રાજકોટ
News of Monday, 19th April 2021

કુંભમેળાના ૧૪૭ મુસાફરોનું રેલ્વે સ્ટેશને ટેસ્ટીંગઃ ૧૩ પોઝીટીવ

૯ રાજકોટના અને ૪ અન્ય શહેરના દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળઃ નાયબ આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પ ટીમો દ્વારા ચેકીંગ

રાજકોટ તા. ૧૯: હરિદ્વાર કુંભ મેળામાંથી રાજકોટ આવેલ કુલ ૧૪૭ મુસાફરોનું રેલ્વે સ્ટેશન ખાતે મનપા દ્વારા એન્ટીજન ટેસ્ટીંગ અને હેલ્થ ચેકઅપ કરવામાં આવતા ૯ રાજકોટના અને ૪ અન્ય શહેરના સહિત કુલ ૧૩ મુસાફરો પોઝિટીવ નોંધાયા હતા. આ તમામ દર્દીને હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે હરિદ્વાર કુંભ મેળામાંથી રાજકોટ આવતા મુસાફરોના સ્વાસ્થ્યની કાળજી લેતી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ જંકશન ખાતે ઉતરતા મુસાફરોનું એન્ટીજન ટેસ્ટીંગ અને હેલ્થ ચેકઅપ આયોજન કરવામાં આવ્યું હતું. મુસાફરોના સ્ક્રનિંગ અને એન્ટીજન ટેસ્ટ રાજકોટ મહાનગરપાલિકા તરફથી કરી આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત આજે સવારે ૦૮:૧પ કલાકે દહેરાદુન-ઓખા (ઉતરાંચલ એક્ષપ્રેસ) ટ્રેન રાજકોટ જંકશન ખાતે આગમન થયું હતું અને જેમાંથી ૧૪૭ મુસાફરો રાજકોટ જંકશહન ખાતે ઉતર્યા હતા અને મનપાની આરોગ્ય શાખાની પાંચ ટીમ દ્વારા તમામ મુસાફરોનું એન્ટીજન ટેસ્ટીંગ અને હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ જેમાંથી ૧૩ મુસાફરોને કોરોના પોઝિટિવ નોંધાયો હતો જે પૈકી ૯ મુસાફરો રાજકોટ શહેરના અને ૪ મુસાફરો અન્ય શહેરના છે અને તેમને હોમ આઇસોલેશન સારવાર હેઠળ રાખવામાં આવેલ છે.

રાજકોટ જંકશન ખાતે આવેલ ટ્રેનમાંથી ઉતરતા મુસાફરોનું ટેસ્ટીંગ અને હેલ્થ ચેકઅપ મ.ન.પા.નાં નાયબ આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પ ટીમો દ્વારા કરવામાં આવ્યું હતું.

જે મુસાફરો કોરોના પોઝિટિવ આવેલ છે તેમણે હોમ આઇસોલેશન સારવાર હેઠળ રાખવામાં આવેલ છે અને મનપા દ્વારા તેમને સારવાર હેઠળ રાખવામાં આવેલ છે.

(3:31 pm IST)