ્‍યે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.

મહેશે જણાવ્‍યું હતું કે હું કારખાનામાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવું છું. આજથી પાંચેક વર્ષ પહેલા સોશિયલ મિડીયા પ્‍લેટફોર્મ ઇન્‍સ્‍ટાગ્રામ મારફત મારો પરીચય મુળ વલસાડથી સાઇમા જાવેદભાઇ મન્‍સુરી સાથે થયો હતો. એ પછી અમારી વચ્‍ચે મિત્રતા અને પ્રેમ થતાં દોઢેક વર્ષ પહેલા અમે બંનેએ મૈત્રીકરાર કર્યા હતાં અને સાથે રહેવા માંડયા હતાં. ગયા શનિવારે સાઇમા ઘરમાંથી રોકડા ત્રીસ હજાર અને મારો મોબાઇલ ફોન લઇને જતી રહી હતી.

મેં કોન્‍ટેક્‍ટ કરતાં તેણીએ પોતે આગલા ઘરના પુત્રને મળીને પાછી આવે છે અને અમદાવાદ છે તેવી વાત કરી હતી. પરંતુ તે પાછી ન આવતાં હું તેને શોધવા અમદાવાદ ગયો હતો. ગઇકાલે આખો દિવસ તેની ત્‍યાં શોધખોળ કરી હતી. પરંતુ પત્તો ન મળતાં રાતે રાજકોટ પરત આવ્‍યો હતો અને નિરાશ થઇ એસિડ પી લીધું હતું. પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી. મહેશે પોતાની સાઇમા સાથેની તસ્‍વીર મોકલી હતી.

(11:20 am IST)