રાજકોટ
News of Tuesday, 19th March 2019

ચાંદીનો ધંધો કરતા પટેલ યુવાનની હત્યાના ગુનામાં આરોપીની જામીન અરજી નામંજુર

રાજકોટ તા.૧૯: જીયાણા ગામમાં પટેલ યુવાનને એસીડ પીવડાવીને હત્યા કરવાના ગુન્હામાં આરોપી જીતેન્દ્ર ચનાભાઇ રામાણી તથા ચનાભાઇ મોહનભાઇ રામાણીની જામીન અરજી અદાલતે ચાર્જશીટ બાદ રદ કરેલ છે.

 

આ બનાવની વિગત એવી છે કે જયેશભાઇ છગનભાઇ રામાણી રહેઃ- કબીરવન સોસાયટી, રાજકોટવાળા ચાંદીના દાગીના બનાવવાનો વ્યવસાય કરતા હતા. આ કામમાં મૃત્યુ પામનાર જયેશભાઇ છગનભાઇ રામાણી ઉ.વ.આ.૩૫ આ કામના ત્હોમતદાર કિશોરભાઇ ચનાભાઇને ચાંદીના દાગીનાનો ઉધાર માલ આપેલ હતો. જે પેટે રૂ.૨૬,૦૦,૦૦૦ અંકે રૂપિયા છવ્વીસ લાખ પુરા ગુજરનાર જયેશભાઇ છગનભાઇ રામાણીને કિશોરભાઇ ચનાભાઇ પાસેથી લેવાના હોય જેની ઉઘરાણી ગુજરનાર અવાર નવાર આ કામના આરોપી કિશોર ચનાભાઇ પાસે કરતા હોય જેના અનુસંધાને કિશોર ચનાભાઇ ચાંદીના માલ પેટેના રૂપિયા આપતા ન હોય અને ગુજરનાર તેની વારંવાર ઉઘરાણી કરતા હોય જેના ભાગરૂપે ગત તા.૫-૧૧-૧૮ના રોજ આ કામના આરોપી કિશોરે ગુજરનાર જયેશ છગનભાઇ રામાણીને બોલાવેલ અને ગુજરનાર આરોપીના કહેવા મુજબ જીયાણા ગામે ગયેલ અને ત્યાં આ કામના ત્હોમતદાર કિશોર ચના તથા મોહન, જીતેન્દ્ર ઉર્ફે જતીન ચનાએ તેમના જીયાણા ગામે બંને આરોપી ચનાભાઇ તથા જીતેન્દ્ર ઉર્ફે જતીનએ ગુજરનાર જયેશ છગનભાઇ રામાણીને પકડી રાખીને આ કામના આરોપી કિશોર ચનાએ સલ્ફીયુરીક એસીડ પીવડાવેલ અને બાદમાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજેલ હતું.

ત્યારબાદ આ કામના ત્હોમતદાર જીતેન્દ્ર ચનાભાઇ રામાણી તથા ચનાભાઇ મોહનભાઇ રામાણી દ્વારા ચાર્જશીટ બાદ અદાલતમાં જામીન અરજી કરતા સ્પે.પી.પી.નિતેશભાઇ કથીરીયાએ એવી રજુઆત કરેલ કે હાલના ત્હોમતદારો સામે પ્રથમ દર્શનીય કેસ છે બનાવ વખતે તેની હાજરી છે તેમજ પ્રથમથી આઇ.પી.સી.કલમ ૧૨૦(બી) લગાવવામાં આવેલ છે તેમજ ગુજરનારને પી.એમ.રીપોર્ટ મુજબ ૨૩ જેટલી ઇજાઓ છે જેથી આ કેસની હકીકત તેમજ ગુન્હાની ગંભીરતા જોતા અને આ કામમાં સ્પે.પી.પી.ની ધારદાર દલીલો અને નામદાર ગુજરાત હાઇકોર્ટ તથા સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ રજુ કરેલ.

ત્હોમતદારોને જામીન મળતા પાત્ર ન હોય જેથી જામીન અરજી રદ કરવા અરજ કરેલ જેના આધારે અદાલતે આ કામના ત્હોમતદારોની જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સ્પે.પી.પી.તરીકે નિતેશ કથીરીયા તથા મુળ ફરીયાદી વતી ભગીરથસિંહ ડોડીયા, કિરીટ નકુમ, હેમાંશુ પારેખ, જયવીર બારૈયા, મીલન જોષી, રવિરાજસિંહ જાડેજા, દીપ વ્યાસ એડવોકેટ તરીકે રોકાયેલા છે

(3:30 pm IST)