રાજકોટ
News of Monday, 19th April 2021

રાજકોટની ડેડીકેટેડ કોવીડ હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે વધતી સુવિધાઓ:રાજકોટની પીડિયુ સિવિલની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની ૩,૦૦૦ લિટરની વધુ એક ટેંક શરૂ કરાઈ

વધારાની સુવિધાથી ૨૪ કલાકમાં ઓક્સિજનના ૧૦૦ અથવા વેન્ટિલેટરના ૩૦ દર્દીને ઓક્સિજન મળશે:આગામી ૧૦ દિવસમાં ૨૦ હજાર લિટરની ક્ષમતાની ઓક્સિજનની ટેંક રાજકોટમાં બનાવવાનુ રાજ્ય સરકારનું આયોજન : કુલ ૬૨ હજાર લીટર ઓક્સિજનની ક્ષમતા ઊભી થશે

રાજકોટ : કોરોનાના વધતા જતા દર્દીઓને બચાવવા માટે તાત્કાલિક ઉભી થયેલી જરૂરિયાતોને પહોંચી વળવા રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે. રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં વધારે દર્દીઓને સારવાર તેમજ દાખલ થયેલા દર્દીઓની વધતી જતી ઓક્સિજનની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ૩૦૦૦ લિટર ક્ષમતાની વધુ એક ઓક્સિજનની ટેંક શરૂ કરી દેવામાં આવી છે

 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લામાં કોરાના દર્દીઓની સારવાર માટે વધતી જતી મેડિકલ સુવિધાઓ જરૂરિયાતોને પહોંચી વળવા માટે જિલ્લા તંત્રને તાત્કાલિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. જેના ભાગરૂપે એક ત્રણ હજાર લિટર ઓક્સિજનની ટેંક શરૂ થઈ ગઈ છે.

 રાજકોટની પીડીયુ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય વ્યવસ્થાઓના નોડલ ડો. જે.કે નથવાણીએ કોવિડના દર્દીઓની સંભવિત આગામી જરૂરિયાતો, આગોતરા આયોજનના ભાગરૂપે રાજકોટમાં સિવિલ ખાતે  મોટી ૨૦,૦૦૦ લિટરની ઓક્સિજનની ટેન્કની રાજ્ય સરકારે મંજૂરી આપી છે તેમ જણાવ્યું હતુ.

  અત્યારે જે ૩૦૦૦ લિટર ક્ષમતાની ઓક્સિજનની ટેન્ક શરૂ કરવામાં આવી છે તેનાથી વધુ ૧૦૦ દર્દીઓને ૨૪ કલાક ઓક્સિજન આપી શકાય અથવા વેન્ટિલેટર પરના ૩૦ દર્દીઓને ઓક્સિજન આપી શકાય તેવી વધારાની સુવિધાઓ ઊભી થઈ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટીતંત્ર અને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અગાઉ આયોજનના ભાગરૂપે ઊભી કરાયેલી ઓક્સિજનની વ્યવસ્થામાંથી હાલ કોરોનાના દર્દી વધતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો દૈનિક વપરાશ ૨૮ થી ૨૯ હજાર લિટરનો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અગાઉની વ્યવસ્થા પ્રમાણે ૩૯ હજાર લિટરની ઓક્સિજનની કેપીસીટી હતી. ૩,૦૦૦ લીટરની નવી ટેન્ક્થી ૪૨ હજાર લીટરની  કેપેસિટી અત્યારે થઈ છે, અને હવે ઊભી થનાર ૨૦,૦૦૦ લિટરની કેપીસીટિને લીધે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૬૨ હજાર લિટર ઓક્સિજનની ક્ષમતા ઉભી થશે.

(7:09 pm IST)