રાજકોટ
News of Tuesday, 19th March 2019

ગૈબનશાહ પીર દરગાહ પાસેની બંધ શેરી માટે કાનૂની લડત

કોમી એકતાના પ્રતિક ઔલિયાનો આગામી શુક્ર-શનિ બે દિ' ઉર્ષ : આયોજન પૂર્વે વિગતો અપાઇ : ટ્રસ્ટીઓ દ્વારા તૈયારીઓ : રાજકોટની શોભામાં અભિવૃદ્ધિ સમો ૭પ ફૂટ ઉંચોટાવર, મુસ્લિમ છાત્રાલય, મસ્જીદ અને બ્લડ બેન્ક બનાવવાના આયોજન માટે બાજુની ૬૬ર વાર જગ્યા ટ્રસ્ટને કેમ મળતી નથી ? : ટ્રસ્ટ પ્રમુખ હાજી બાબુભાઇને કોર્ટમાં મ્યુનિસિપલ સામેનો દાવો જીતી જવાનો આશાવાદ

તસ્વીરમાં હાજીબાબુ જાનમહંમદભાઇ (પ્રમુખ), ઇબ્રાહિમભાઇ દલ (ઉપપ્રમુખ) રહિમભાઇ સોરા, બશીરબાપુ બુખારી, ઇકબાલ બેગ મીરઝા, ભીખુભાઇ રાઉમા નજરે પડે છે. આ ઉપરાંત પત્રકાર પરિષદ વેળા મજીદભાઇ પટ્ટણી, યુસુફભાઇ હાજી બાબુભાઇ, યુસુફભાઇ સોપારી વાલા, હાસમભાઇ મેતાજી અને અજુબાપુ હાજર રહ્યા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા ૧૯ : રાજકોટ શહેરમાં કોમી એકતાના  પ્રતિક તરીકે પ્રખ્યાત ઔલિયા  હઝરત ગૈબનશાહ પીર દરગાહની બાજુમાં આવેલ '' બંધ શેરી'' દરગાહ ટ્રસ્ટને વેચાણથી સોંપી આપવા માટે છેલ્લા ૧૭ વર્ષથી હઝરત ગૈેબનશાહ પીર દરગાહ ટ્રસ્ટ  '' લડત'' ચલાવી રહયું છે, જેમાં હવે આ ટ્રસ્ટ એ '' કોર્ટ'' માં કાનુની કાર્યવાહી કરતા આ બાબતે હવે ટુંક સમયમાં આ બંધ શેરી ટ્રસ્ટને મળી જવાનો પૂર્ણ આશાવાદ દરગાહ ટ્રસ્ટના પીઢ અનુભવી પ્રમુખ હાજી બાબુભાઇ જાનમહંમદે વ્યકત કર્યો છે.

આગામી શુક્રવાર અને શનિવાર બે દિવસ માટે રાબેતા મુજબ હઝરત ગૈબનશાહ પીર દરગાહનો ભવ્ય ઉર્ષ ઉજવવામાં આવનાર છે, ત્યારે તેના આયોજન અંગેની માહીતી આપવા આજે સવારે દરગાહ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેને સંબોધન કરતા પ્રમુખ હાજી બાબુભાઇએ ઉપરોકત વિગતો વર્ણવી વધુમાં ઉમેર્યુ હતું કે, દરગાહ ટ્રસ્ટે બાજુની પોતાના કબજા ભોગવટા વાળી બંધ શેરીની જગ્યા મ્યુનીસીપલ પાસે માંગેલ છે અને તે બાબતે રકમ પણ ભરી આપેલ છે પણ કયા કારણોસર આ પ્રશ્નને ૧૭ વર્ષથી ટલે ચડાવવામાં આવે છે તે ખેદની વાત છે.

હાજી બાબુભાઇએ વધુમાં જણાવ્યું કે આ બંધ શેરીની ૬૬૨ વાર જગ્યા માટે સરકાર સુધી રજુઆત કરી છે અંતે રાજકોટના સીનીયર સીવીલ જજશ્રીની કોર્ટમાં આ બાબતે અપીલ કરતા ચારેક મુદત પડી તેમાં પ્રતિવાદી પક્ષે કોઇ હાજર રહેલ નહીં અને હવે જવાબ આવી જતા આ બાબત હુકમ થવાની તૈયારીમાં છે. આ કામમાં વકીલ શ્રી કે.યુ. ભુપતાણી દલીલો કરી રહયા છે.

