રાજકોટ
News of Wednesday, 19th May 2021

જનરલ બોર્ડમાં ભાજપ-કોંગ્રેસે પાણી અને કોરોનાની કાગારોળ કરી : ઉકેલ શું ?

પાણી વિતરણનાં આયોજન માટે શાસકોએ પોતાની વાહ.. વાહ.. કરી : વિપક્ષી કોર્પોરેટરોની આક્ષેપ બાજીઃ બંને પક્ષે તૂ... તૂ.. મેં... મેં...અને બોર્ડ બેઠક પુરી પણ સમસ્યાઓના ઉકેલ માટે કોઇ ચર્ચા નહીં !!

પ્રશ્નોતરી વાળા પ્રથમ જનરલ બોર્ડમાં પણ માત્ર ૧ પ્રશ્નની જ ચર્ચા : મ.ન.પા.ની વર્તમાન બોડીનું આજે પ્રથમ એવુ જનરલ બોર્ડ હતું કે જેમાં કોર્પોરેટરો પ્રશ્નો પુછી શકે પરંતુ આવા આ પ્રથમ બોર્ડમાં પણ માત્ર ૧ પ્રશ્નની જ ચર્ચા થઇ ત્યાં પ્રશ્નોતરી કાળ પુર્ણ થઇ ગયેલ. તસ્વીરમાં જનરલ બોર્ડના અધ્યક્ષ મેયર પ્રદીપ ડવ, ડે.મેયર ડો.દર્શીતા શાહ, મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ  સેક્રેટરી શ્રી રૂપારેલીયા તેમજ મેયરશ્રીના પી.એ. કનૈયાલાલ હિંડોચા વગેરે મંચ ઉપર નજરે પડે છે. અન્ય તસ્વીરમાં વિપક્ષી નેતા વશરામ સાગઠીયા પાણી અને કોરોના પ્રશ્ને આક્ષેપબાજીઓ કરી રહેલા દર્શાય છે. તેમજ કોંગી કોર્પોરેટર ભાનુબેન સોરાણી, ભાજપના કંચનબેન સિધ્ધપુરા, કીર્તીબા રાણા, આરોગ્ય સમીતીનાં ચેરપર્સન ડો. રાજેશ્વરીબેન ડોડીયા, નરેન્દ્ર ડવ તેમજ નીચેની તસ્વીરમાં શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ રાણા, નીતીન રામાણી, કોંગ્રેસના મકબુલ દાઉદાણી, સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય મનીષ રાડીયા, નેહલ શુકલ, શાસક નેતા વિનુભાઇ ધવા તથા પુર્વ ધારાસભ્ય અને વોર્ડ નં. ૧નાં કોર્પોરેટર ભાનુબેન બાબરીયા વગેરેએ પ્રશ્નોતરીની ચર્ચામાં ભાગ લીધો હતો તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા.,૧૯: આજે સવારે મ.ન.પા.નું જનરલ બોર્ડ સેન્ટ્રલ ઝોન કચેરીનાં સ્વ.રમેશભાઇ છાયા સભાગૃહમાં યોજાયું હતું. વર્તમાન બોડીનું આ પ્રથમ એવું બોર્ડ હતુ કે જેમાં કોર્પોરેટરો માટે પ્રશ્નોતરી કાળ રાખવામાં આવેલ. પરંતુ આ બોર્ડ પણ હંમેશની જેમ માત્ર પ્રથમ પ્રશ્નની ચર્ચા જ થઇ હતી અને શાસક પક્ષ ભાજપે પોતાની વાહવાહી કરી હતી તો સામા પક્ષે વિપક્ષનાં કોર્પોરેટરોએ શાસકો સામે આક્ષેપબાજીઓ કરી હતી. તેથી બોર્ડમાં રજુ થયેલ. ૩૩ પ્રશ્નોમાંથી એક માત્ર પ્રથમ પ્રશ્ન કે જે ભાજપના કંચનબેન સિધ્ધપુરાએ પાણી વિતરણ સંદર્ભે પુછયો હતો. તેની જ ચર્ચા થઇ શકી કેમ કે આ પ્રશ્નમાં જ પ્રશ્નોતરીની ૧ કલાકની સમય મર્યાદા પુર્ણ થઇ ગઇ અને કોઇ પણ ઉકેલ વગર શાસક અને વિપક્ષી સભ્યોની તુ...તું.. મેં...મેં..વચ્ચે ગણતરીની સેંકડોમાં એજન્ડાની તેમજ અર્જન્ટ બિઝનેસ સહીતની ૯ દરખાસ્તો મંજુર કરી જનરલ બોર્ડ પુર્ણ કરી દેવાયું હતું.

આજે સવારે મળેલ મ.ન.પા.ના જનરલ બોર્ડમાં પ્રથમ ભાજપના કોર્પોરેટરના પાણી પ્રશ્નોની ચર્ચા દરમ્યાન શાસક પક્ષના નરેન્દ્ર ડવ, નેહલ શુકલ તથા ભાનુબેન બાબરીયા સહીતના કોર્પોરેટરોએ આજી ફિલ્ટર પ્લાન્ટનું કામ કયારે પુરૂ થશે. નવા મળેલા વિસ્તારોમાં  તંત્ર દ્વારા પાણી વિતરણની શું વ્યવસ્થા તથા આગામી પાંચ વર્ષ દરમ્યાન શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થાનું આયોજન શું છે? સહીતના સવાલો કર્યા હતા.

આ પ્રશ્નની ચર્ચા દરમ્યાન ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોએ સામસામી રાજકીય આક્ષેપબાજી કરી હતી.

રાજકોટ : મહાનરગપાલિકાની આજે સવારે ૧૧ વાગ્યે મળેલ દ્વિમાસીક સામાન્ય સભામાં ભાજપના ૬૬ તથા કોંગ્રેસના ૪ નગરસેવકો સહિત કુલ ૭૦ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ તા. ૧૯ :.  આજે સવારે ૧૧ વાગ્યે મળેલ જનરલ બોર્ડમાં પૂર્વ ડે.મેયર, પૂર્વ કોર્પોરેટરોનાં દુઃખદ અવસાન સબબ શોક ઠરાવ કરી શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી.

જેમાં પૂર્વ ડે.મેયર હરગોવિંદભાઇ માવજીભાઇ વ્યાસ (તા. ૧૬-૪-ર૦ર૧), પૂર્વ કોર્પોરેટર સતુભા વેલુભા જાડેજા (તા. ૧૮-૪-ર૦ર૧), પૂર્વ કોર્પોરેટર કરશનભાઇ મોહનભાઇ વાઘેલા (તા. ર૧-૪-ર૦ર૧) નું અવસાન થતા સમગ્ર સભાએ બે મીનીટ મૌન રાખી શ્રધ્ધાંજલી પાઠવી હતી

(4:02 pm IST)