રાજકોટ
News of Tuesday, 19th March 2019

ભોમેશ્વરવાડીમાં મોડી રાત્રે ઋતુરાજસિંહ ગોહિલ અને સાગર વ્યાસ પર ૩ શખ્સોનો પાઇપથી હુમલો

દરબાર યુવાનના મિત્ર સાગરને મોબાઇલના બીલ બાબતે વાંધો પડ્યો હોઇ દિપ લાઠીયા, હાર્દિકસિંહ જાડેજા અને બળવંતસિંહ ઉર્ફ બળો તૂટી પડ્યાઃ પ્ર. નગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૯: ભોમેશ્વરવાડીના બે મિત્રો દરબાર યુવાન અને બ્રાહ્મણ યુવાન પર મોડી રાત્રે ત્રણ શખ્સોએ આવી દરબાર યુવાનના મિત્ર સાથે મોબાઇલ ફોનના બીલ બાબતે વાંધો ચાલતો હોઇ તેનો ખાર રાખી પાઇપથી હુમલો કરતાં બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બનાવ અંગે પોલીસે ભોમેશ્વરવાડી-૫માં રહેતાં અને મજૂરી કરી ગુજરાન ચલાવતાં ઋતુરાજસિંહ જગદીશસિંહ ગોહિલ (ઉ.૨૪)ની ફરિયાદ પરથી દિપ લાઠીયા, હાર્દિકસિંહ જાડેજા તથા બળવંતસિંહ ઉર્ફ બળો સામે ગુનો નોંધ્યો છે.

ઋતુરાજસિંહે એફઆઇઆરમાં જણાવ્યું છે કે સોમવારે રાત્રે દોઢેક વાગ્યે હું તથા મારો મિત્ર સાગર ધર્મેશભાઇ વ્યાસ ભોમેશ્વરફાટક પાસે હનુમાનજીની ડેરી પાસે ઉભા ઉભા વાતો કરી રહ્યા હતાં ત્યારે મારા મિત્ર સાગરે યાજ્ઞિક રોડ પર મહાવીર મોબાઇલમાંથી એક મહિના પહેલા મોબાઇલ ખરીદ કર્યો હોઇ તેના બીલ બાબતે દિપ લાઠીયાને મનદુઃખ ચાલતું હોઇ ખાર રાખી દિપ, તેની સાથેના તેના મિત્રો હાર્દિકસિંહ જાડેજા અને બળવંતસિંહ ઉર્ફ બળો આવ્યા હતાં અને દિપએ મોબાઇલના બીલ બાબતે ઝઘડો કરી ગાળો દેવાનું ચાલુ કરતાં તેને ગાળો બોલવાની ના પાડતાં દિપ તથા બળો અને હાર્દિકસિંહે સાથે મળી લોખંડના પાઇપથી હુમલો કરી મને માથાના ભાગે તથા ડાબા પગે ઘૂંટણમાં ઘા ફટકારી દીધો હતો. મારો મિત્ર સાગર વ્યાસ વચ્ચે પડતાં તેને પણ માર માર્યો હતો અને બાદમાં ત્રણેય ભાગી ગયા હતાં. એ પછી સાગરે ફોન કરી તેના પિતા ધમેન્દ્રભાઇ વ્યાસને બોલાવતાં અમને બંનેને હોસ્પિટલે ખસેડ્યા હતાં.

(3:38 pm IST)