રાજકોટ
News of Monday, 19th April 2021

૧૫ દિવસમાં રાજકોટ જેલના સાત જેટલા કર્મચારીઓ અને ૭૧ કેદીઓ સંક્રમિત થયા

૬૯ કેદીઓ રેનબસેરામાં અને ૦૨ કેદી સિવ્‍લિ હોસ્‍પિટલમાં સારવાર હેઠળઃ જેલ અધિક્ષક બી. ડી. જોષી

રાજકોટ તા. ૧૯: કોરોનાએ ઉપાડો લીધો છે. અત્ર તત્ર સર્વત્ર કોરાના સંક્રમિતો સતત વધી રહ્યા છે. ઘર, ઓફિસો, કારખાનાઓ, નોકરીના સ્‍થળો કે પછી સરકારી કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ સંક્રમિત થઇ રહ્યા છે. સાથો સાથ રાજકોટ સેન્‍ટ્રલ જેલના કર્મચારીઓ અને કેદીઓ પણ સંક્રમિત થયા છે. છેલ્લા પંદર દિવસમાં જેલના  ૭ જેટલા અધિકારીઓ, કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ૭૧ બંદીવાનો સંક્રમિત થતાં તેમાંથી ૬૯ને કેસરી પુલ નજીક રેનબસેરામાં રાખવામાં આવ્‍યા છે. જ્‍યારે બે કેદીને સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવા પડયા છે. એક જેલર સહિત ૭ અધિકારીઅ-કર્મચારીઓ પણ સંક્રમિત થતાં હોમ આઇસોલેશનમાંરહીને સારવાર લઇ રહ્યા છે.

જાણવા મળ્‍યા મુજબ ગયા વર્ષે પણ કોરોનાના કહેરમાં જેલના કેટલાક કેદીઓ સંક્રમિત થયા હતાં. તેમ બીજી લહેરમાં પણ કેદીઓ ઝપટમાં આવી ગયા છે. તો સાથોસાથ જેલ કર્મચારીઓને પણ કોરોના અડી ગયો છે. જેલના ૭૧ જેટલા કેદીઓ અલગ અલગ દિવસોમાં સંક્રમિત થયેલા સામે આવ્‍યા હોઇ તેને રેન બસેરામાં પોલીસ પહેરા હેઠળ રાખીને સારવાર આપવામાં આવી રહી છે. જે ૭૧ બંદીવાનોને કોરોના થયો છે તેમાં કાચા કામના, પાકા કામના અને પાસાના મહિલા તેમજ પુરૂષ બંદીવાનોનો સમાવેશ થાય છે. જેલ અધિક્ષકશ્રી બી. ડી. જોષીના કહેવા મુજબ છેલ્લા પંદર દિવસમાં આ સંક્રમણ ફેલાયું છે. જેલમાં કેદીઓ સંક્રમણથી મુક્‍ત રહે તે માટેના તમામ પગલા લેવામાં આવે છે. વેક્‍સીનેશન પણ તારીખો મુજબ કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે કેદીઓને કોર્ટમાં અલગ અલગ તારીખે મુદ્દતમાં હાજર કરવાના હોઇ અથવા તો સારવાર માટે હોસ્‍પિટલમાં લઇ જવામાં આવતાં હોઇ ત્‍યારે કદાચ કોઇના સંપર્કમાં આવતાં તેઓ સંક્રમિત થઇ જતાં હોવાની શક્‍યતા છે. એ પછી જેલમાં તેઓ પહોંચે ત્‍યારે બીજા બંદીવાનો સંક્રમિત થઇ જતાં હોવાનું સમજાય છે. કેદીઓ સાથે જેલ અધિકારીઓ, કર્મચારીઓ પણ આ રીતે સંક્રમિત થયાની શક્‍યતા છે.

 

(1:05 pm IST)