રાજકોટ
News of Monday, 19th April 2021

ભારે ગરમી અને મહામારી વચ્ચે મુસ્લિમો રમઝાનમયઃ આકરી તપસ્યા

ગત ૧૪મી બુધવારથી શરૂ થયેલા રોઝાઃ વર્તારા મુજબ આ વખતે પણ ૩૦ રોઝા થશેઃ નમાઝ સહિત ચાલતી બંદગી : હાલમાં સવારે પ.૦૧ ના રોઝો શરૂ થઇ સાંજે ૭.૧૪ ના પૂર્ણ થાય છે

તાજેતરમાં છ દિ' પહેલાં જ મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ તા. ૧૪-૪-ર૧ ના બુધવારથી શરૂ થયો છે. જે પ્રારંભના પૂર્વે ૯ દિ' પહેલાં તા. પ-૪-ર૦ર૧ ના 'અકિલા' દૈનિકમાં પ્રસિધ્ધ થયેલ અહેવાલ સંપૂર્ણ સત્ય ઠરેલ છે. જેની પ્રાપ્તીકૃતિ અહીં રજૂ છે. જેમાં દર્શાવ્યા મુજબ હાલમાં તાપમાન પણ ૪૦ ડીગ્રી આસપાસ રહેતા પ્રારંભના રોઝા સરળ રહ્યા છે.  જે ઉલ્લેખ પણ સત્ય ઠરેલ છે.

રાજકોટ તા. ૧૯ :.. ગત બુધવારથી શરૂ થયેલા ઇસ્લામ ધર્મના પવિત્ર રમઝાન માસના રોઝા હાલમાં ગરમીના કહેર અને મહામારી વચ્ચે આવી જવા છતાં પણ મુસ્લિમ સમાજ 'રમઝાનમય' બની ગયો છે.

આજે ૬ દિ' થયા તાપમાનમાં વધઘટ થઇ રહી છે જો કે શરૂઆતથી જ ૪૦ ડીગ્રી  આસપાસ તાપમાન રહ્યું છે અને આગામી દિવસોમાં આ તાપમાન ઉંચુ જવાની પ્રબળ શકયતાઓ છે.

બીજી તરફ છેલ્લા ૧પ દિ' થયા કોરાનોનો કહેર સર્વત્ર છવાયેલો છે. ગત વર્ષ પણ રમઝાન સમયે સમગ્ર દેશમાં લોકડાઉન હતું અને આ વખતે પણ રમઝાન માસમાં ગરમી અને મહામારી છવાઇ જતા સહન ન થઇ શકે તેવી પરિસ્થિતિ રોઝા રાખનારાઓની બની જાય તેટલી કઠીન તપસ્યા ચાલી રહી છે.

ખુદાઇ આદેશને અનુસરતા મુસ્લિમ ભાઇ-બહેનો, નાના-મોટા સૌ કોઇ કઠીન અને વિપરીત સ્થિતિમાં પણ રમઝાનમય બની ગયા છે અને આ વખતે રોઝાના ગાળામાં ૧પ મિનીટ ઘટી હોઇ પોણા પંદર કલાકના રોઝા રાખવા ઉપરાંત દિ'માં પાંચ વખત નમાઝા પઢવી અને રાત્રીના વધારાની સળંગ તરાવીહની નમાઝ પઢવી અને પુણ્ય - દાનના કાર્ય કરી રહ્યા છે.

હાલમાં કઠીન તપસ્યા ચાલી રહી છે. પોણા પંદર કલાક સુધી રોઝાનો ગાળો ચાલનાર છે જે રોઝાના સમયપત્રક મુજબ રોઝો પ-૦૧ પરોઢીયે શરૂ થશે અને દરરોજ એક મિનીટ ઘટાડો થતા  થતા છેલ્લો ૪.૪પ ના વાગ્યે વ્હેલી સવારથી રોઝો શરૂ થઇ જશે.

