રાજકોટ
News of Monday, 19th April 2021

સાથી હાથ બઢાના...એડીબલ ઓઇલ મર્ચન્ટ એશો. ર૦ ઓકસીજનના બાટલાનું વિતરણ કરશે

દરેક એસો. અને સમાજ જવાબદારી ઉપાડી લ્યે તો મહામારીમાં કોરોનાગ્રસ્ત લોકોને રાહત થશેઃ પ્લાઝમા ગ્રુપના સહયોગથી કાલથી વિનામુલ્યે વિતરણ શરૂ થશે : આગામી દિવસોમાં ઓકસીજનના બાટલાની સાથે ઓકસીજનનીકિટનું પણ વિતરણ કરાશે

રાજકોટ તા. ૧૯: કોરોના મહામારીમાં અસરગ્રસ્ત લોકોને હોસ્પીટલમાં બેડ મળી નથી રહ્યા ત્યારે અમુક અસરગ્રસ્ત લોકો હોમ કવોરોન્ટાઇલ થઇને સારવાર લઇ રહ્યા છે. પરંતુ ઓકસીજનના બાટલા કે ઓકસીજનની કિટ મળતી ન હોય અનેક કોરોનાગ્રસ્ત લોકો યાતના ભોગવી રહ્યા છે. હોમકવોરોન્ટાઇલ કોરોના દર્દીઓને વિનામૂલ્યે ઓકસીજનના બાટલા મળી રહે તે માટે રાજકોટના દાણાપીઠમાં કાર્યરત એડીબલ ઓઇલ મર્ચન્ટ એશો. એ બીડું ઝડપ્યું છે. આ એશો.ના હોદેદારોએ પ્લાઝમા ગ્રુપના સહયોગથી આવતીકાલથી વિનામુલ્યે દૈનિક ર૦ ઓકસીજનના બાટલાનું વિતરણ કરવાનું નકકી કર્યું છે.

રાજકોટ એડીબલ ઓઇલ મર્ચન્ટ એશો.ના કિરીટભાઇ શાહ, સંજયભાઇ કોટેચા, ભાવેશભાઇ પોપટ તથા દિપકભાઇ મદયાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ પ્લાઝમા ગ્રુપના મનોજ રાણપરા, નંદનભાઇ પોબારૂ તથા પુનીતભાઇ કોટકના સહયોગથી આવતીકાલની દરરોજ જરૂરીયાતમંદ કોરોનાગ્રસ્ત દર્દીઓને દૈનિક ર૦ ઓકસીજનના બાટલાનું વિતરણ કરાશે આ માટે એશો.ના હોદેદારો વ્યવસ્થા ગોઠવી રહ્યા છે એટલું જ નહિં વધુ વ્યવસ્થા થશે તો વધારે ઓકસીજનના બાટલાનું વિતરણ કરાશે. તેમજ આગામી દિવસોમાં ઓકસીજનના બાટલા સાથે ઓકસીજનનું કિટ પણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાઇ રહી છે.

રાજકોટ એડીબલ ઓઇલ મર્ચન્ટ એસો.ના હદેદારોએ જણાવ્યું હતું કે, કોરોનાના મહામારીમાં રાજય સરકાર જરૂરી વ્યવસ્થા ગોઠવી રહી છે પણ આ મહામારીમાં દરેક વેપારી એશો. અને સમાજના સંગઠ્ઠનો પણ જવાબદારી ઉપાડે તો આ મહામારીમાં અસરગ્રસ્ત લોકોને રાહત મળે. એડીબલ ઓઇલ મર્ચન્ટ એશો. ઓકસીજનના બાટલાના વિતરણની વ્યવસ્થા અંગે વોટસએપ નંબર આવતીકાલે જાહેર કરશે.

(4:11 pm IST)