રાજકોટ
News of Tuesday, 19th March 2019

મવડી ચોકડી પાસેના શીવ પાર્ક-ડી.એમ. પાર્કના કોમન પ્લોટમાં ૧૧ કેવી વીજલાઇનનું કામ બંધ કરાવો

લતાવાસીઓ ઉપર જોખમ છેઃ કલેકટરને આવેદન પાઠવી વિસ્તૃત રજૂઆત

રાજકોટ તા. ૧૯: અહીંના શીવ પાર્ક શેરી નં. ર મવડી ચોકડીના રહેવાસીઓએ કલેકટરને આવેદન પાઠવી શીવ પાર્ક-ર તથા ડી. એમ. પાર્કના કોમન પ્લોટમાંથી ૧૧-કે.વી.નું વીજ લાઇનનું કામ બંધ રખાવવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેરાયું હતું કે, આથી અમો શીવ પાર્ક-ર ના રહેવાસીઓની ફરિયાદ છે કે, હાલમાં પીજીવીસીએલના અધીકારીઓની મીલી ભગતથી શીવ પાર્ક, શેરી નં. ર રહેણાંક વિસ્તારમાંથી તથા ડી. એમ. પાર્ક કોમન પ્લોટમાંથી ૧૧ કે. વી. વીજ લાઇન નાખવા માટે બીલ્ડરો પેરવી કરી રહ્યા છે.

હકીકતમાં સંસ્કાર કોમર્શીયલ કોમ્પલેક્ષ માટે ૧૧-કે.વી.ની જરૂરીયાત છે. તે ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર જ આવેલ છે. અને તે લાઇનમાંથી સરળતાથી સંસ્કાર કોમર્શીયલ કોમ્પલેક્ષને વીજ પુરવઠો પુરો પાડી શકાય તેમ છે છતાં પણ લતાવાસીઓના જીવના જોખમે સબ સ્ટેશન નાખવાની પેરવી આ કામે પીજીવીસીએલના અધીકારીઓ કરી રહ્યા છે. જે તદન ગેરબંધારણીય અને ન્યાયના હીતમાં જોખમી છે.

ફરિયાદમાં ઉમેર્યું છે કે, અમો લતાવાસીઓએ આ બાબતનો વિરોધ કરતા આ કામે પીજીવીસીએલ અધીકારી શ્રી દવે (હાલમાં ટ્રાન્સફર થયેલ છે) તેઓએ સ્થળ ઉપર આવીને અમોને કહેલ કે, તમારી જયાં જાવું હોય ત્યાં જાવ અમો આ સબ સ્ટેશન તમારા લતામાં જ નાખીશું.

અમારી શેરીમાં પીજીવીસીએલ અધિકારીઓ દ્વારા પોલ ઉભા કરેલ છે જે અમોને ખોટું બોલેલ કે આ પોલનો વીજ પુરવઠો તમો માટે જ આવશે અને તે તમારા હીતમાં છે પરંતુ આ પોલ ઉપરોકત કોમ્પલેક્ષને વીજ પુરવઠો પુરો પાડવા માટે નાખેલ છે. આ કામે બીલ્ડરે અમોને અમાનવીય રીતે પોલીસમાં ખોટી રીતે ફીટ કરાવી દેવાની ધમકીઓ આપેલ છે. જે કારણે અમોએ ના છુટકે તમો કલેકટરશ્રીને આ અરજી/ફરીયાદ કરવાની ફરજ પડેલ છે. જેથી આ લેખીત વાંધા અરજીને ગ્રાહય રાખીને આ કામે વિસ્તાર શીવ પાર્ક, શેરી નં. ર તથા ડી. એમ. પાર્ક કોમન પ્લોટમાં સબ સ્ટેશન ઉભું ન થાય તેવો પ્રજાહીતમાં હુકમ કરવા અમારી તમામ લતાવાસીઓની માંગણી છે.

(3:59 pm IST)