જયારે સાંજે ૭.૧૪, ત્રણ દિ' ૭.૧પ, ત્રણ દિ' ૭.૧૬, ત્રણ દિ' ૭.૧૭, બે દિ' ૭.૧૮, બે દિ' ૭.૧૯, બે દિ' ૭.ર૦, બે દિ' ૭.ર૧, ત્રણ દિ' ૭.રર, ત્રણ દિ' ૭.ર૩, બે દિ', ૭.ર૪ ના રોઝો ક્રમવાર પૂર્ણ થશે.

એ સમય મુજબ આ વખતે પ્રારંભમાં ૧૪ કલાકનો રોઝો શરૂ થઇ અંતમાં પોણા પંદર કલાકનો રોઝો થશે આમ જેમ જેમ રોઝા આગળ વધે તેમ તેમ તાપમાન પણ વધી રહ્યું હોય ગયા વખતે લોકડાઉનમાં ૩૦ રોઝા, પસાર થયા એમ આ વખતે ગરમીના પ્રકોપ અને મહામારીના પ્રકોપ વચ્ચે પણ સંભવતઃ ૩૦ રોઝા પસાર થનારા હોઇ મુસ્લિમ સમાજ કઠીન તપસ્યા પસાર કરી રહ્યો છે.

રમઝાન દર વખતે ઇસ્લામિક કલેન્ડરના સમાન દિવસે જ આવે છે, જો કે ગ્રેગોરીયન કેલેન્ડરની તારીખ દર વર્ષે બદલાય છે, કેમ કે ગ્રેગોરીયન કેલેન્ડર સૌર કેલેન્ડર છે અને ઇસ્લામિક કેલેન્ડર ચંદ્ર કેલેન્ડર છે. આ તફાવતને લીધે રમઝાન દર વર્ષે ગ્રેગોરિયન કેલેન્ડર કરતાં લગભગ ૧૧ દિવસ આગળ ચાલે છે.

બીજી તરફ કાળઝાળ ગરમી વચ્ચે પણ પ્રારંભથી જ સાંજ પડતા જ રોઝા ખોલવાના સમયે મુસ્લિમ વિસ્તારમાં ચહલ-પહલ રહે છે અને નાના-નાના બાળકો તથા ગૃહિણીઓ પણ આ રોઝા રાખી રહ્યા છે. મોડી રાતના પણ ચહલ-પહલ યથાવત રહે છે. સમી સાંજે રોઝા ખોલતી વેળા અને પરોઢિયે ૪.૩૦ વાગ્યે રોઝા શરૂ કરતી વેળા મસ્જિદો 'સાઇરન' થી ગૂંજી ઉઠે છે.

જો કે હાલમાં સૌરાષ્ટ્રના મુખ્ય શહેરોમાં રાત્રીના ૮ વાગ્યા થી કર્ફયુ લાગેલ હોવાથી ત્યાં રાજકોટ સહિતના અનેક શહેરો સૂમસામ થઇ જાય છે પરંતુ જયાં કર્ફયુ નથી તેવા વિસ્તારો રાત્રીના ચાલુ રહેતા હોય મુસ્લિમ વિસ્તારોમાં ખાણી-પીણીનો ધમધમાટ પ્રવર્તી રહ્યો છે.

બીજી તરફ પ્રથમ રોઝાથી જ તાપમાન નીચું રહયું હોઇ રોઝામાં સરળતા વર્તાઇ રહી છે પરંતુ હવે પછી તાપમાન ધીરેધીરે ઉંચુ થવાનો સંભવ હોઇ રોઝામાં તાપનો આભાસ થવાની શકયતા રહેલી છે.

