રાજકોટ
News of Tuesday, 19th March 2019

બસીર ૨૦૦૮માં ગાંજા સાથે પકડાયો'તો, ૩ વર્ષ જેલમાં રહ્યો...છુટ્યા પછી ફરીથી એ જ 'ગોરખધંધો' શરૂ કર્યો!

રૈયા રોડ પર ઇંંડા વેચતો, અકસ્માત નડ્યો એ પછી કોર્પોરેશનવાળા આવે તો લારી લઇ ભાગી શકતો નહી, આથી ગાંજો વેંચવાના રવાડે ચડ્યો! : બ્રહ્મસમાજ-૧માંથી બસીર બ્લોચ અને અમદાવાદના અબ્દુલવાસીદ કુરેશીને ૪ કિલો ગાંજા સાથે એસઓજીએ દબોચ્યા : બસીરને અગાઉ પણ ત્રણેક વખત અબ્દુલ ગાંજો આપી ગયો'તોઃ બસીર પડીકીઓ બનાવી ૧૦૦-૧૦૦ રૂપિયામાં વેંચતોઃ અમદાવાદથી કોણ મોકલતું? તે અંગે પુછતાછઃ બંનેના રિમાન્ડ મેળવવા તજવીજ : કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, ફિરોઝભાઇ રાઠોડ અને જીતુભા ઝાલાને એનડીપીએસના સતત પાંચ મોટા કેસમાં સફળ બાતમી

રાજકોટ તા. ૧૯: શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થના ધંધાનો પર્દાફાશ કર્યો છે. રૈયા રોડ પર બ્રહ્મસમાજ શેરી નં. ૧માં રહેતો બસીર મહમદભાઇ બ્લોચ (ઉ.૬૧) નામનો મુસ્લિમ વૃધ્ધ ગાંજો વેંચતો હોવાની અને તેને ગઇકાલે જ અમદાવાદનો એક શખ્સ ગાંજો આપવા આવ્યાની ચોક્કસ બાતમી કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા અને ફિરોઝભાઇ રાઠોડને મળતાં ટીમે દરોડો પાડતાં બસીર અને તેને 'માલ' આપવા આવેલો શખ્સ રંગેહાથ રૂ. ૨૪૨૦૪ના ૪.૦૩૪ કિ.ગ્રા. ગાંજા સાથે ઝડપાઇ જતાં એેનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી બે મોબાઇલ ફોન અને બેગ પણ કબ્જે લેવાયા હતાં. અમદાવાદના શખ્સનું નામ અબ્દુલવાસીદ હાજીમહમદગુલામ કુરેશી (ઉ.૩૪-રહે. મદાની એપાર્ટમેન્ટ દાણીલીમડા) હોવાનું ખુલ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ બસીર અગાઉ રૈયા રોડ પર ઇંડાની લારી રાખતો હતો. પણ અકસ્માતમાં પગ ભાંગી જતાં બાદમાં કોર્પોરેશનની જગ્યા રોકાણ શાખાવાળા આવે તો લારી લઇ ભાગી શકતો નહોતો. આ કારણે ધંધો કરી શકતો ન હોઇ એક બંધાણી મારફત ગાંજાના ધંધાના રવાડે ચડ્યો હતો. ૨૦૦૮માં તે આવા ગુનામાં પકડાતાં ત્રણેક વર્ષ જેલમાં રહ્યો હતો. છુટ્યા પછી ફરીથી છુટક-છુટક આ ગોરખધંધો ચાલુ કર્યો હતો.

બસીરને સોમવારે અમદાવાદનો શખ્સ ગાંજો આપવા આવવાનો હોવાની બાતમી મળી હોઇ પી.આઇ. આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ બી. કે. ખાચર, પીએસઆઇ એચ. એમ. રાણા, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, વિજયભાઇ શુકલ, કોન્સ. જીતુભા, ફિરોઝભાઇ, વિજુભા, ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ચુડાસમા, બ્રિજરાજસિંહ ઝાલા, અનિલસિંહ ગોહિલ, હરદેવસિંહ વાળા અને યુવરાજસિંહ જાડેજાએ દરોડો પાડી બસીર અને અબ્દુલવાસીદને પકડી લીધા હતાં. આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં આગળની તપાસ પી.આઇ. વી. વી. ઓડેદરા, ભાનુભાઇ મિંયાત્રા, રશ્મીનભાઇ પટેલ સહિતે હાથ ધરી છે.

બસીરને પકડી લેવાની કામગીરીમાં જેને બાતમી મળી છે તે વિજુભા (વિજેન્દ્રસિંહ), જીતુભા અને ફિરોઝભાઇને સતત પાંચમી વખત એનડીપીએસના દરોડામાં સફળ બાતમી પ્રાપ્ત થઇ છે. અગાઉ ૪૦૦ કિલો ગાંજો, ખંભાતમાંથી ૨૧૦૦ કિલો ગાંજો, ચોટીલામાંથી ગાંજાનું વાવેતર, જંગલેશ્વરમાંથી ચરસ, ગાંજો પકડાયા તેમાં પણ આ ત્રણેયને માહિતી મળી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા (ક્રાઇમ) અને પી.આઇ. આર. વાય. રાવલની રાહબરીમાં એસઓજીની ટીમને વધુ એક સફળતા મળી છે.

બસીર અમદાવાદના અબ્દુલવાસીદ મારફત અગાઉ પણ ત્રણેક ખેપમાં ગાંજો મંગાવી ચુકયો છે. તે છુટક-છુટક પડકીઓ બનાવી રૂ.૧૦૦-૧૦૦માં વેંચતો હતો. અમદાવાદથી અબ્દુલવાસીદને આ ગાંજો કોણ આપે છે? તેના રાજકોટમાં બસીર સિવાય બીજા કોઇ ગ્રાહકો છે કે કેમ? કેટલા સમયથી રાજકોટ આવે છે? સહિતના મુદ્દે તપાસ કરવાની હોઇ બસીર અને અબ્દુલવાસીદ બંનેના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

(3:36 pm IST)