રાજકોટ
News of Friday, 19th April 2019

બલિદાન, પ્રેમ, ક્ષમાનો પવિત્ર તહેવાર એટલે 'ગુડ ફ્રાઇડે'

: આપણે સૌ જાણીએ છીએ કે ''ગુડ ફ્રાઇડે'' શું છે? આ પવિત્ર શુક્રવારને ઇશ્વરનો શુક્રવાર કહેવાય છે. આજના દિવસે ઇશ્વરે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું એટલે તેને ''ભલો શુક્રવાર'' કહેવાય છે.

બલિદાનઃ આપણે સોૈ જાણીએ છીએ તેમ ઇસુ બેગુનાહ, બેદાગ, બેકસૂર હતા. તેમ છતાં તેમણે આપણા માટે પોતાનો કિંમતી જીવ અર્પણ કર્યો. કેમ કે જે કોઇપણ ઇસુ પર ભરોસો કરે તેનો નાશ ન થાય પરંતુ તે અનંતજીવન પામે, ધન્ય છે ઇસુ કે જેમણે આપણાં પાપોને લીધે પોતાના અમૂલ્ય જીવનું બલિદાન દીધું શું આપણે કયારેય આપણા પોતાના લોક, પડોશી, સગા-સંબંધીઓ માટે બલિદાન દીધું છે? આજે તેમનાં બલિદાનની કદર કરીએ અને આ પવિત્ર પર્વને ઉજવીએ.

પ્રેમ : ઇશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનાં એકનાં એક પુત્રને માનવજાત માટે અર્પી દીધો. પ્રેમ એક એવી લાગણી છે જેને આપણે એકબીજા સાથે અનુભૂતિ કરી શકીએ. આજનો દિવસ આપણે યાદ રાખવો જોઇએ કે ઇશ્વરે અસહ્ય વેદના સહી અને આપણને પ્રેમનો અર્થ સમજાવ્યો.

ક્ષમા : ક્ષમા દેવી અને ક્ષમા લેવી એ એક મહત્વપૂર્ણ વાત છે. આપણે મોટા, નાના, ગરીબ હોય યા તવંગર પરંતુ ક્ષમાને આપણે આપણા જીવનમાં એક મહત્વપૂર્ણ સ્થાન આપી આપણે આપણા દુશ્મનોને પણ ક્ષમા કરીએ. આ પૃથ્વી પર જેણે જન્મ લીધો છે. તેમણે પાપ-ગુનો કર્યો છે. પરંતુ તેમ છતાં આપણે એકબીજા સાથે વેર-ભાવના, કપટી હૃદય અને સ્વાર્થી હોવા છતાં આપણે કોઇને ક્ષમા આપી નથી. પરંતુ આપણા ઇશ્વરે એટલી યાતના સહન કરી કે તેમને કાંટાનો મુગટ પહેરાવ્યો, હાથ-પગમાં ખીલ્લા ઠોકયા અને કુખમાં ભાલો માર્યો. આટલી યાતના સહન કર્યા પછી પણ આ શુભ શુક્રવારે ત્રીજા પહોરે આપણા સર્વને માટેપોતાનો જીવ અર્પણ કર્યો અને તેમનાં મૂખે આ શબ્દ હતાં કે 'હે  પિતા તું આ સર્વને ક્ષમા કર કેમ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરે છે?'

''ગુડ ફ્રાઇડે''ને યાદ કરી ઇશ્વરના બલિદાનનાં મર્મને સમજીએ અને તેને એક પર્વ તરીકે ઉજવીએ. આપણે સૌ પ્રાર્થના સાથે શરૂઆત કરીએ. ઇશ્વરે પોતાના જીવને અર્પીને આપણા સૌ માટે અનંતજીવનની યોજના સિદ્ધ કરી તો ચાલો આપણે સૌ ઉપવાસ સહિત ઇશ્વરની યોજનાને યાદ કરી આ પર્વને સૌ સાથે મળી પ્રાર્થના સહિત ઉજવીએ. ''હેપ્પી ગુડ ફ્રાઇડે''(૧.૨૦)

મિસિસ આઇલીન રોબિન્સન

મો. ૬૩૫૫૦ ૮૪૬૯૮

(3:46 pm IST)