રાજકોટ
News of Monday, 19th April 2021

નામ બડે ઓર દર્શન છોટે...ચોકીદારનું મોત, જાણીતી કલબના સંચાલકના પુત્રએ સેવામાં રસ ન દાખવ્યો

આ તો અમારી બિલ્ડીંગના ચોકીદાર હતાં...તેમ કહી આધારકાર્ડ આપી નીકળી ગયા! : કોરોના મહામારીમાં સોૈ કોઇ અજાણ્યાઓની પણ મદદ કરી રહ્યા છે ત્યારે અહિ માનવતા પણ વિસરી જવાયાની ભારે ચર્ચા

રાજકોટ તા. ૧૯: કોરોનાના કહેર વચ્ચે મુશિબતમાં મુકાયેલા લોકો એક બીજાને ઓળખતા ન હોવા છતાં કોઇને કોઇ પ્રકારે મદદ કરી રહ્યા છે. બીજી તરફ એક એવી ઘટના સામે આવી છે જેણે માનવતાને શર્મશાર કરી દીધી છે. એકાદ દસકાથી જાગનાથપ્લોટ વિસ્તારના એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતાં એક વૃધ્ધ કે ગત સાંજે એસ્ટ્રોન ચોક પાસેના લેન્ડમાર્ક બિલ્ડીંગ પાસે બેભાન થઇ ગયા બાદ તેમનું મોત નિપજતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ કરી હતી. આ વૃધ્ધ પાસેથી મળેલા આધારકાર્ડ પરથી તેમનું નામ અશોકભાઇ ગોૈરીશંકર (ઉ.વ.૬૫) હોવાનું ખુલ્યું હતું. પોલીસે તપાસ કરતાં આ વૃધ્ધ જાગનાથ પ્લોટ વિસ્તારના જ એક એપાર્ટમેન્ટમાં દસ વર્ષથી ચોકીદારી કરતાં હોવાનું ખુલતાં પોલીસે રહેવાસીને જાણ કરી હતી. પરંતુ ખુબ મોટી નામના ધરાવતાં શહેરની કલબના સંચાલકના પુત્ર એવા આ રહેવાસીએ ખરા સમયે માનવતાને નેવે મુકી દીધી હોવાની ભારે ચર્ચા છે.

નામ બડે ઓૈર દર્શન છોટે...જેવું અહિ થયાનું લોકો કહે છે. પોલીસે વૃધ્ધની ઓળખ માટે જેમને બોલાવ્યા એ મહાશયે વૃધ્ધનું આધારકાર્ડ પોલીસને આપી દીધુ હતું અને હા આ તો અમારા એપાર્ટમેન્ટના ચોકીદાર જ છે તેવી વાત કરી હતી. પરંતુ બીજી શબવાહીનીઓ અને એમ્બયુલન્સ કોરોનાના દર્દીઓના કામમાં રોકાયેલી હોઇ આ મહાશયે વાહનની વ્યવસ્થા કરવાની માનવતા પણ દાખવી ન હોવાનું જાણકારો કહે છે. પોલીસે વિનંતી કરી હતી કે તમારી પાસે સુવિધા છે તો ડેડબોડી પહોંચાડવામાં મદદ કરો. પણ તેમણે અમારી પાસે ડ્રાઇવર નથી...એવી વાત કરી દીધી હતી. ખુબ મોટુ નામ ધરાવતી કલબના સંચાલકના પુત્રના આવા વર્તનની નજરે જોનારાઓએ ભારે ટીકા કરી હતી. વાહનની વ્યવસ્થા ન થતાં ત્રણેક કલાક સુધી મૃતદેહ જ્યાં મોત થયું ત્યાં જ રઝળ્યો હતો.

(4:24 pm IST)