રાજકોટ
News of Thursday, 19th April 2018

ગેંગરેપ થકી સગર્ભા બનેલી ૧૧ વર્ષની બાળાની કૂખે જન્મેલી ખોડખાપણ વાળી દિકરીનું મોત

મહિલા પોલીસે ગેંગરેપના ગુનામાં એક સગીર સહિત કુલ છને પકડ્યા હતાં: મોતને ભેટેલી બાળકીનો પિતા કોણ? તેનો ડીએનએ રિપોર્ટ આવવાનો હજુ પણ બાકી

રાજકોટ તા.૧૭: અગિયાર વર્ષની બાળા પર બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દેવાના બનાવમાં પોલીસે ગયા મહિને  છ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં એક સગીર પણ સામેલ હતો. બીજી તરફ ગેંગરેપનો ભોગ બનેલી બાળકીએ ૧૭/૩/૧૮ના બપોરે સિજેરીયન ડિલીવરીથી બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકી ખોડખાપણવાળી જન્મી હોઇ અને ગંભીર હાલતમાં હોઇ કાચની પેટીમાં રાખવામાં આવી હતી. એ પછી અમદાવાદ સારવાર માટે લઇ જવાઇ હતી અને ત્યાંથી કાઠીયાવાડ બાલાશ્રમને સોંપાઇ હતી. બરાબર એક મહિના બાદ આજે ૧૭/૪/૧૮ના રોજ આ બાળકીએ દમ તોડી દીધો છે.

 ગેંગરેપની તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થયા હતાં. અગાઉ એક સગીર સહિત ચાર આરોપી પકડાયા પછી બીજા બે મળી કુલ છ આરોપીઓને પકડવામાં આવ્યા હતાં. જમાં વૃધ્ધો, આધેડો, અંધ, બહેરા આરોપીઓ સામેલ હતાં. ચોંકાવનારી બાબત એ હતી કે આ બાળા નવ વર્ષની હતી ત્યારે પણ તેને હવસનો શિકાર બનાવાઇ હતી.

ભોગ બનેલી ૧૧ વર્ષની બાળાના ઉદરમાં આઠ માસનો ગર્ભ હોઇ તેણીને ઝનાના હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. આ હોસ્પિટલના વડા ડો. કમલ ગોસ્વામીએ આ બાળાને જોખમી માતાની કેટગરીમાં મુકી હતી. તેની ડિલીવરી તબિબો માટે જટીલ પ્રશ્ન બની ગયો હતો. દરમિયાન ૧૭/૩ના રોજ  નિષ્ણાંત ગાયનેકોલોજીસ્ટની ટીમોએ સિજેરીયનથી ડિલીવરી કરાવી હતી. ભોગ બનનાર  બાળાએ ખોડખાપણયુકત દિકરીને જન્મ આપ્યો હોત. તેણીને કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં કાચની પેટીમાં રખાઇ હતી અને ત્યાંથી અમદાવાદ સારવાર માટે ખસેડાઇ હતી. બાદમાં તેણીને કાઠીયાવાડ બાલાશ્રમમાં રાખવામાં આવી હતી. જ્યાં આયા બહેન આ બાળકીની સતત દેખરેખ રાખી રહ્યા હતાં. આજે આ બાળા બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તેનું મોત નિપજ્યાનું તબિબે જાહેર કર્યુ હતું. મૃત્યુ પામનાર આ બાળકીનો પિતા કોણ? તે જાણવા પોલીસે પકડાયેલા આરોપીઓના ડીએનએ ટેસ્ટ કરાવાયા છે. તેનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે.

એ-ડિવીઝનના હેડકોન્સ. ભીખાભાઇ પટેલ અને રાઇટર વિરેન્દ્રસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૧૩)

 

(4:27 pm IST)