રાજકોટ
News of Tuesday, 19th March 2019

મતદાન જાગૃતિ માટે ચેતેશ્વર પૂજારાની ઓડીયો-વીડીયો કલીપ મૂકાશેઃ ૩II લાખ સંકલ્પ પત્રો ભરાવતું તંત્ર

હેડ કવાર્ટર એઆરઓ તરીકે એમ. કે. પટેલઃ રાજકોટ બેઠક માટે બે સ્થળે ફોર્મ ભરી શકાશે : મતદાતા જાગૃતિ માટે કાર્યક્રમ શરૃઃ સ્કાઉટ ગાઇડ દ્વારા રેલીઃ વિગતો આપતા એડી. કલેકટર પરિમલ પંડયા

રાજકોટ તા. ૧૯: આજે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે, મતદાર જાગૃતિ માટે તંત્ર દ્વારા જોરશોરથી કાર્યક્રમો શરૂ કરી દેવાયા છે, શાળા-કોલેજોમાં મતદાન અવશ્ય તે સંદર્ભે ૩II લાખથી વધુ સંકલ્પ પત્રો તેમના વાલીઓ અને યુવા મતદારો પાસે ભરાવ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, મલ્ટીપ્લેકસ થીયેટરોમાં મતદાન અવશ્ય કરો અને મતદાન જાગૃતિ અંગે આજથી કલીપો શરૂ થઇ જશે.

શ્રી પંડયાએ ઉમેર્યું હતું કે ભારતના સ્ટાર બેટસમેન અને રાજકોટના વતની અને ચૂંટણી પંચના સ્ટેટ આઇકોન ચેતેશ્વર પૂજારાની મતદાન-મતદાર જાગૃતિ અંગેની ઓડીયો-વીડીયો કલીપ તૈયાર કરી લેવાઇ છે, જે ૧ થી ર દિવસમાં રાજકોટમાં કોર્પોરેશનના કિઓસ્ક બોર્ડ ઉપર મૂકી દેવાશે, ર થી ૩ દિ'માં મતદાર જાગૃતિ અંગે સ્કાઉટ ગાઇડ દ્વારા રેલી પણ નીકળશે, ચેતેશ્વર પૂજારાની ઓડીયો કલીપ એફએમ રેડીયો ઉપર ખાસ સાંભળવા મળશે.

તેમણે ઉમેર્યું હતું કે, હેડ કવાર્ટર એઆરઓ તરીકે મધ્યાહન ભોજન યોજનાના ડે. કલેકટર શ્રી એમ. કે. પટેલની ખાસ નિમણુંક કરાઇ છે, રાજકોટ લોકસભા બેઠક માટે નવી કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી અને ડે. કલેકટર એમ. કે. પટેલ એમ બે સ્થળે ફોર્મ ભરી શકાશે.

(3:32 pm IST)