રાજકોટ
News of Monday, 19th April 2021

રાજકોટમાં હવે આ બાકી હતું...નાઇટ્રોજન ગેસના પાંચ બાટલા ચોરાઇ ગયાઃ ઓકિસજન સમજીને કોઇ દર્દીને ચડાવી ન દે એ માટે પોલીસે સોૈને ચેતવ્યા

રાજકોટ તા. ૧૯: શહેરમાં કોરોનાએ જે રીતે કહેર વર્તાવ્યો છે એ જોતાં શહેરની સિવિલ અને લગભગ તમામ ખાનગી હોસ્પિટલો કોરોના સંક્રમિતોથી હાઉસફુલ છે. અનેક દર્દીઓને સતત ઓકિસજન લેવલ ઘટી ગયા હોઇ ઓકિસજનના બાટલાઓની જરૂરીયાત પણ વધી ગઇ હોઇ ઓકિસજનની પણ અછત ઉભી થઇ ગઇ છે. ઠેકઠેકાણેથી સેવાભાવીઓ વિનામુલ્યે ઓકિસજન પુરો પાડી તંત્રવાહકોને અને જરૂરિયાતમંદોને મદદરૂપ બની રહ્યા છે. અનેક સંસ્થાઓ લોકોને ઓકિસજન સિલીન્ડર મળી રહે તે માટે પ્રયત્નશીલ છે. આવા સમયે ગઇકાલે રાથે થોરાળા વિસ્તારમાં આવેલા એક કારખાનામાંથી કોઇ ઓકિસજનના સમજીને નાઇટ્રોજન ગેસના પાંચ બાટલા ચોરી ગયું છે. જેમાંથી ત્રણ ખાલી હતાં અને બે ભરેલા હતાં. જો આ ગેસને ઓકિસજન સમજી કોઇને આપવામાં આવે તો જીવનું જોખમ સર્જાઇ શકે છે. આવું ન થાય એ માટે શહેર ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવીએ લોકોને ચેતવ્યા છે.

જાણવા મળ્યા મુજબ થોરાળા વિસ્તારમાં આવેલી શ્રીબાલકૃષ્ણ કોલ ઇન્ડસ્ટ્રી નામની ફેકટરીમાંથી અજાણ્યા શખ્સો ગઇકાલે તાળા તોડીને પાંચ ગેસ સિલિન્ડર ચોરી ગયા છે. જેમાં ત્રણ ખાલી છે અને બેમાં નાઇટ્રોજન ગેસ ભરેલો છે. કુલ છ બાટલા હતાં તેમાંથી ત્રણ ખાલી હતાં અને ત્રણ ભરેલા હતાં. જો કે તેમાં ઓકિસજન નહિ પરંતુ નાઇટ્રોજન ગેસ હતો. આ બાટલાને કોઇ ઓકિસજનના સમજીને લઇ ગયું હશે કે પછી ભંગારમાં વેંચવા માટે કોઇ તસ્કર ચોરી ગયું હશે એ સ્પષ્ટ થયું નથી. પરંતુ જો ઓકિસજન સમજીને કોઇ દર્દીને નાઇટ્રોજન ગેસ આપી દે તો દર્દીનો જીવ પણ જઇ શકે તેમ હોય છે. આથી કોઇ આડેધડ આવા બાટલાનો ઉપયોગ પુરતી તપાસ વગર ન કરે તેવો અનુરોધ પીઆઇ વી. કે. ગઢવીએ કર્યો છે. થોરાળા પોલીસ મથકના પીઆઇ બી. એમ. કાતરીયા, પીએસઆઇ જી. એસ. ગઢવી સહિતની ટીમે કારખાને પહોંચી સીસીટીવી કેમેરા છે કે કેમ? તેમાં બાટલા ઉઠાવી જનારા દેખાય છે કે કેમ? તેની તપાસ શરૂ કરી છે.

(2:36 pm IST)