રાજકોટ
News of Monday, 19th April 2021

કોરોના સામે જંગઃ જિલ્લા પંચાયતના સભ્‍યોને ૩.૬૦ કરોડની ગ્રાન્‍ટ ફાળવણી

દરેક સભ્‍ય પોતાના મતક્ષેત્રમાં આરોગ્‍યના હેતુથી ૧૦ લાખ સુધીના કામ સૂચવી શકશેઃ અગાઉના પ૬ લાખ સહિત કુલ ૪.૧૬ કરોડ ફાળવાયાઃ પ્રમુખ ભૂપત બોદરનું ઐતિહાસિક પગલુ

રાજકોટ તા. ૧૮ :.. જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવતા આરોગ્‍યલક્ષી સુવિધા અને સેવા માટે જિલ્લા પંચાયતના ૩૬ સભ્‍યોને રાબેતા મુજબની ગ્રાન્‍ટ ઉપરાંત સ્‍વભંડોળમાંથી રૂા. ૧૦-૧૦ લાખ સહિત ૩૬ સભ્‍યોના ૩.૬૦ કરોડ ફાળવવાનો ઐતિહાસીક નિર્ણય જાહેર કર્યો છે. દરેક સભ્‍ય રૂા. ૧૦ લાખની મર્યાદામાં પોતાના મતક્ષેત્રમાં આરોગ્‍ય વિષયક સેવા કે સુવિધા માટે આ રકમ ફાળવી શકશે. ત્‍વરિત અમલ કરવા વહીવટી તંત્રને જણાવાયું છે.

અગાઉ ગત સામાન્‍ય સભામાં સભ્‍ય દિઠ રૂા. એક-એક લાખ અને પ્રમુખ તથા ડી.ડી.ઓ. ની ગ્રાન્‍ટમાંથી રૂપિયા દસ-દસ લાખ રૂપિયા આરોગ્‍ય શાખાના હવાલે કરવાનું ઠરાવાયુ હતું બન્ને નિણર્યોથી આરોગ્‍ય ક્ષેત્રે કુલ રૂા. ૪.૧૬ કરોડની ફાળવણી થઇ છે.  કોરોના સામે ગ્રામીણ ક્ષેત્ર સુધી જરૂરી સહાય પહોંચાડવા માટે પ્રમુખ ભૂપત બોદરે વહીવટી તંત્ર સાથે સંકલન રાખીને અભિયાન ઉપાડયું છે. જિલ્લા પંચાયતની આ પહેલને જિલ્લાના આગેવાનો ડો. ભરત બોઘરા, જયેશ રાદડિયા, કુંવરજીભાઇ બાવળીયા, મોહનભાઇ કુંડારીયા, રમેશ ધડુક, ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઇ સાગઠીયા, મનસુખ ખાચરીયા, મનસુખ રામાણી, નાગદાન ચાવડા, મનીષ ચાંગેલા વગેરેએ આવકારેલ છે.

(3:40 pm IST)