રાજકોટ
News of Tuesday, 19th March 2019

વેજાગામના પૂર્વ સરપંચની જમીન પચાવી પાડવાના ૨૦૧૪ના કોૈભાંડમાં બલી ડાંગર અને જયપાલસિંહ જાડેજાની ધરપકડ

આગોતરા જામીન સાથે રજૂ થતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી જામીન મુકત કર્યાઃ તે વખતે ડઝનેક શખ્સો સામે ગુનો દાખલ થયો હતો

રાજકોટ તા. ૧૯: વર્ષ ૨૦૧૪માં વેજાગામના પૂર્વ સરપંચ જયદેવસિંહ અભેસિંહ જાડેજા (ઉ.૫૬)ની અતિ કિંમતી જમીન પચાવી પાડી મારી નાંખવાની ધમકી આપી જમીનમાં ઘુસી બોર્ડ ઉભા કરી દેવા સબબ જે તે વખતે ગાંધીગ્રામ પોલીસે જયપાલસિંહ જાડેજા, બલી ડાંગર સહિત ડઝનેક શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં બલદેવ ઉર્ફ બલી વીરભાનુભાઇ ડાંગર (ઉ.૩૪-રહે. વાંકાનેર સોસાયટી-૧) તથા જયપાલસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.૪૫-રહે. અમીન માર્ગ, ચિત્રકુટધામ)ની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. જો કે આ બંને આગોતરા જામીન લઇ હાજર થયા હોઇ કાર્યવાહી બાદ ગાંધીગ્રામ પોલીસે મુકત કર્યા છે.

જે તે વખતે તા. ૨૧/૯/૨૦૧ના રોજ વેજાગામ પટેલ શેરીમાં રહેતાં અને ખેતી કરતાં પૂર્વ સરપંચ જયદેવસિંહ જાડેજા (ઉ.૫૬)ની ફરિયાદ પરથી પ્રવિણ પ્રભાતભાઇ હુંબલ તથા બલી ડાંગરના ૩૫ થી ૪૦ માણસોના ટોળા સામે આઇપીસી ૪૫૨, ૧૪૩, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો.જે તે વખતે પોલીસ તપાસમાં બલી ડાંગર, જયપાલસિંહ જાડેજા, પ્રવિણ હુંબલ, અર્જુન જળુ, ભાવેશ હુંબલ, ભાવેશ કુરકુરીયાવાળવાળો, ઉમંગ પટેલ, મિલાપ લાવડીયા, શૈલેષ કુંભાર સહિતના નામ પણ સામે આવતાં મોટા ભાગનાની ધરપકડ થઇ હતી. આ કેસમાં બાદમાં બાકીના આરોપીઓની ધરપકડ સામે સ્ટે લેવામાં આવ્યો હતો. પાછળથી સ્ટે ઉઠી જતાં બલી ડાંગર અને જયપાલસિંહ જાડેજા ગઇકાલે આગોતરા જામીન સાથે હાજર થતાં ગાંધીગ્રામ પી.આઇ. વી. વી. ઓડેદરા, ભાનુભાઇ મિંયાત્રા તથા રશ્મીનભાઇ પટેલે ધરપકડની કાર્યવાહી કરી જામીન મુકત કર્યા છે.

(3:38 pm IST)