રાજકોટ
News of Monday, 19th April 2021

બપોરે બે વાગ્યે ફોન કર્યો તો છેક સાંજે એમ્બ્યુલન્સ આવી...ઓકિસજન ઘટી જવાથી યુવાનનું મોત

કોઠારીયા સોલવન્ટ હાઉસીંગ બોર્ડના પ્રદિપ પાટીલ (ઉ.૩૩)ને હોસ્પિટલે પહોંચાડાયો પણ દમ તોડી દીધોઃ મૃતકના ભાઇનો તંત્રવાહકો પર આક્ષેપ

રાજકોટ તા. ૧૯: કોઠારીયા સોલવન્ટ હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતાં અને રોલેકસ ફેકટરીમાં નોકરી કરતાં પ્રદિપ સુધાકરભાઇ પાટીલ (ઉ.વ.૩૩)ને બિમારી સબબ બેભાન થઇ જતાં સાંજે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. તેના ભાઇએ આક્ષેપ કર્યો હતો કે અમે રવિવારે બપોરે બે વાગ્યે એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો હતો પણ છેક સાંજે એમ્બ્યુલન્સ આવી હતી. ત્યાં સુધીમાં ભાઇનું ઓકિસજન લેવલ ઘટી ગયું હતું અને હોસ્પિટલે પહોંચ્યા ત્યારે ટુંકી સારવારમાં જ દમ તોડી દીધો હતો.

પ્રદિપ પાટીલનું મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં એ.ડી. નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્યુ પામનાર પ્રદિપ બે ભાઇમાં નાનો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. તેના ભાઇ ભાવેશભાઇએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે મારા ભાઇને ડાયાલિસીસ ચાલતું હતું અને એકાદ બે દિવસથી થોડો તાવ પણ હતો. અમે તેને હોસ્પિટલે ખસેડવા માટે રવિવારે બપોરે બે વાગ્યે એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો હતો. પણ છેક સાંજે છ વાગ્યે એમ્બ્યુલન્સ આવી હતી. ત્યાં સુધીમાં ઓકિસજન લેવલ ઘટી ગયું હતું અને ટુંકી સારવાર બાદ મારા ભાઇએ દમ તોડી દીધો હતો.

નોંધનીય છે કે શહેરમાં દરરોજ એમ્બ્યુલન્સને હજારો કોલ્સ મળતાં રહે છે. દરરોજ કોરોનાના દર્દીઓને લઇને હોસ્પિટલે પહોંચતી એમ્બ્યુલન્સ-૧૦૮ને પણ કલાકો કતારમાં રહ્યા પછી એન્ટ્રી મળે છે. તંત્રવાહકો સતત મથી રહ્યા છે પરંતુ કોરોનાનું સંક્રમણ અટકી રહ્યું નથી.

(2:32 pm IST)