રાજકોટ
News of Monday, 19th April 2021

બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા પાંચ વ્યકિતના મોત થયા

રાજકોટ તા. ૧૯: અલગ અલગ પાંચ લોકોને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી જે તે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

પારડીના વિજયભાઇ પારેખનું રાજકોટમાં બેભાન થતાં મોત

શાપરના પારડીમાંરહેતાં વિજયભાઇ કાંતિલાલ પારેખ (ઉ.વ.૪૦) રવિવારે સાંજે રાજકોટ ટાગોર રોડ પર વિરાણી ચોક પાસે ક્રિષ્ના હાઇટ્સમાં પોતાની કોમ્પ્યુટર રિપેરીંગની મહાવીર એન્ટરપ્રાઇઝ નામની ઓફિસે હતાં ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. એ-ડિવીઝન પોલીસ મથકના એએસઆઇ એસ. ડી. પાદરીયા અને નિરવભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર વિજયભાઇ ત્રણ ભાઇમાં નાના અને અપરિણીત હતાં.

જાગનાથના અશોકભાઇનું એસ્ટ્રોન ચોકમાં બેભાન

થતાં મોત

બીજા બનાવમાં જાગનાથ પ્લોટ-૬ આકર્ષણ એપાર્ટમેન્ટમાં રહેતાં અશોકભાઇ ગોૈરીશંકરભાઇ ચોૈખા (ઉ.વ.૬૫) સાંજે એસ્ટ્રોન ચોક લેન્ડમાર્ક બિલ્ડીંગ પાસે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં. એ-ડિવીઝનના એએસઆઇ નીતાબેન ડાંગરે જરૂરી કાર્યવાહી કરી હતી.

રણુજા મંદિર પાસે રહેતી સુમનબેનનું મોત

ત્રીજા બનાવમાં રણુજા મંદિર પાસેની ભુવનેશ્વરી સોસાયટીમાં રહેતી સુમનબેન મુન્ના બધેલ (ઉ.વ.૨૬) ઘરે સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી.

સાગર સોસાયટીના જયેશભાઇ ચંદારાણાએ દમ તોડ્યો

ચોથા બનાવમાં કોઠારીયા રોડ ન્યુ સાગર સોસાયટી-૨માં રહેતાં જયેશભાઇ પ્રભુદાસભાઇ ચંદારાણા (ઉ.વ.૫૦) રાતે સાડા અગિયારેક વાગ્યે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. મૃતક ફ્રુટની લારી રાખી ધંધો કરતાં હતાં. સંતાનમાં બે પુત્રી છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

કલ્યાણ સોસાયટીના મંજુબેનનું પણ બેભાન હાલતમાં મોત

પાંચમા બનાવમાં સહકાર રોડ પર કલ્યાણ સોસાયટી-૧માં રહેતાં મંજુબેન સુરેશભાઇ નકુમ (ઉ.વ.૫૪) રાતે ઘરે બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતકના પતિનું અગાઉ હાર્ટએટેકથી અવસાન થયું હતું. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(2:33 pm IST)