બીજી તરફ ગયા વખતે લોકડાઉનમાં ૩૦ રોઝા થયા હતા તેમ આ વખતે મહામારી વચ્ચે પણ ૩૦ રોઝા પુરા થવાનો નિર્દેશ છે ગત ૧૩ મીએ મંગળવારે સાંજ ચંદ્રદર્શન થયા બાદ ૧૪ મી બુધવારથી રમઝાન માસ  શરૂ થયો છે જે જોતા ૧૪મી મે ને શુક્રવારના દિવસે જ આ વખતે ઇદ ઉજવણી નિશ્ચીત બનશે. (૨૨.૨૫)

પીર કમાલ મસ્જિદમાં મહિલાઓ માટે બંદગીઘર અભ્યાસ કે નોકરી કરતી મહિલાઓ માટે અનુકુળતા

અમદાવાદ, તા. ૧૯ : શહેરના લો ગાર્ડન વિસ્તારમાં નગરી હોસ્પિટલ નજીક આવેલ હઝરત પીર કમાલ મસ્જિદ પાસે મહિલાઓ માટે ઇબાદતખાનાની અલાયદી વ્યવસ્થા કરવામાં આવતા આસપાસના વિસ્તારમાં નોકરી કે અભ્યાસ કરતી મુસ્લિમ યુવતીઓ અને મહિલાઓ માટે નમાઝ સહિતી ઇબાદત કરવામાં હવે ખુબ જ અનુકુળતા રહેશે. શહેરના લો ગાર્ડન, આશ્રમ રોડ, સી.જી. રોડ સહિત આસપાસના વિસ્તારની કોલેજોમાં અને ઓફિસોમાં કે ધંધોના સ્થળે નોકરી કરતી મુસ્લિમ મહિલાઓને નમાઝ સહિતની ઇબાદતોમાં ખાસ કરીને પવિત્ર રમઝાન માસમાં ઇબાદત કરવામાં ખુબ જ અગવડ પડતી હતી. આ સ્થિતિને ધ્યાને રાખી પીર કમાલ મસ્જિદના ટ્રસ્ટીઓએ મસ્જિદની બાજુમાં મહિલાઓ માટે ટોયલેટ, વુઝુખાનાની સગવડ સાથે ઇબાદતખાનુ તૈયાર કર્યુ છે.

મકકા અને મદીનામાં તરાવીહની નમાઝનો  સમય ઘટાડાયો

સાઉદી અરબના રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝે આદેશ આપ્યો હતો કે, શાહી મસ્જિદ મકકાહ અને પવિત્ર મંદીના મસ્જિદમાં તરાવીહની નમાઝને ટંુકમાં પતાવવામાં આવે. એટલે કે તેના સમયમાં ઘટાડો કરવામાં આવે મસ્જિદ અલ-હરમ અને મસ્જિદ અલ-નબવી મંદીના શરીફમાં આ નિયમ લાગુ પડશે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પવિત્ર રમઝાન મહિનામાં ઇશાની નમાઝ બાદ તરાવીહ પઢાવાય છે. તેમાં તરાવીહ અને કયામને કમ્બાઇન કરવા કહેવાયુ છે અને ૩૦ મીનીટનો સમય નકકી કરાયો છે. આ સમયમાં ઝડપથી નમાઝ પતાવી દેવા કહેવાયું છે. જેના લીધે નમાઝ જલ્દી પતી જાય અને લોકો સુરક્ષિત પાછા ફરી શકે વધારે સમય સુધી લોકોની ભીડ એકઠી ન રહે.

મક્કા મસ્જિદે તરાવીહ ઇફતારની મંજુરી

તેલંગાણા રાજય લઘુમતી કલ્યાણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોરોનાના નિયમોનું પાલન કરતા તમામ મસ્જિદોમાં ઇફતાર અને તરાવીહનું આયોજન કરી શકાશે, કેમ કે, રાજય સરકાર તરફથી આ મામલે કોઇ નિયંત્રણો નથી કોરોનાના કેસોમાં વધારો થયો છે. પણ તંત્ર તરફથી સતાવાર રીતે ઇફતારી કે તરાવીહ અંગે કોઇ પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા નથી હૈદરાબાદની બે જાણીતી મસ્જિદો મક્કા મસ્જિદ અને શાહી મસ્જિદ લઘુમતી કલ્યાણ વિભાગના હેઠળ આવે છે.

