રાજકોટ
News of Tuesday, 19th March 2019

ખોડલધામના પૂર્વ પ્રમુખે કહ્યું... ઓફર આવશે તો વિચારીશ

પરેશ ગજેરાને ટિકિટ આપોઃ લાગ્યા પોસ્ટરો

સમર્થકોએ કાલાવડ રોડ, કિશાનપરા ચોક, કોટેચા ચોક સહિત વિવિધ વિસ્તારોમાં ૫૦ જેટલા બેનરો લગાવ્યા

રાજકોટ : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકોટમાં ખોડલધામનાં પૂર્વ પ્રમુખ અને ગુજરાત ક્રેડાઈના પ્રમુખ પરેશ ગજેરાને ટિકિટ આપવા માટે વિવિધ સંસ્થાઓએ પોસ્ટરો લગાવ્યાં છે. પરેશ ગજેરાનાં સમર્થકોએ કાલાવડ રોડ, કિશાનપરા ચોક, કોટેચા ચોક સહિત વિવિધ વિસ્તારોમાં ૫૦ જેટલા બેનરો લગાવ્યા છે. જેમાં એવું પણ લખ્યું છે કે રાજકોટ બેઠક પરથી પરેશ ગજેરાને ટિકિટ આપવાથી પક્ષને ફાયદો થશે. રાજકોટનાં વિવિધ વિસ્તારોમાં આ પોસ્ટરો પાટીદાર સમાજ, હિન્દુ રામસેના અને અખિલ ભારતીય હિન્દુ યુવા મોરચા દ્વારા આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે

 આ અંગે જયારે પરેશ ગજેરાએ જણાવ્યું કે, આ પોસ્ટરો જેને લગાવ્યાં છે, જેને ઇચ્છા છે કે હું રાજકારણમાં આવું તેમને આવા પોસ્ટરો લગાવ્યાં છે. આ પોસ્ટરોની મને આજે સવારે જ જાણ થઇ છે. તેમનો હું આભાર માનું છું. મારી હાલ નજીકનાં ભવિષ્યમાં ચૂંટણી લડવાની ઇચ્છા નથી. આમછતાં જો કોઇપણ રાજકીય પાર્ટીની ઓફર આવશે તો હું આ બધા ગ્રુપ છે મારા હિતેચ્છુઓ છે સમાજનાં અગ્રણીઓ છે તેમની સાથે ચર્ચા વિચારણા કરીને હું અંતિમ નિર્ણય લઇશ.

તેમણે આગળ જણાવતા કહ્યું કે, પહેલા મને ટિકિટની ઓફર કરવામાં આવી હતી પરંતુ અત્યારે કોઇ ટિકિટની ઓફરની વાત આવી નથી. પરંતુ જો વાત આવશે તો હું ચોક્કસ સમાજ અને હિતેચ્છુઓ સાથે ચર્ચા વિચારણા કરીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇશ. લોકોની, સમાજ અને મિત્રોની લાગણીને કારણે મારે જુકવું પણ પડે. દિવસે દિવસે મારા પર પ્રેશર વધતું જાય છે, મને ફોન કરીને અને મેસેજમાં પણ ચૂંટણી લડવાની વાત કહેવામાં આવે છે. જો હવે મને ઓફર આવશે તો ચોક્કસ વિચાીશું અને બહુમતી જેમાં હશે તેવો નિર્ણય લઇશું'.

(3:29 pm IST)