રાજકોટ
News of Tuesday, 19th March 2019

સ્વામિનારાયણ મંદિર સામેનું ડિવાઇડર તાકીદે ખોલવા અને આડેધડ પાર્કિંગને કારણે થતી મુશ્કેલી દૂર કરવા માંગણી

ડિવાઇડરને કારણે અસંખ્ય લોકો હેરાનઃ મંદિર પાછળની સોસાયટીના રહેવાસીઓને છેક કોટેચા ચોક સુધી લાંબુ થવું પડે છે : મંદિર અને પ્રેમવતી રેસ્ટોરન્ટ ખાતે આવતાં લોકો કરે છે આડેધડ પાર્કિંગઃ સેતુબંધ સોસાયટી, વૃજવાટીકા અને આસપાસની સોસાયટીના રહેવાસીઓએ સાથે મળી જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીને આવેદન પાઠવ્યું : અસંખ્ય રહેવાસીઓની રોજની હાડમારીનો કોઇ ઉકેલ સંબંધીતો પાસે છે જ નહિ કે શું?

રાજકોટ તા. ૧૯: કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલી સેતુબંધ સોસાયટી, વૃજ વાટીકા સોસાયટી તથા આસપાસની સોસાયટીના રહેવાસીઓએ આજે જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીને રૂબરૂ મળી મંદિર સામેનો રસ્તો વાહન વ્યવહાર માટે અચાનક બંધ કરી દેવામાં આવ્યો હોઇ તે તાકીદે ખોલાવવા અને સ્વામિનારાયણ મંદિર તથા પ્રેમવતી રેસ્ટોરન્ટ ખાતે આવતાં લોકો દ્વારા આડેધડ વાહનો પાર્ક કરી દઇ આ સોસાયટીના રહેવાસીઓ માટે મુશ્કેલી ઉભી કરવામાં આવી રહી હોઇ તે બાબતે રજૂઆત કરી આ સમસ્યાના નિવારણ માટે રજૂઆત કરવામાં આવી હતી.

રજૂઆતમાં જણાવાયું છે કે ૧-૬-૧૮થી તત્કાલીન પોલીસ કમિશનર દ્વારા જુન-૨૦૧૮માં બહાર પડાયેલા જાહેરનામા મુજબ મહિલા કોલેજ અંડરબ્રિજનો ઉપરનો રસ્તો એકમાર્ગીય (વન-વે) જાહેર કરાયો છે. તેમજ સેતુબંધ સોસાયટીથી કાલાવડ રોડને જોડતા રસ્તા પર બંને સાઇડ નો-પાર્કિંગ જાહેર કરાયું છે. પરંતુ જાહેરનામુ બહાર પડ્યું છતાં અહિ સ્વામિનારાયણ મંદિરની દિવાલથી સેતુબંધ સોસાયટી સુધી વાહનોના થપ્પા લાગે છે. છડેચોક જાહેરનામાનું ઉલંઘન થાય છે. આડેધડ પાર્ક થતાં વાહનોને કારણે સોસાયટીના રહેવાસીઓને ભારે મુશ્કેલી સહન કરવી પડે છે. સ્વામિનારાયણ મંદિરની દિવાલથી સેતુબંધ-વૃજવાટિકા સોસાયટી  સુધીના બંને તરફના રસ્તા પર નો-પાર્કિંગના બોર્ડ મુકવા આશ્યક છે. રવિવારે સાંજે ૬ થી ૯ મંદિરે દર્શનાર્થીઓની સંખ્યા વધુ રહેતી હોઇ જેથી એ દિવસે ભારે મુશ્કેલી સહન કરવી પડે છે. રસ્તાની પહોળાઇ ૨૦ ફુટની છે, પરંતુ વાહનો પાર્ક થવાથી દસ ફુટનો રસ્તો થઇ જાય છે. શિરદર્દ સમસ્યાનું સુચારૂ નિરાકરણ કરવામં આવે તેવી માંગણી છે.

આ ઉપરાંત આ સોસાયટીના રહેવાસીઓએ એવી રજૂઆત પણ કરી છે કે આ સોસાયટીથી અમીન માર્ગ તરફ જતો રસ્તો પણ અગાઉ અચાનક જ ડિવાઇડર મુકીને બંધ કરી દેવામાં આવ્યો છે. આ કારણે આ સોસાયટીના લોકો કે જે મહિલા કોલેજ અન્ડર બ્રિજ થઇને આવે છે તેને છેક કોટેચા ચોક સર્કલ સુધી લાંબુ થવું પડે છે. હજ્જારો લોકો દરરોજ મનઘડત નિર્ણયોને કારણે હેરાન થઇ રહ્યા છે. શા માટે અને કોના કહેવાથી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે? તેવો સવાલ રહેવાસીઓએ ઉઠાવ્યો હતો.

(3:59 pm IST)