આ ઐતિહાસીક મસ્જિદની મુલાકાતે તમામ લોકો આવતા હોવાથી પુરૂષો માટે ૩પ અન ેમહિલાઓ માટે ર૪ બાથરૂમ બનાવવામાં આવ્યા છે. મહિલાઓ માટે અલગથી વુઝુખાનાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. મક્કા મસ્જિદના સુપ્રિન્ટેન્ડેન્ટ અબ્દુલ કાદીરે રાજય સરકારે વિનંતી કરી હતી કે ૧૦૦૦ કિ.ગ્રામ ખજુર અને ૧૦૦ ડઝન કેળા પુરા પાડવામાં આવે. શાહી મસ્જિદ તરફથી પ૦૦ કિ.ગ્રા. ખજૂરની માંગ કરવામાં આવી છે.

આંધ્ર પ્રદેશમાં પ્રતિબંધો  વચ્ચે રમઝાન

વિજયવાડાઃ આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસના કેસોમાં ફરીથી વધારો નોંધાતા આ વખતે પણ ફરી એકવાર રમઝાનની નમાઝોને સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો વચ્ચે અદા કરવામાં આવશે.

કેટલાક નમાઝીઓએ જણાવ્યું હતું. કે, ગયા વર્ષે લોકડાઉનના કારણે અમે નમાઝ અને તરાવીહથી વંચિત રહ્યા હતા પણ આ વર્ષે રાહત છે .(પ-૩)

હજુ દસેક વર્ષ સુધી રોઝા ગરમીમાં જ પસાર થશે

અમદાવાદ, તા. ૧૯ : અહમદાબાદની શાહી જામા મસ્જિદના ઇમામ મુફતી શબ્બીર એહમદ સિદ્દીકીએ મુસ્લિમ સમાજને અપીલ કરી છે કે સરકારે રાત્રીના ૮ થી સવારના ૬ સુધી કફર્યુ નાખેલો હોવાથી મુસ્લિમ બિરાદરો નમાઝ પોતાની મસ્જિદોમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરી અદા કરે અને મસ્જિદોની બહાર ભીડ ભાડ ન કરે. જો ઘરથી મસ્જિદ નજીક ન હોય તો દૂર જવાનો પ્રયત્ન ન કરે અને પોતપોતાના ઘરોમાં જ નમાઝ અદા કરે. પવિત્ર મહિનામાં અલ્લાત્આલાને રાજી કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. આપણે ૧૧ મહિના મસ્જિદોને વેરાન બનાવી દીધી છે. પેશાનીઓને અલ્લાહની બારગાહમાં ઝુકાવતા નથી. આથી અલ્લાહની નારાજગીને દૂર કરવાનો આ સુવર્ણ અવસર છે. મસ્જિદોમાં તક ન મળે તો ઘરમાંૈ પણ નમાઝ, રોઝા, કુઆર્નેપાકની તિલાવત તથા નફીલ નમાઝો અદા કરી વધુમાં વધુ ઇબાદત કરવી જોઇએ.

છેલ્લા બે વર્ષથી રમઝાન માસ ગરમીમાં આવવાની શરૂઆત થઇ ચુકી છે અને આગામી દસેક વર્ષ સુધી ગરમીમાં રમઝાન આવવાના હોવાથી ૧૪ થી ૧પ કલાકના રોઝા રોઝદારની કપરી કસોટી કરશે. તેમ છતાં જેઓ અલ્લાહને રાજી કરવા માંગતા હશે તેઓ કોઇપણ સંજોગોમાં રોઝા છોડશે નહીં.

(2:47 pm IST)