રાજકોટ
News of Tuesday, 19th March 2019

લાલપાર્કના પટેલ આધેડ શાંતિભાઇ હરસોડાએ બેંક લોન ચડી જતાં ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

રાજકોટ તા. ૧૯: અટીકા ૮૦ ફુટ રોડ પર નહેરૂનગર પાસે લાલ પાર્કમાં એપાર્ટમેન્ટમાં રહેતાં પટેલ આધેડે બેંક લોન ન ભરી શકતાં દેણું વધી જવાથી કંટાળી જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

લાલપાર્કમાં રહેતાં શાંતિભાઇ કરસનભાઇ હરસોડા (ઉ.૪૭) નામના પટેલ આધેડે ઘરમાં છતની પીઓપીમાંથી લાઇટ કાઢી તેના હુકમાં ચુંદડી બાંધી દેહ લટકાવી દીધો હતો. પરિવારજનો જોઇ જતાં નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે જાણ કરતાં ભકિતનગરના એએસઆઇ સુભાષભાઇ વી. ડાંગર તથા રાઇટર નિલેષભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ શાંતિભાઇ પટેલને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. અગાઉ તેમણે બેંકમાંથી લોન લીધી હોઇ હપ્તા ચડત થઇ જતાં દેણાને કારણે ટેન્શનમાં રહેતાં હતાં. કેટલાક સમયથી કામે પણ જતાં નહોતાં. કંટાળીને આ પગલું ભર્યાનું તેમના પરિવારજનોએ કહ્યું હતું.

ભવાનીનગરના વૃધ્ધાએ ફિનાઇલ પી લીધું

રામનાથપરા પાસે ભવાનીનગર-૪માં રહેતાં રંજનબેન બાબુભાઇ ગોહેલ (ઉ.૮૫) નામના ઓડ વૃધ્ધાએ માનસિક બિમારીથી કંટાળી ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વૃધ્ધાને સંતાનમાં એક પુત્ર છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

(3:38 pm IST)