ખમૈયા કરો વ્યસનીઓ, ખમૈયા કરો... રાજકોટમાં પાન, તમાકુ ખરીદવા દુકાનો ખુલે તે પહેલા જ ' રસિયાઓ' ઉમટી પડતા સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા ઉડ્યા
સરકારે ગઇકાલે આપેલી છુટછાટ બાદ આજે વહેલી સવારથી જ દુકાનો ખુલે તે પહેલા જ પાન, બીડી, તમાકુ ના રસિયાઓ ખરીદી કરવા માટે રૈયા નાકા ટાવર વિસ્તારમાં ઉમટી પડ્યા હતા. જે દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સ ના લીરા ઉડ્યા હતા. સરકારે ઘડેલા નિયમોનો ખુલ્લે આમ ભંગ જોવા મળ્યો હતો. જાણકારોનું કહેવુ છે કે સરકારે આ પ્રકારની ભીડ માટે મંજુરી નથી આપી. કોરોનાને હરાવવા પ્રજા સરકારને સાથ આપે તે જરૂરી છે. ટોળુ ભેગુ ન થવા દયો, નહિતર અદ્રશ્ય દુશ્મનને ત્રાટકતા વાર નહિ લાગે . પ્રજાએ સંયમ રાખવાની જરૂર છે. અમૂક દુકાનોએ તો સવારના પહોરમાં લાઇનો પણ જોવા મળી હતી. સરકારની છુટછાટનો દૂરૂપયોગ ન થાય તે જોવાની ફરજ તંત્રની પણ છે. તસ્વીરમાં કયાંય પણ પોલીસની વ્યવસ્થા દેખાતી નથી. સવારનો આ દ્રશ્ય છે તો જેમ દિવસ ચડસે તેમ કેટલી ભીડ એકઠી થશે તે કલ્પના જ કરવાની રહી .(તસ્વીરઃ અશોક બગથરીયા)