રાજકોટ
News of Sunday, 19th March 2023

શાસ્ત્રીમેદાનમાં ખાતે ક્રિકેટ રમતા વધુ એક યુવાનનું અચાનક હાર્ટએટેક આવતા મોતઃ બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

- ૪પ વર્ષીય યુવક અચાનક મેદાનમાં ઢળી પડ્યો: હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબિબે મૃત જાહેર કર્યો

રાજકોટઃ શાસ્ત્રીમેદાનમાં ખાતે ક્રિકેટ રમતા વધુ એક યુવાનનું અચાનક હાર્ટએટેક આવતા મોત નિપજ્યું છે. જેને લઈને બે બાળકોએ તેના પિતાની છત્રછાયા ગુમાવી છે. આ સહિત બે મહિનામાં કુલ આઠ યુવાનોના રમત રમતા હાર્ટએટેકથી મોત નિપજતા સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

જાણવા મળતી વિગત અનુસાર, રાજકોટના શાસ્ત્રીમેદાનમાં ક્રિકેટ રમતી વખતે 45 વર્ષીય મયુર મકવાણા અચાનક ઢળી પડ્યો હતો. જેથી તાત્કાલિક મયુરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. રાજકોટમાં આ પહેલા પણ આવી જ ઘટનામાં 4 યુવકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. ત્યારે વધુ એક આશાસ્પદ યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક મયુર મકવાણાનાં મામાએ જણાવ્યું હતું કે, મયુર મકવાણા છેલ્લા ઘણા વર્ષોથી ક્રિકેટ રમતો હતો. તેમને કોઈપણ પ્રકારનું વ્યસન પણ નહોતું. અને ચાંદીકામ કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો. આજે રવિવાર હોવાથી તે રાબેતા મુજબ મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે તેને છાતીમાં ગભરામણ થતી હોવા છતાં કંઈપણ બોલ્યો નહોતો. અને મિત્રના સ્કૂટર ઉપર બેસી ગયો હતો. જોકે તે અચાનક ઢળી પડતા સાથે રહેલ મિત્રો દ્વારા 108 મારફતે સારવાર માટે પ્રથમ ગિરિરાજ અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો છે. મૃતક મયુર એક પુત્ર અને એક પુત્રીનો પિતા હોવાનું પણ તેમણે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. ખાસ કરી અત્યારસુધી આવા બનાવની અંદર હાર્ટઍટેકથી માત્ર વૃદ્ધ લોકોના મોત થતા હોવાનું સામે આવતું હતું. પરંતુ તબીબોના તારણ અને અનુભવ મુજબ કોરોના પછી યુવાનોમાં પણ હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં જ કેટલીક એવી ઘટનાઓ પણ સામે આવી છે કે જેમાં મેદાનમાં રમત રમતી વખતે યુવકોને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હોય. ત્યારે આજે વધુ એક યુવકનું ક્રિકેટ રમતા વખતે હાર્ટઍટેકથી મોત થતા ચર્ચાનો વિષય બન્યો છે.

(3:14 pm IST)