હઝરત ગૈબનશાહપીર દરગાહ શરીફ પુરા સૌરાષ્ટ્રનું કોમી એકતા અને હિન્દુ-મુસ્લિમ આસ્થાનું પ્રતિક છે. સૌરાષ્ટ્રભરમાં મોટુ મુસ્લિમ ધાર્મિક સ્થળ હોય ટ્રસ્ટની નિગેબાનીમાં એક વિશાળ શૈક્ષણિક સંકુલ ઉભુ કરવાનું વિચારી રહેલ છે. હાલના સમયમાં રાજકોટ શહેર શૈક્ષણિક હબ બની ગયુ છે ત્યારે આ ટ્રસ્ટ હેઠળ વિવિધલક્ષી શૈક્ષણિક પ્રવૃતિઓ હાલની જે ડીમાન્ડ છે તેવી બી.એસ.સી. તથા એમ.એસ.સી. ફાર્મસી જેવી મેડીકલ માન્ય અન્ય ફેકલ્ટીઓ શરૂ કરવા ઈચ્છે છે જેના કારણે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ નિવારી શકાય. તદઉપરાંત બહારગામથી આવતા મુસ્લિમ વિદ્યાર્થી ભાઈ-બહેનોને રહેવા જમવા માટે મુશ્કેલી નિવારવા માટે પણ ટ્રસ્ટી મંડળ એક હોસ્ટેલ (બોર્ડીંગ) ૫૦ રૂમનું બનાવવાનું વિચારી રહ્યુ છે કારણ કે મુસ્લિમ સમાજનું એક પણ છાત્રાલય રાજકોટમાં નથી.

આ ટ્રસ્ટ રાજકોટની સીવીલ હોસ્પીટલથી તદ્ન નજીક આવેલ હોય એક બ્લડ બેંક પણ સ્થાપવા માંગે છે અને તે માટે આ ટ્રસ્ટે બાજુની પોતાના કબ્જા ભોગવટાવાળી બંધી શેરીની જગ્યા મહાનગરપાલિકા પાસે માંગેલ છે. ઉપરાંત રાજકોટની શોભામાં અભિવૃદ્ધિ કરવા રાજકોટ મહાનગરપાલિકા જ્યારે કુવાડવા રોડ ખાતે એક લાખના ખર્ચે પ્રવેશદ્વાર બનાવે અને નબળા બાંધકામના કારણે તુટી ગયું તે ખર્ચ રાજકોટના લોકોનું એળે ગયેલ છે, ત્યારે આ ટ્રસ્ટ ગૈબનશાહ રોડ ખાતે એક પંચોતેર ફુટનો ઉંચો ગેઈટ અને તેના ઉપર ઘંટાકરણનું આયોજન વિચારે છે અને આથી આ બુલંદ દરવાજો રાજકોટની શોભામાં અભિવૃદ્ધિ કરે તેવા પ્રકારનો છે તે તરફ પણ તંત્રવાહકો કેમ કાંઈ વિચારતા નથી ? આ માટે મંજુરી કે જાણ માટે રાજકોટ મહાનગરપાલિકાને લેખીતમાં જણાવેલ છે ત્યારે મ્યુનિસિપલ કમિશ્નરશ્રી તેમજ બાંધકામ ખાતાના વડા અને જગ્યા રોકાણના વડાએ મૌખિક જવાબ આપેલ છે આવી કોઈ મંજુરી અપાતી નથી અને તમો આ કાર્ય કરો તો તેમા કોઈ અડચણ આવશે નહિ તેવુ મૌખીક જણાવેલ છે તેમ અંતમાં હાજી બાબુભાઈએ જણાવેલ હતું.

આ પત્રકાર પરિષદમાં પ્રારંભમાં થોડા સમય પહેલા એક કરોડના ખર્ચે હઝરત ગૈબનશાહ પીર દરગાહનો પુનરોદ્ધાર કરવામાં આવ્યાનો ઉલ્લેખ કરી ઉત્સાહી ટ્રસ્ટી અને અગ્રણી રહીમભાઈ સોરાએ ઉપસ્થિત પત્રકારોનો અને હિન્દુ-મુસ્લિમ શ્રધ્ધાળુઓનો દરગાહ પ્રત્યેની લાગણી બદલ આભાર વ્યકત કરી બે દિ'ના ઉર્ષના કાર્યક્રમોની વિગતો આપી હતી.

આ ટ્રસ્ટમાં મહામંત્રી તરીકે સુલેમાનભાઈ સંઘાર, ટ્રસ્ટી તરીકે હાસમભાઈ સુમરા, યુનુસભાઈ હાજીભાઈ જુણેજા (લક્કી), અબ્દુલભાઈ જુણેજા, તૈયબભાઈ ભાણુ, હાજી બાબુભાઈ વિશળ પણ સેવા આપી રહ્યા છે.

(3:55 pm IST)