રાજકોટ
News of Monday, 19th April 2021

લોકડાઉનને એક વર્ષ પુરૂ થયું, પણ મારી જિંદગી ત્યાં જ રોકાયેલી છે...બધી તકલીફોની એક જ દવા છે મોતઃ ચિઠ્ઠી લખી કારખાનેદારે જિંદગી ટૂંકાવી

મારું ઓમ ફર્નિચર નામનું કારખાનુ બંધ થઇ ગયું છે, છોકરાની ફી ભરી શકાઇ નથી, મારી પત્નિને પણ કામે જવું પડે છે...અત્યાર સુધી જેમતેમ ચલાવ્યું, હવે બોજ ઉપાડાતો નથી, થાકી ગયો છું...કોરોનામાં નથી મર્યા એટલા લોકડાઉનને કારણે મરે છે, સરકાર સાચા આંકડા સામે લાવતી નથી! : અમારા પાડોશી સારા છે નહિતર અમારે જીવતે જીવ મરવાનો વારો આવતઃ પાડોશીઓનું ભગવાન સારું કરે, સગા સંબંધી કરતાં પાડોશીઓ સારા : દેવપરાનો બનાવ : ૪૬ વર્ષિય વિરેન્દ્રભાઇ પરમારે ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધું : મારે જ્યારે સારું હતું ત્યારે મેં બધાને મદદ કરી છે, પણ મારે જરૂર છે ત્યારે કોઇ મદદ કરતું નથી...ન માંગવાના હોય ત્યાંથી પણ પૈસા માંગી જોયા...પણ મદદ ન આવી

રાજકોટ તા. ૧૯: કોરોના મહામારીને કારણે કામધંધા ભાંગી પડતાં ગયા વર્ષે અનેક લોકોએ હિમ્મત હારી મોત મેળવી લીધું હતું. વધુ એક કિસ્સામાં દેવપરા શાક માર્કેટ પાસે પટેલ બેકરીવાળી શેરીમાં રહેતાં લુહાર કારખાનેદાર વિરેન્દ્રભાઇ રમેશભાઇ પરમાર (ઉ.વ.૪૬)એ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. તેમણે આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઇડ નોટમાં અરેરાટી ઉપજાવતી વિગતો લખવામાં આવી છે.

આપઘાતના બનાવની જાણ ૧૦૮ ઇએમટીના પિયુષભાઇ તથા કરણસિંહ મારફત થતાં ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ ડી. એ. ધાંધલ્યા અને કોન્સ. અક્ષયરાજસિંહે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. લોકડાઉનમાં કારખાનુ ઠપ્પ થઇ જતાં આર્થિક ભીંસ ઉભી થઇ જતાં આ પગલુ ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વિરેન્દ્રભાઇએ ઉપરના માળે આ પગલુ ભરી લીધું હતું.  પત્નિ ઉપરના માળે ગયા ત્યારે દરવાજો બંધ હોઇ ખખડાવવા છતાં ન ખોલાતાં તોડીને જોતાં લાશ લટકતી જોવા મળી હતી.

આપઘાત કરનાર વિરેન્દ્રભાઇએ એક સ્યુસાઇડ નોટ લખી છે, જે અક્ષરશઃ અહિ પ્રસ્તુત છે.

'લોકડાઉનને એક વર્ષ પુરૂ થઇ ગયું છે પણ મારી જિંદગી હજી ત્યાં રૂકી ગઇ છે આ લોકડાઉનમાં મારું કારખાનું જે ઓમ ફર્નિચરથી ચાલતું હતું તે બંધ થઇ ગયું છે. આ લોકડાઉનમાં જેટલામ ાણસો કોરોનામાં નથી મર્યા એટલા માણસો સ્યુસાઇડ કરીને મરે છે. પણ સરકાર સાચા આંકડા સામે લાવતી નથી. લોનના હપ્તા ભરવાના, ગાડીના હપ્તા ભરવાના, ક્રેડીટ કાર્ડના પૈસા ભરવાના, ધંધો ચાલતો નથી તો કયાંથી પૈસા ભરવા? ઘરમાં આપણું કરવું કે આ બધા હપ્તા ભરવા. એક મહિનો છોકરો નિશાળે નથી ગયો, આખા વર્ષની ફી ભરવાની. હું અત્યારે બહુ આર્થિક ભીંસમાં આવી ગયો છું. મારી ઘરવાળીને પણ કામે જાવું પડે છે. અત્યાર સુધી મેં જેમતેમ ચલાવ્યું, હવે મારાથી આ બોજ ઉપાડાતો નથી. હવે હું થાકી ગયો છું, સહન કરવાનું હતું તેટલું સહન કરી લીધું, હવે આ બધી તકલીફોની એક જ દવા છે મોત. મોત એક જ એવો રસ્તો છે જ્યાં તમારી બધી તકલીફ પુરી થઇ જાય છે. મારે જ્યારે સારુ હતું ત્યારે બધાયને મદદ કરી છે પણ આજ જ્યારે મારે મદદની જરૂર છે ત્યારે આજે મને કોઇ મદદ કરતું નથી, જયાં નો માંગવાના હોય ત્યાં પણ પૈસા માંગી લીધા, પણ ત્યાંથી જરાય મદદ ન આવી. આ તો લોકડાઉનમાં અમારા પાડોશી સારા છે જેણે અમને મદદ કરી છે નહિતર તો અમારે જીવતે જીવ મરવાનો વારો આવત. હું કહુ છું કે અમારા બધા પાડોશીનું ભગવાન સારુ કરે. સગા સંબંધી કરતાં તો પાડોશી સારા છે. ખૈર જાવા દો, આ બધી વાતો ને આવુ બધુ તો ચાલતું રહેતું હોય છે. મારી આત્મહત્યાની પાછળ કોઇ જવાબદાર નથી. મારું કારખાનુ બંધ થઇ ગયું છે અને હું જ્યાં ધંધો કરતો ત્યાં પણ હવે ધંધો નથી તેથી આર્થિક ભીંસમાં આવી ગયો છું અને તેની આત્મહત્યા કરુ છું. મારા મોતનો હું જવાબદાર છું. મારી પાછળથી કોઇને હેરાન કરવા નહિ.'

વિરેન્દ્રભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. અગાઉ તેમને વિવેકાનંદ નગરમાં કારખાનુ હતું. પણ લોકડાઉનમાં તે બંધ થઇ ગયા બાદ તે ગઢડા ઘરઘંટીના કારખાનામાં કામે જતાં હતાં. ત્યાં પણ કામ બંધ થઇ ગયું હતુંઉ પરિવારના મોભીના આ પગલાથી પરમાર (લુહાર) પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(11:01 am IST)